દાહોદની બાળકીનો હત્યારો આચાર્ય VHP, RSS, BJP સાથે જોડાયેલો છે?

દાહોદમાં માસૂમ બાળકીની હત્યા કરનાર શાળાનો આચાર્ય ગોવિંદ નટ VHP, RSS, BJP સાથે સંકળાયેલો હોવાના પુરાવા મળ્યાં છે.

દાહોદની બાળકીનો હત્યારો આચાર્ય VHP, RSS, BJP સાથે જોડાયેલો છે?
image credit - Google images

- આરોપી આચાર્ય ગોવિંદ નટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે ઘરોબો ધરાવે છે.

- દાહોદની ઘટનાનો આરોપી રાજકીય વ્યક્તિ, તેની સામે પગલાં લેવાશે? : પાર્થિવરાજ કઠવાડિયા

- દુષ્કર્મની ફરિયાદ થયેલા ભાજપના પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સાથે આરોપી ગોવિંદનો ફોટો

દાહોદ ખાતે માસૂમ બાળકીની હત્યા કરનાર શાળાનો આચાર્ય ગોવિંદ નટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે ઘરોબો ધરાવે છે, ત્યારે તેની સામે કડક પગલાં લેવાશે કે કેમ? તેવી આશંકા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ વ્યક્ત કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ દાહોદના સિંધવડમાં છ વર્ષની દીકરીની તેની જ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવેલી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. કઠવાડિયાએ તે ઘટનાના આરોપી એવા શાળાના આચાર્ય ગોવિંદ નટના સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે ઘરોબો હોવાના ફોટો રજૂ કર્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "ગોવિંદ નટ સંઘના ગણવેશ સાથે શિબિરમાં ભાગ લીધાનો ફોટો, વિશ્વ હિન્દુ પરિષદની શિબિરમાં ભાગ લીધાના ફોટો તેમજ ભાજપ સરકારના પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સાથેના ફોટો જોવા મળ્યા છે. ત્યારે શું સંઘ, વીએચપી અને ભાજપના આગેવાનો કે કાર્યકરો કોઈ વિરોધ કરશે ખરાં? દાહોદની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢશે ખરાં?"

આ પણ વાંચો: ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...

કઠવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "ગોવિંદ નટના ભાજપ સરકારના પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સાથે ફોટા છે તે પૂર્વ મંત્રી અર્જુન ચૌહાણ સામે પણ ભૂતકાળમાં દુષ્કર્મની ફરિયાદ થયેલી છે." ત્યારે આ ગોવિંદ નટ સામે ભાજપ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે ખરાં તેવો ગંભીર સવાલ ઉઠાવ્યો છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પણ આ મામલે વેઘક સવાર ઉઠાવતા કહ્યું હતું કે, "સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસૂમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલાં ભરશે? તેવો વેધક સવાલ કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કર્યો છે."

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "સમગ્ર ગુજરાતમાં વધતા જતા માસૂમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણીના વધતા જતાં કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે, ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતિ માટે ગંભીર પગલાં લેવાનો સમય પાકી ગયો છે."

દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, "દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 72 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. એટલું જ નહીં, સમગ્ર કેસને ફાસ્ટ-ટ્રેકમાં ચલાવાય અને દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરાય તેવી માંગણી છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "દાહોદની શાળામાં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગતને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટમાં શિક્ષણ સંસ્થાનમાં જાતીય સતામણીની ફરિયાદો ઉઠી છે, ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે."

દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્યમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ફક્ત કાગળ ઉપર છે. આ પ્રકારના બનાવોમાં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવાને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગણી છે. કર્મયોગી જેવી અનેક તાલીમોમાં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે ત્યારે કઈ પ્રકારની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે?"

આ પણ વાંચો: દાહોદના તોરણીમાં આચાર્ય જ બાળકીનો હત્યારો નીકળ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.