જિલ્લા ઉપાધ્યક્ષના પતિએ આદિવાસી યુવકની મારી-મારીને ચામડી ઉતરડી નાખી

નેતાએ તેના બે ભાઈઓ સાથે મળીને તેમની સામે થયેલા એટ્રોસિટીના કેસમાં જુબાની આપવા જતા આદિવાસી યુવકને આંતરીને તેના શરીર પર ચાઠાં પડી ગયા ત્યાં સુધી માર્યો.

જિલ્લા ઉપાધ્યક્ષના પતિએ આદિવાસી યુવકની મારી-મારીને ચામડી ઉતરડી નાખી
image credit - Google images

એટ્રોસિટીના એક કેસમાં જુબાની આપવા જઈ રહેલા એક આદિવાસી યુવકને જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષના પતિ અને તેના બે ભાઈઓએ મળીને નિર્દયતાથી માર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો. મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બિજાવર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આદિવાસી યુવક રાજબહાદુરસિંહ બાઇક પર પાટણ ખાતે પોતાના ઘરે જઇ રહ્યો હતો. દરમિયાન બીજાવર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષના સીતા યાદવના પતિએ તેના બે સગા ભાઈઓ સાથે મળીને તેના પર લાકડીઓ અને દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. 

યુવકને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયો

રાજબહાદુર એટ્રોસિટીના એક કેસમાં આરોપીઓ સામે જુબાની આપવાનો હતો. જેની દાઝ રાખીને આ લોકો તેને મારવા માટે મોકાની રાહ જોઈને તૈયાર હતા. જિલ્લા ઉપાધ્યક્ષના પતિ દેવી સિંહ યાદવ તેના બે ભાઈઓ મુલાયમ સિંહ યાદવ અને માધવ સિંહ યાદવે આદિવાસી યુવકને લાકડીઓ વડે નિર્દયતાથી માર્યો હતો. રાજબહાદુર સિંહ ગંભીર રીતે ઘાયલ થતા તેને ગંભીર હાલતમાં બિજાવરના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી બાદમાં તેને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

ધાક જમાવવા માટે હુમલો કર્યો

ઈજાગ્રસ્ત આદિવાસી રાજબહાદુર સિંહે કહ્યું, “દેવી સિંહ અને તેના બે ભાઈઓએ તેના પર હુમલો કર્યો હતો કારણ કે તે એટ્રોસિટી એક્ટના એક કેસમાં તેમની સામે જુબાની આપી રહ્યો હતો. પાટણના એક દલિત પરિવારે બાજણા પોલીસ સ્ટેશનમાં દેવી સિંહ વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધાવ્યો હતો, જેને લઈને આજે તેમણે દાદાગીરી બતાવી પીડિતો પર ધાક જમાવવા માટે આ હુમલો કર્યો હતો.

આરોપીઓ હુમલો કરી ફરાર થઈ ગયા

બિજાવર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલજીત સિંહ મબઈએ કહ્યું, “3 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પીડિતને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે."

આદિવાસી યુવકનો રસ્તો રોકી હુમલો કર્યો

શનિવારે રાજબહાદુર આદિવાસીને ગંભીર હાલતમાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગામના એક દલિત વ્યક્તિને દેવીસિંહ યાદવના પરિવાર દ્વારા માર મારવામાં આવ્યો હતો, જે મામલે બજાણા પોલીસે એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં પોલીસે સાક્ષી તરીકે રાજબહાદુરનું નિવેદન નોંધ્યું હતું. જેની જાણ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સીતા યાદવના પતિ દેવી સિંહ અને તેના ભાઈ માધવ સિંહ, મુલાયમ સિંહને થતાં જ તેમણે ભેગા થઈને રાજબહાદુરને રસ્તામાં રોક્યો હતો અને લાકડીઓ, લાતો, મુક્કાઓ અને પથ્થર મારીને તેના પર જીવલેણ હુમલો કર્યો છે.

યુવકના પગની ચામડી કાળી પડી ગઈ, કમર પર દંડાના નિશાન

રાજબહાદુરને આ હુમલામાં ગંભીર ઇજાઓ થઇ છે. તેના બંને ઘૂંટણની ચામડી કાળી થઈ ગઈ છે અને સોજાઈ ગઈ છે, કમરની નીચે ડંડાના નિશાન પડી ગયા છે અને બંને હાથ પર ગંભીર ઈજાના નિશાન પડી ગયા છે.

ઘાયલ રાજ બહાદુરના પરિવારજનોએ જણાવ્યું કે, હુમલાખોરોએ પહેલા પણ દલિતોને માર માર્યો હતો. પોલીસે તેમના પર કાર્યવાહી કરવામાં વિલંબ અને બેદરકારી દાખવી તેના કારણે તેમની સાથે આ બીજો કિસ્સો બન્યો છે. પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે, જો હુમલાખોરોની વહેલીતકે ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ ફરીથી તેમના પર હુમલો કરી શકે છે.

આ પણ વાંચો: 'તેં ફરિયાદ કરીને ખોટું કર્યું, હવે ગામ છોડી દો, બાકી જીવવા નહીં દઈએ'


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.