સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું '21 ઓગસ્ટ ભારત બંધ'
આવતીકાલે અનામતને લઈને સુપ્રીમ કોર્ટના ચૂકાદાની વિરુદ્ધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તે સોશિયલ મીડિયામાં પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
21_August_Bharat_Bandh આ હેશટેગ હાલ સોશિયલ મીડિયા પર દાવાનળની જેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ખાસ કરીને X પર તેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. હેશટેગ #21_August_Bharat_Band અત્યારે ટ્રેન્ડમાં છે. X પર આ હેશટેગ સાથે 45 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ આ બંધનું આહ્વાન કર્યું છે.
સુપ્રીમ કોર્ટની બહુમતી સવર્ણ જજોની બંધારણીય બેંચે 1 ઓગસ્ટ 2024ના રોજ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. તેમણે રાજ્યોને SC અને ST જૂથોમાં પેટા-શ્રેણીઓ બનાવવાની મંજૂરી આપી ઉમેર્યં હતું કે, "જેને ખરેખર તેની જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ." આ નિર્ણયને કારણે દેશભરમાં એસસી, એસટી સમાજમાં હોબાળો મચી ગયો છે. છેવાડા માણસ સુધી તેણે ચર્ચા જગાવી છે અને તેના વિરોધમાં આવતીકાલે ભારત બંધની હાકલ કરી છે.
બંધ દરમિયાન વિરોધ અને તેના પગલે સંભવિત હિંસાની શક્યતાને લઈને ટોચના પોલીસ અધિકારીઓએ તૈયારીઓ માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો હતો. મુખ્ય સચિવ ગૃહ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) એ બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને 21 ઓગસ્ટે વિરોધ પ્રદર્શન માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો: મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ
પશ્ચિમ ઉત્તર પ્રદેશને ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે ત્યાંની પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓ વ્યાપક પગલાં લઈ રહ્યા છે.
ભારત બંધ પાછળનું કારણ શું છે?
ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ્ય અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને ઉલટાવવાની માંગ કરવાનો છે. આ બંધને વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો તરફથી સમર્થન મળવાની અપેક્ષા છે. વિરોધનો ઉદ્દેશ્ય કોર્ટના અન્યાયી નિર્ણયને સરકાર દ્વારા રદ કરવાનો છે.
આ વર્ષે ભારત બંધનો આ પહેલો પ્રસંગ નથી. ફેબ્રુઆરી 2024માં, ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓ માટે 16 ફેબ્રુઆરીએ બંધનું આયોજન કર્યું હતું. જો કે ભારતના મોટાભાગના ભાગોમાં તેની કોઈ ખાસ અસર થઈ ન હતી, પરંતુ પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલનને કારણે વિક્ષેપ પડ્યો હતો.
ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે?
આવા બંધ દરમિયાન, એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહે છે. હોસ્પિટલો અને તબીબી સેવાઓ પણ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખે છે. જો કે, સાર્વજનિક પરિવહન સામાન્ય રીતે બંધ હોય છે, અને ખાનગી કંપનીઓ સામાન્ય રીતે તેમના કામકાજ બંધ રાખતી હોય છે.
ક્રીમી લેયરને અનામતમાંથી દૂર કરવાને લઈને સોશિયલ મીડિયા પર અભિયાન તેજ થયું છે. આ આંદોલન અંતર્ગત બહુજન સંગઠનોએ ભારત બંધમાં જોડાવાની જાહેરાત કરી છે. ભારત બંધનો હેતુ હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજો માટે અનામતને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય અયોગ્ય છે તે દિશામાં ધ્યાન દોરવાનો છે. આ પ્રદર્શનને લઈને દેશના તમામ મોટા રાજ્યોના મુખ્ય શહેરોમાં બહુજન સમાજના સંગઠનોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગુજરાતમાં પણ નાનામોટાં તમામ શહેરોમાં આ મુદ્દે સજ્જડ બંધ પળાશે.
ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભૂજ, જૂનાગઢ સહિતના શહેરોમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. વહીવટી તંત્ર વિરોધ પ્રદર્શન દરમિયાન વ્યવસ્થા જાળવવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ પણ વાંચો: કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન