હોટલમાં આદિવાસી શિક્ષકની કોણી અડી જતા ચાર શખ્સોએ હત્યા કરી
શિક્ષકે 'સૉરી' કહ્યું છતાં આરોપીઓએ તેમને બહાર ઢસડી જઈ હત્યા કરી નાખી. પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડી ભરબજારમાં વગર ચંપલે ફેરવી હાથ જોડાવ્યા.
દલિત કે આદિવાસી સમાજની વ્યક્તિ સાથે માથાભારે તત્વો કેવી રીતે વર્તતા હોય છે તેના વિશે વધુ કશું કહેવાની જરૂર નથી. નજીવી બાબતે તેમને જાતિસૂચક ગાળો ભાંડી હત્યા સુદ્ધાં કરી દેવાતી હોય છે. આવી જ એક ઘટના ચાર દિવસ પહેલા બની ગઈ, જેમાં હોટલમાં જમવા બેઠેલા એક આદિવાસી શિક્ષકને ચાર લોકોએ નજીવી બાબતે મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનની છે. અહીં બૂંદી શહેરમાં 4 નવેમ્બરના રોજ લંકા ગેટ સ્થિત ઢાબા પર આદિવાસી સમાજમાંથી આવતા મનીષ મીણા જમવા માટે આવ્યા હતા. એ દરમિયાન તેમની આરોપીઓ સાથે માથાકૂટ થઈ ગઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આરોપીઓ પોતાના અલગ ટેબલ પર જમી રહ્યા હતા. શિક્ષક મનીષ મીણા પણ તેમના મિત્રો સાથે અલગ ટેબલ પર જમી રહ્યા હતા. એ દરમિયાન ઉભા થતી વખતે મનીષ અને આરોપીઓની કોણી એકબીજા સાથે અથડાઈ હતી. મનીષે સૌજન્યતા દાખવી સોરી પણ કહ્યું. પણ આરોપીઓને ગુસ્સો આવી ગયો અને આટલી સામાન્ય બાબતમાં તેમણે શિક્ષક સાથે ગાળાગાળી કરવાનું શરૂ કરી દીધું.
જ્યારે મનીષ મીણાએ તેમને ગાળો ન બોલવા કહ્યું તો આખો વિવાદ હોટલમાંથી રસ્તા પર આવી ગયો. એ દરમિયાન આરોપી ગુરપ્રીત અને તેના સાગરિતોએ મનીષ મીણાને મારવાનું શરૂ કરી દીધું. જેનાથી બચવા તેઓ રસ્તા પર ભાગ્યા તો આરોપીઓ તેમની પાછળ દોડ્યા અને રસ્તા વચ્ચે તેમની ચાકૂના ઘા મારીને હત્યા કરી દીધી.
પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા
આ કેસમાં સીસીટીવી સામે આવ્યા બાદ અલગ-અલગ 3 ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવીની ચકાસણીમાં આરોપીઓની ઓળખ થઈ હતી. જ્યારે તેમના ક્રિમિનલ રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે આ ખ્યાલ આવ્યો કે આરોપીઓ અગાઉ પણ હત્યા જેવા કેસમાં સંડોવાયેલા હતા. આરોપીઓની શોધ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે તેઓ પંજાબ ભાગવા માટે જયપુર તરફ જઈ રહ્યા છે. દરમિયાન પોલીસે દરોડો પાડી સોનુ, દીપક અને વિશાલની ધરપકડ કરી લીધી હતી. પોલીસને જોઈને ત્રણેય ખેતરોમાં ભાગવા લાગ્યા હતા જેના કારણે તેમના પગ અને હાથમાં ઈજા થઈ હતી.
મુખ્ય આરોપી ગુરપ્રિત સોપારી કિલર છે
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગુરપ્રીત ઉર્ફે ગોપી સોપારી કિલર છે. હાલ તે કોટામાં રહીને પણ ગેંગનું સંચાલન કરતો હતો. તે બુંદી અને અન્ય જિલ્લાના ગુનેગારોના રેકેટ સાથે જોડાયેલો છે. તે જમીનના વિવાદો, દબાણ દૂર કરવા અને કોઈપણની લડાઈ-ઝઘડાની સોપારી લે છે. તેણે અગાઉ પણ તાલેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરાબાજીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના ઘટી ત્યારથી તે ફરાર હતો. ગુરપ્રીત બહુચર્ચિત બંતા સિંહ હત્યા કેસમાં આરોપી હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પણ હત્યા અને લૂંટ જેવા કેસમાં વોન્ટેડ ગુનેગાર રહ્યાં છે.
મીણા સમાજે પણ રોષ વ્યક્ત કર્યો હતો
આ ઘટના બાદ મીણા સમાજના લોકો એકઠા થયા હતા અને હત્યારાની ધરપકડની માંગણી સાથે બુંદી જિલ્લા કલેક્ટર કચેરીએ બે વખત ચક્કાજામ કર્યો હતો. તેમણે પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવા અને ઓફિસર સ્કીમ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી હતી. આ અંગે વહીવટીતંત્રે લેખિત સમજૂતી કરી હતી, ત્યારબાદ જ મામલો શાંત પડ્યો હતો.
પોલીસે આરોપીઓને ઉઘાડા પગે શહેરમાં ફેરવી માફી મગાવી
બદમાશોની ધરપકડ કરવા સાથે પોલીસે તમામને ઉઘાડા પગે આખા શહેરમાં ફેરવી સરઘસ કાઢ્યું હતું. પોલીસ આરોપીઓને શહેરમાં ફેરવતી ફેરવતી ઘટના સ્થળે લઈ ગઈ જ્યાં તેમણે મનીષ મીણાની હત્યા કરી હતી. આરોપીઓ બધાંની સામે તેમણે કરેલા ગુનાની કબૂલાત કરી હતી અને 'ગુનો કરવો પાપ છે, પોલીસ અમારી બાપ છે' જેવા નારા લગાવ્યા હતા. આરોપીઓનું સરઘસ પોલીસ કંટ્રોલથી કલેક્ટર કચેરી, બસ સ્ટેન્ડ થઈને શહેરના સૌથી વ્યસ્ત રોડ પર કાઢવામાં આવ્યું હતું.
લોકોનો ગભરાટ ઓછો થયો
આ દરમિયાન આરોપીને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ આરોપીઓએ આદિવાસી શિક્ષકની ભરબજારે ચાકૂથી હત્યા કરી હતી. પોલીસે એ જ જગ્યાએ તેમને લઈ જઈને બધાં વચ્ચે માફી મગાવી, ગુનો કબૂલ કરાવડાવી તેમનો ભય દૂર કરવા પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો: "હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થાય..."