દિવંગત રોમેલ સુતરિયાની યાદમાં "રોમેલને સલામ" કાર્યક્રમ યોજાયો

દિવંગત એક્ટિવિસ્ટ રોમેલ સુતરિયા(Romel Sutariya) ની યાદમાં ગઈકાલે અમદાવાદમાં તેને ગમતી કવિતાઓ અને સંઘર્ષના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.

દિવંગત રોમેલ સુતરિયાની યાદમાં "રોમેલને સલામ" કાર્યક્રમ યોજાયો
image credit - khabarantar.com

બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરતા યુવા એક્ટિવિસ્ટ રોમેલ સુતરિયા(Romel Sutariya) નું થોડાદિવસ પહેલા હૃદયરોગ(Heart Attack)ના હુમલાને કારણે અવસાન થયું હતું. યુવા એક્ટિવની આ રીતે અણધારી વિદાયને કારણે તેના પરિવારજનો, મિત્રવર્તુળ સહિત સમગ્ર બહુજન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રોમેલના સાથીઓ, મિત્રો દ્વારા તેની યાદમાં ગઈકાલે અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં "રોમેલને સલામ-થોડી કવિતાઓ, થોડાં ગીતો" કાર્યક્રમ યોજાઈ ગયો.

આ કાર્યક્રમમાં રોમેલના સંઘર્ષભર્યા જીવનને નજીકથી જાણતા-સમજતા કવિઓએ અને ગાયકોએ સંઘર્ષની કવિતાઓ અને સંઘર્ષનાં ગીતો રજૂ કર્યાં હતા. અપવાદને બાદ કરતા બોલનારાનાં જીવન પણ સંઘર્ષભર્યાં અને સાંભળનારાનાં જીવન પણ સંઘર્ષભર્યાં હોવાથી આ કાર્યક્રમ ખરા અર્થમાં રોમેલ સુતરિયાને પરફેક્ટ અંજલિસમો બની ગયો હતો.

આ પણ વાંચો: આદિવાસી સમાજે પોતાનું રતન ગુમાવ્યું, ‘આદિલોક’ના તંત્રી પ્રો. આનંદ વસાવાના જીવનસાથી ભાનુબહેનનું અવસાન

ગીતામંદિર સ્થિત લક્ષ્મી કોલોનીમાં યોજાયેલો આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં કવિ કુસુમ ડાભી, ઉમેશ સોલંકી, આતિષ ઈન્દ્રેકર, સચિન સોનીબેન, સની પટણી, જયરાજ રાજવી, હોઝેફા ઉજ્જૈનીએ રોમેલના મિજાજ અને સંઘર્ષને અભિવ્યક્ત કરતી કવિતાઓ રજૂ કરી હતી.

જ્યારે મહેન્દ્ર સોલંકી, ચિરાગ વર્ષાબહેન, અનિષ ગારંગે, અઝિઝ મીનટ, અશ્વિન વાઘેલા અને જયેન્દ્ર માછરેકરે રોમેલને ગમતા અને તેના સંઘર્ષનું પ્રતિબિંબ પાડતા ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોમેલ સુતરિયાના સંઘર્ષના સાથીઓ અને મિત્રો-સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજીવન આદિવાસી સમાજના હકો-અધિકારો માટે સંઘર્ષ કરનાર એક્ટિવિસ્ટ રોમેલ સુતરિયાનું ગત તા. 1લી ઓગસ્ટના રોજ હૃદયરોગનો હુમલો આવવાને કારણે નિધન થયું હતું. અણધારી આ ઘટનાથી ગુજરાતભરનાં આદિવાસી સમાજમાં સોંપો પડી ગયો હતો. એસસી, એસટી સમાજ દ્વારા તેમના હોનહાર યોદ્ધાને વિવિધ રીતે અંજલિ આપવામાં આવી હતી. જે અંતર્ગત આ કાર્યકર્મ યોજાયો હતો.

આ પણ વાંચો: લેખક, પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. સ્વપ્નિલ મહેતા ની વિદાય


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.