23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની

આદિવાસી સમાજમાં મહિલાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચવું આજે પણ કોઈ પરીકથા જેવી વાત ગણાય છે. એન્કર સુધીર ચૌધરી જેવા તત્વો તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ તેઓ જંગલમાં જ રહે તેવું જાતિવાદથી ગ્રસ્ત નિવેદન કરીને આદિવાસી સમાજને નીચો પાડવાની એક તક જવા દેતો નથી. આવી પરિસ્થિતિ વચ્ચે પેરિયારની ભૂમિ તમિલનાડુથી સુધીર ચૌધરી જેવા તત્વોને ઈંટનો જવાબ પથ્થરથી મળ્યો હોય તેવી એક ઘટના સામે આવી છે. વાંચો આ અહેવાલ

23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની

આદિવાસી સમાજની મહિલાઓ માટે ગૌરવ લેવા જેવી એક ઘટના બની છે. પેરિયારની ભૂમિ તમિલનાડુમાં એક 23 વર્ષની આદિવાસી સમાજની દીકરીએ રાજ્યની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બનીને ઈતિહાસ રચી દીધો છે. એ રીતે આ દીકરીએ ન માત્ર ઈતિહાસ રચ્યો છે પરંતુ આદિવાસી સમાજની હજારો મહિલાઓ માટે કાયદાના ક્ષેત્રમાં પણ સફળતાના દ્વારા ખોલી નાખ્યા છે. નાની ઉંમરે લગ્ન, મર્યાદિત સગવડો સાથે દૂરના ગામડામાં રહેતી અને પુત્રીને જન્મ આપ્યાના માત્ર બે જ દિવસ પછી ઈન્ટરવ્યૂ આપવા જવું જેવા અનેક પડકારોનો સામનો કરીને તેણીએ આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. 

તેનું નામ વી. શ્રીપતિ. તિરુવન્નામલાઈ જિલ્લાના ધુરિજીકુપ્પમ ગામમાં તેનો જન્મ થયો હતો અને ઉછેર તિરુપત્તુર જિલ્લામાં યેલાગિરી હિલ્સમાં થયેલો. તે મલયાલી જનજાતિમાંથી આવે છે જે તમિલનાડુના જાવધુ હિલ્સમાં રહેતા મૂળનિવાસી સમુદાયો પૈકીનો એક છે. તેના પિતા કાલિદાસ ઘરોમાં નોકર તરીકે કામ કરે છે અને પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેમણે સરકારી લો કોલેજ, તિરુવન્નામલાઈમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી અને પછી ચેન્નાઈની ડૉ. આંબેડકર લૉ યુનિવર્સિટીમાંથી કાયદાની માસ્ટર ડિગ્રી મેળવી.

ગર્ભવતી હોવા છતાં પરીક્ષા માટે 200 કિ.મી થી વધુની મુસાફરી કરી

વી. શ્રીપતિ કાયદા અને ન્યાય પ્રત્યેના જુસ્સાને કારણે પહેલેથી ન્યાયાધીશ બનવા માંગતી હતી. તેણીએ તમિલનાડુ સિવિલ જજની પરીક્ષા માટે તૈયારી કરવા માંડી હતી,  જે તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન (TNPSC) દ્વારા લેવામાં આવે છે. તેમાં પ્રારંભિક પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. તેની તૈયારી દરમિયાન તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જેમ કે કોચિંગનો અભાવ, અભ્યાસ સામગ્રી અને ઇન્ટરનેટ ઍક્સેસ વગેરે.

તેણે પોતાની ઘરની જવાબદારીઓ અને ગર્ભાવસ્થાની સાથે પોતાના અભ્યાસને પણ બેલેન્સ કરવાનું હતું. નવેમ્બર 2023માં લેવાયેલી મુખ્ય લેખિત પરીક્ષા દરમિયાન તે ગર્ભવતી હતી. તેણે પરીક્ષા આપવા માટે તેના ગામથી પાટનગર ચેન્નાઈ સુધી 200 કિલોમીટરથી વધુની મુસાફરી કરી. તેણે 27 નવેમ્બર 2023 ના રોજ પુત્રીને જન્મ આપ્યો અને બે દિવસ પછી તે મૌખિક ઇન્ટરવ્યુ માટે હાજર થઈ ગઈ. જેમાં તેણે નોંધપાત્ર હિંમત અને આત્મવિશ્વાસ બતાવ્યો અને પોતાના નોલેજ અને કુશળતાથી ઇન્ટરવ્યુ લેનારાઓને પ્રભાવિત કર્યા.

લોકોની ટીકા છતા પતિએ શ્રીપતિને પ્રોત્સાહન આપ્યું

શ્રીપતિએ પરીક્ષા પાસ કરી અને 176 અન્ય ઉમેદવારો સાથે સિવિલ જજ તરીકે પસંદગી પામી. તેને 13 ફેબ્રુઆરી 2024ના રોજ તેની નિમણૂકનો ઓર્ડર મળ્યો હતો. તેમના પતિ વેંકટરામન વ્યવસાયે વકીલ છે. તે જવવાડુ ટેકરીની બાજુમાં આવેલી આદિવાસી વસાહત પુલીપુરના રહેવાસી છે. તેમણે શ્રીપતિના સપના અને મહત્વાકાંક્ષાઓને પ્રોત્સાહન આપીને શિક્ષણ અને કારકિર્દીને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી. તેમણે શ્રીપતિની સાથે ઘરનું કામકાજ અને બાળકોની સારસંભાળની જવાબદારીઓ પણ વહેંચી લીધી હતી. એક સમયે શ્રીપતિને ભણવાની મંજૂરી આપવા બદલ લોકોએ તેમની ભારે ટીકા કરી હતી. કેટલાક તેમની મજાક પણ ઉડાવી હતી. તેમ છતા તેઓ પત્નીના પક્ષે ઉભા રહ્યા, જેનું પરિણામ આજે શ્રીપતિએ આપી દીધું છે. હવે જે લોકો તેમની ટીકા કરતા હતા, તે જ સૌ શ્રીપતિ અને તેમના વખાણ કરતા થાકતા નથી. વેંકટરામનને પત્ની શ્રીપતિ પર ગર્વ છે અને તેઓ ઈચ્છે છે કે આદિવાસી સમાજની બીજી દીકરીઓ પણ શ્રીપતિએ કંડારેલી કેડી પર આગળ વધે. તેઓ ઈચ્છે છે કે તેમની દીકરી પણ આગળ જતા માતાના પગલે કાયદાના ક્ષેત્રમાં આગળ વધશે તો તેમને ગમશે.

આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.