ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સીદી યુવતીએ ડોક્ટર બની ઈતિહાસ રચ્યો
સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં વસતા આદિવાસી સીદી(Siddi) સમાજની વાત આવે એટલે લોકો સૌથી પહેલા ધમાલ નૃત્યને યાદ કરતા હોય છે. જો કે, આ સદીઓ જૂના ઈતિહાસને બદલીને પહેલીવાર આ સમાજમાંથી એક યુવતીએ ડોક્ટર બનીને ઈતિહાસ સર્જી દીધો છે.
Siddi સમાજ મોટા ભાગે પછાત અને શ્રમિક ગણાય છે. વર્ષોથી તેમની ઓળખ ધમાલ નૃત્ય પુરતી મર્યાદિત થઈ ગઈ છે ત્યારે ઈતિહાસમાં પહેલીવાર આ સમાજની એક યુવતી ડોક્ટર બનવા જઈ રહી છે. સીદી સમુદાયમાં અત્યાર સુધીમાં પુરુષ તબીબ બની ચૂક્યા છે પણ એક મહિલા ડોક્ટર બની હોવાનું પહેલીવાર બન્યું છે. આ યુવતીનું નામ છે મુસ્કાન મકવા(Muskan Makwa). 21 વર્ષીય મુસ્કાન હવે સ્ત્રીરોગ નિષ્ણાત (gynecologist) બનીને તેના સમાજની સ્ત્રીઓના ચહેરા પર ‘મુસ્કાન’ લાવવાનું સપનું પણ સેવે છે.
મુસ્કાનને નાનપણથી ડોક્ટર બનવું હતું
એક મીડિયા રિપોર્ટ મુજબ ભાવનગરની રહેવાસી મુસ્કાન હાલમાં છ મહિનાની ઇન્ટર્નશિપ કરી રહી છે. તે પ્રસૂતિશાસ્ત્ર, સ્ત્રીરોગવિજ્ઞાન અને મહિલા આરોગ્ય તથા પોષણમાં નિષ્ણાત બનવા માંગે છે. મુસ્કાન કહે છે, ‘11 વર્ષની હતી ત્યારથી જ મને ડૉક્ટર બનવાની ઇચ્છા હતી. ડૉક્ટરોને ઘણું માન મળે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ ક્યારેય બેરોજગાર નથી રહેતા.’
વધુમાં મુસ્કાન કહે છે, ‘ગાયેનેકોલોજીએ મને હંમેશાં આકર્ષિત કરી છે. એમાં તમે બે જિંદગીની કાળજી રાખો છો. તે સ્ત્રીને સ્વાસ્થ્ય અને શક્તિ પૂરાં પાડે છે. હું હજી પણ આશ્ચર્યચકિત છું કે કેવી રીતે એક મહિલા પ્રસૂતિ સાથે આવતી પીડાને સહન કરવા માટે આટલી શક્તિ, ધીરજ અને હિંમત એકઠી કરે છે અને બાળકને જન્મ આપે છે. પછી એ તેના બાળકના ઉછેરમાં પોતાની જાતને પરોવી દે છે.’
સીદી સમાજની હાલત સારી નથી
સીદી સમુદાયમાં શિક્ષણની હાલત વિશે મુસ્કાન કહે છે, ‘સીદી પરિવારો તેમના બાળકોના શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડી શકતા નથી. તેમાંના મોટા ભાગના શ્રમિકો છે. તેથી તેમના બાળકોને શાળાએ મોકલીને તેમને અભ્યાસમાં પ્રોત્સાહન આપે એવું બનતું નથી. છોકરીઓને પણ મોટી થયા બાદ તરત પરણાવી દેવામાં આવે છે. હું ડૉક્ટર બની શકી એ એક ચમત્કાર જ કહેવાય.’
મુસ્કાને તેના બોર્ડ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોઈ કોચિંગ લીધું નથી. પાંચ વર્ષ પહેલાં જ્યારે તેણે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પાસ કરી, ત્યારે તેના પિતા રેલવેમાં ગેટમેન તરીકે નોકરી કરતા હતા.
આ પણ વાંચો : નારી ગુંજન સરગમ બેન્ડઃ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને પડકાર ફેંકતું બિહારની દલિત મહિલાઓનું બેન્ડ
મુસ્કાન મહિલા આરોગ્યમાં નક્કર કામગીરી કરવા માંગે છે.
સીદી સમુદાયમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું છે. એમાંય બાળકીઓમાં શિક્ષણની હાલત અત્યંત નીચા સ્તરે છે. એવા સંજોગો વચ્ચે ઉચ્ચ શિક્ષણ મેળવીને તબીબ બનેલી મુસ્કાન ભાવનગરમાં રહીને તેના સમુદાયની સેવા કરવા માટે સંકલ્પબદ્ધ છે. તે તેના સીદી સમુદાયની જરૂરિયાતો અને મર્યાદાઓને સમજે છે. તે કહે છે, ‘જે કલંક આપણી પ્રગતિને અટકાવે છે અને આપણા બાળકોને શિક્ષણ અને મૂળભૂત આરોગ્યસંભાળથી વંચિત રાખે છે તે દૂર કરવું પડશે. હું મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે ઘણું કરવા માંગુ છું અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવા માંગુ છું.’
મુસ્કાનને આજે પણ યાદ છે કે જ્યારે તેણે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેના સમુદાયના સભ્યોએ ગર્વ અનુભવ્યો હતો.