દલિતોને સ્મશાનભૂમિ મળતા નારાજ સવર્ણોએ અંતિમયાત્રા પર પથ્થરમારો કર્યો
સવર્ણોએ દલિતોને બહિષ્કાર કર્યો છે અને ધમકી આપી છે કે, પ્રાથમિક શાળા અને રાશનની દુકાન અમારા વિસ્તારમાં છે. એકવાર અહીં આવી જુઓ પછી તમને બતાવીએ.
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશનમાં જાતિ ભેદભાવની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિનું મોત થઈ જતા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જો કે ગામના સવર્ણોએ તેનો વિરોધ કર્યો હતો અને અંતિમયાત્રા પર પથ્થરમારો કરી દીધો હતો.
ઘટના કુશલપુરાના દેવડુંગરી ગામની છે. અહીં વહીવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સ્મશાનભૂમિમાં મૃતક ઘીસા રામનો પરિવાર અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો ત્યારે આ ઝઘડો થયો હતો. સ્થાનિક રાવત સમાજે મૃતકના પરિવારને અહીં મૃતદેહને દફનાવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો. આખરે પોલીસની દરમિયાનગીરી, કડકાઈ અને સમજાવટ બાદ પોલીસ જાપ્તા વચ્ચે મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
ઘટના શું હતી?
ઘટના 31 ઓક્ટોબરની છે. અહીં ઘીસા રામ નામના દલિત વ્યક્તિનું અવસાન થયું હતું. જેની અંતિમવિધિની તૈયારીઓ ચાલી રહી હતી. તેમના પુત્ર ગંગા રામે સમાજના લોકો સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવેલા સ્મશાન ખાતે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી હતી.
ગંગારામના જણાવ્યા પ્રમાણે, જ્યારે દફનવિધિ માટે જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે મહિલાઓ સહિત રાવત સમાજના લગભગ 50 થી 100 લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં જેસીબી મશીનનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઇવરને પણ માર મારવામાં આવ્યો હતો. સાથે જ સાળવી સમાજના લોકોને જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી હતી.
આ પણ વાંચો: સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે
ઘટના દરમિયાન આરોપીઓએ સાળવી સમાજના લોકોને ધમકી આપીને કહ્યું હતું કે, “તમે નીચી જાતિના લોકો અમારી જમીન પર અંતિમ સંસ્કાર ન કરી શકો.” આરોપીઓએ અંતિમયાત્રામાં વિક્ષેપ પાડ્યો હતો અને અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને સ્થળ છોડી દેવાનો આદેશ આપ્યો હતો.
સાળવી સમાજનો સામાજિક બહિષ્કાર કરાયો
ગંગા રામે આરોપ લગાવ્યો છે કે રાવત સમાજના લોકો તેમને સ્મશાન પર જવાથી રોકી રહ્યાં છે અને તેમના સમાજની મહિલાઓને પણ મનરેગા કાર્યસ્થળ અને વાજબી ભાવની દુકાનમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ દુકાનમાંથી સામાન ખરીદવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ રીતે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે.
ગંગારામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ ઘટના બાદ મૃતકના પુત્ર ગંગારામે એફઆઈઆર દાખલ કરી છે. જેમાં 22 લોકોના નામજોગ જ્યારે 50-100 અજાણ્યા લોકો વિરુદ્ધ જાતિ આધારિત દુર્વ્યવહાર, ધમકીઓ આપવી અને મારામારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. FIRમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1)(r)(s), 3(2)(v)(a)નો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષકે આ કેસની તપાસ ડીવાયએસપી પારસ ચૌધરીને સોંપી છે.
દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાતા સવર્ણોને ન ગમ્યું
આખા મામલામાં દલિતોને સ્મશાન માટે ગામની નજીક ફાળવવામાં આવેલી જમીન કારણભૂત છે. સવર્ણો જાણે ગામ આસપાસની જમીન તેમના બાપદાદાની જ જાગીર હોય તેમ વર્તતા હોવાથી ડખો ઉભો થયો હતો. સરકારી ધોરણે જમીન દલિતોને સ્મશાન માટે ફાળવવામાં આવી હોવા છતાં સવર્ણો દાદાગીરી કરીને તેમને આ જમીન છોડી દેવા ધમકી આપતા હતા.
છેલ્લા ત્રણ મહિનામાં જ્યારે વહીવટીતંત્રે સાળવી સમાજને સ્મશાન માટે ગૌચરની જમીન ફાળવી ત્યારથી બંને સમાજો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. એ પહેલા દલિતો માટે કોઈ સ્મશાન નહોતું. હાઈવેની આજુબાજુ, ખાલી ખાનગી જમીન હતી જેના માલિકો બહાર રહેતા હોવાથી વર્ષોથી સાળવી સમાજ તેમના મૃતકોની અંતિમવિધિ કરતો હતો. પરંતુ વરસાદમાં ત્યાં પહોંચવું મુશ્કેલ બનતું હતું. પંચાયત તરફથી સુવિધાના અભાવે, તળાવ ભરાઈ જવાથી અને જમીનમાં પાણી ભરાઈ જવાથી મૃતદેહને દફનાવવાની સમસ્યાને જોતા સાળવી સમાજે સરકાર પાસે સ્મશાનભૂમિની માંગણી કરી હતી. જેના આધારે ત્રણ મહિના પહેલા જ તેમને ગૌચરમાંથી હાલની જગ્યા ફાળવવામાં આવી હતી.
રાવતો દલિતોને ધમકી આપી રહ્યાં છે
જમીન મળ્યા બાદ રાવત સમુદાયે અગાઉ પણ એક વખત મૃતદેહને દફનાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ આ વખતે મામલો વધુ વણસી ગયો હતો. ગામમાં સાળવી સમાજના 20-25 ઘર છે જ્યારે રાવત સમુદાયના ઘરો વધુ છે. તેમના વર્ચસ્વને કારણે બંને સમાજ વચ્ચે કડવાશ વધી છે. જમીનની ફાળવણી બાદ તેમને મનરેગા રોસ્ટરમાં મસ્ટર રોલ પણ અલગ કરી દેવાયા છે. ગામની પ્રાથમિક શાળા અને સસ્તા અનાજની દુકાન રાવતોના વિસ્તારમાં છે. તેઓ અમને ધમકી આપે છે કે, “એકવાર અમારી બાજુ આવીને બતાવો, પછી અમે તમને બતાવીએ.”
આ પણ વાંચો: સ્મશાન સુધીનો રસ્તો નથી, આંગણામાં દલિત વૃદ્ધની અંતિમવિધિ કરવી પડી