World Press Freedom Index: 180 દેશોમાં ભારત પાકિસ્તાનથી પણ નીચે
વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ 2024નો રિપોર્ટ જારી થઈ ગયો છે. આ વખતે ભારત પાકિસ્તાન કરતા પણ નીચે પહોંચી ગયો છે.

World Press Freedom Index 2024 આવી ગયો છે અને અપેક્ષા પ્રમાણે જ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા જોખમાતી નજરે પડે છે. વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સમાં 180 દેશોમાં ભારત 159માં ક્રમે ધકેલાઈ ગયો છે. જ્યારે પાકિસ્તાન ભારતથી સાત સ્થાન ઉપર 152માં ક્રમે છે, ગયા વર્ષે 2023માં તે 150માં ક્રમે હતું. ઈન્ડેક્સમાં નોર્વે પ્રથમ, ડેનમાર્ક બીજા અને સ્વીડન ત્રીજા ક્રમે છે. World Press Freedom Index રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ નામની સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે. ગયા વર્ષે ભારતનો ક્રમ આ ઈન્ડેક્સમાં 180 દેશોમાં 161મો હતો, જેમાં આ વખતે બે અંકનો સુધારો થયો છે.
રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં ભારતમાં 9 પત્રકારોની અને એક મીડિયાકર્મીની અટકાયત કરવામાં આવી છે. જો કે જાન્યુઆરી 2024 પછીથી દેશમાં કોઈપણ પત્રકાર કે મીડિયાકર્મીની હત્યા નથી થઈ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ડેક્સમાં અમુક દેશોની સારી રેન્કિંગ ભ્રામક છે કેમ કે તેમના સ્કોરમાં ઘટાડો નોંધાયો છે અને સૂચકાંકમાં વધારો એ દેશોના ઘટાડાનું પરિણામ છે જે પહેલેથી ઉપર હતા.
રિપોર્ટમાં આ વાત ભારતના સંદર્ભમાં કહેવામાં આવી હતી. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ભારતનો મામલો છે, જે તાજેતરમાં વધુ કડક કાયદાઓ અપનાવવા છતાં બે ક્રમ આગળ વધ્યો છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સરકારે કેટલાક નવા કાયદાઓ રજૂ કર્યા છે જે સરકારને મીડિયાને નિયંત્રિત કરવા, સમાચારોને સેન્સર કરવા અને ટીકાકારોને ચૂપ કરવા માટે અસાધારણ સત્તા આપશે. જેમાં ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023, ડ્રાફ્ટ બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ 2023 અને ડિજિટલ પર્સનલ ડેટા સંરક્ષણ અધિનિયમ 2023નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના વિશ્લેષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વર્ષ 2014માં પીએમ મોદી સત્તામાં આવ્યા અને તેમની પાર્ટી, ભાજપ અને મીડિયા પર હાવી થનારા મોટા પરિવારો વચ્ચે એક મજબૂત તાલમેલ બન્યા બાદથી ભારતમાં મીડિયા અનૌપચારિક કટોકટીની સ્થિતિમાં આવી ગયું છે. સંસ્થાએ એક ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના મુકેશ અંબાણી 70 થી વધુ મીડિયા આઉટલેટના માલિક છે, જેમને ઓછામાં ઓછા 800 મિલિયન ભારતીયો ફોલો કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે પત્રકાર સરકારના ટીકાકાર છે, તેમની નિયમિત રીતે ઓનલાઈન ટ્રોલિંગ, ધાકધમકીઓ અને શારીરિક હુમલાઓની સાથોસાથ ફોજદારી કાર્યવાહી અને મનસ્વી ધરપકડ કરવામાં આવે છે.
આરએસએફના વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, જ્યાં પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા પત્રકારોને વારંવાર હેરાન કરવામાં આવે છે. જેમાં કેટલાક પત્રકારોને કેટલાક વર્ષોથી કથિત કામચલાઉ અટકાયતમાં રાખવામાં આવ્યા છે.
RSF એ કહ્યું છે કે, માત્ર ભારત જ નહીં એશિયા-પેસિફિક વિસ્તારમાં પ્રેસની સ્વતંત્રતા કથળી છે. જ્યાં 32 દેશો અને વિસ્તારોમાંથી 26એ વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ 2024માં ઈન્ડેક્સમાં પોતાના સ્કોરમાં ઘટાડો જોયો છે.
આ પણ વાાંચો: મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ