Exclusive: ભારતમાં દરરોજ 3 શ્રમિકોના કામના સ્થળે જીવલેણ અકસ્માતમાં મોત થાય છે

Exclusive:  ભારતમાં દરરોજ 3  શ્રમિકોના કામના સ્થળે જીવલેણ અકસ્માતમાં મોત થાય છે

- ચંદુ મહેરિયા

આન્ધ્રના અનકાપલ્લી સ્થિત દવા ઉત્પાદક કંપનીના રિએકટરમાં બ્લાસ્ટ થતાં પાંચ કામદારો ભડથુ.

ઝારખંડના ટાટીસિલવે પોલીસથાણા હેઠળના મહિલોંગની કેમિકલ ફેકટરીમાં ૬૫૦ કિલો કરતાં વધુના એલ્યુમિનિયમ સ્લેબ નીચે દબાઈ જતાં બે શ્રમિકોના મોત.

ગુજરાતની મેટોડા(જિ.રાજકોટ) જીઆઈડીસીના પ્લાસ્ટિકના કારખાનામાં મિલર મશીન પર કામ કરતાં સત્તર વર્ષના તરુણનું મશીનમાં માથું આવી જતાં મોત.

બિહારના હાજીપુરની દૂધની ડેરીમાં એમોનિયા ગેસ ટાંકીમાં ગળતરથી એક મજૂરનું મૃત્યુ.

રાજસ્થાનના જયપુરની પેપર મિલમાં હુક તૂટતાં વજનદાર પેપર રોલ મહિલા શ્રમિક પર પડતાં મૃત્યુ.

ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના લાલકુંઆમાં આવેલી પલ્પ એન્ડ પેપર મિલના બોઈલરમાં કામ કરતાં કામદાર પર કેમિકલ પડતાં દાઝી જવાથી જીવ ગયો.

૧લી જૂન થી ૧૦મી જુલાઈ ૨૦૨૩ના ચાળીસેક દિવસો દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોના કારખાનાં, કંપની અને મિલમાં કામ કરતાં જીવલેણ અકસ્માતમાં મૃત્યુ પામેલ અને છાપાનાં પાને ચડેલ આ કેટલાક નમૂના દાખલ બનાવો છે.

૨૦૨૦માં દેશમાં નોંધાયેલા કારખાના ૩,૬૩,૪૪૨ હતા. જેમાં ૨.૩ કરોડ કામદારો કામ કરતાં હતા. શ્રમ મંત્રાલય સંલગ્ન ડાયરેકટર જનરલ ફેકટરી એડવાઈસ સર્વિસ એન્ડ લેબર ઈન્સ્ટિટ્યૂટ(ડીજીએફએએસએલઆઈ)ના અહેવાલ પ્રમાણે ૨૦૧૭થી ૨૦૨૦ દરમિયાનના આંકડા જોતાં રજિસ્ટર્ડ ફેકટરીઝમાં વરસે સરેરાશ ૧૧૦૯ અને રોજના સરેરાશ ત્રણ કામદારોના મોત થતાં હતા. ૨૦૧૮થી ૨૦૨૦માં ૩૩૩૧ કામદારોના મૃત્યુ થયા હતા.

છેલ્લા પાંચ વરસોમાં ગુજરાતની ફેકટરીઓમાં ૧૧૯૨ કામદારોને જીવલેણ અને ૪૬૭૨ને સામાન્ય ઈજાઓ થઈ હતી. ૨૦૧૯માં ગુજરાતમાં ૭૯ મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. એટલે અવસાન પામનારા દર પાંચમાંથી એક કામદાર ગુજરાતનો હતો. ૨૦૧૮ થી ૨૦૨૧માં દિલ્હીમાં ૧૧૮ કામદારોએ જિંદગીથી હાથ ધોવો પડ્યો હતો. દેશમાં ૯૦ ટકા શ્રમિકો અસંગઠિત ક્ષેત્રે કામ કરે છે ત્યારે ડીજીએફએએસએલઆઈના કામદારોના મોતના આ આંકડા માત્ર સંગઠિત ક્ષેત્રના નોંધાયેલા કારખાનાના જ છે એટલે ખરેખર તો તે હિમશીલાના ટોચકા જેવા છે.

કામના સ્થળે અને કામ દરમિયાન કામદારોના જીવલેણ અકસ્માતમાં મોત કે ઘાયલ થવાના બનાવોને સામાન્ય અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. પણ ખરેખર તે અકસ્માત હોતા નથી. માલિકો અને કોન્ટ્રાકટરોની બેજવાબદારી,  બેદરકારી, કારખાનામાં સલામતીની વ્યવસ્થાનો અભાવ કે નામમાત્રની વ્યવસ્થા હોવી, કામદારોની મજબૂરી , બિનતાલીમી કે અપૂરતી તાલીમ મેળવેલ કામદારને ટેકનિકલ કામગીરી સોંપવી કે મશીનો પર કામ પર બેસાડવા, જોખમી કામ કરતાં કામદારો માટેના સુરક્ષા સાધનોનો અભાવ, કામના કલાકો નિશ્ચિત ના હોઈ કામદારો ભૂખ્યા- તરસ્યા અને થાકેલા કામ કરતા હોઈ દુર્ઘટના થવાની શક્યતા - જેવા કારણોથી કામદારોના મોત થાય છે કે કાયમી અપંગ બને છે. 

ખરેખર આ આકસ્મિક થતાં મોત નથી જાણે કે ગરીબ લાચાર શ્રમિકોને મારી નાંખવામાં આવે છે. માલિકોની નફાની આંધળી દોટ  આગળ નિર્ધન અને બેબસ મજૂરોની જિંદગીની કિંમત કોડીની હોય છે. જીવલેણ અકસ્માતોમાં હજારો કામદારો કાયમી અપંગ બને છે. ઘણાનાં હાથ કે આંગળીઓ કપાઈ જાય છે અને ફરી કામ કરી શકે તેવી સ્થિતિમાં રહેતા નથી. તેનાથી ઉધ્યોગ અને શ્રમઉત્પાદકતાને મોટું નુકસાન થાય છે. આ હકીકત માલિકો ધ્યાને રાખતા નથી.

૨૦૨૨માં દિલ્હીના મુંડકાની ઈલેકટ્રોનિક ઉપકરણો બનાવતી ફેકટરીમાં આવી જ લાપરવાહીથી ૨૭ મજદૂરોના મોત થયા હતા. એ જ વરસે ગુજરાતના હળવદના મીઠાના કારખાનાની અસલામત એવી લાંબી ઊંચી દીવાલ પડી જતાં ૧૨ મજદૂરોના મોત થયા હતા. આવા મોટા બનાવો ટાણે થોડી સહાનુભૂતિ અને ચર્ચા ઊઠે છે અને પછી સરકાર અને સમાજ જાણે કે બીજા બનાવની રાહ જોતાં હોય તેમ ઉદાસીન અને નિષ્ક્રિય થઈ જાય છે.

૧૯૪૮નો ફેકટરી એકટ, ૧૯૨૩નો કર્મચારી વળતર અધિનિયમ અને ૨૦૨૦માં વ્યાવસાયિક સલામતી તથા આરોગ્ય કાયદામાં થયેલ સુધારામાં કામદારોને સુરક્ષા ,  વળતર તથા માલિકને સજા અને દંડની જોગવાઈ છે .પરંતુ તેનો યોગ્ય અમલ થતો નથી. ૨૦૨૦નો સુધારો ૧૯૪૮ના કારખાના અધિનિયમની તુલનાએ માલિકોની તરફેણની જોગવાઈઓ ધરાવે છે અને નબળો છે.૧૯૪૮ના કાયદાની જોગવાઈ મુજબ દુર્ઘટનાની જાણ કારખાના માલિક, મેનેજર કે કોન્ટ્રાકટરે સંબંધિત અધિકારીને કરવી પડે છે. પરંતુ અકસ્માત પછી જો કામદારને સરકારી દવાખાને લઈ જવામાં આવે અને મેડિકો લીગલ કેસ બને તો જ તેનું પાલન થાય છે અને પોલીસ તથા અન્ય એજન્સીને જાણ થાય છે. કોઈપણ કારખાના કે કંપનીને અકસ્માતને લીધે તેની પ્રતિષ્ઠાની ચિંતા હોય છે. એટલે તે કેસ રફેદફે કરવા  ભોગ બનેલા કામદારોને  ખાનગી દવાખાને લઈ જાય છે. ત્યાં પોલીસ, ડોકટર્સ અને તંત્રની સાંઠગાંઠ તથા ભ્રષ્ટાચારના જોરે કેસ દબાવી શકાય છે અને કામદારને નજીવી રકમ આપીને રવાના કરી દેવામાં આવે છે.

ભારતમાં છઠ્ઠી આર્થિક ગણના (૨૦૧૩-૧૪) અનુસાર ૧૦ કરતા વધુ કામદાર –કર્મચારી ધરાવતી કંપનીઓ-કારખાનાં ૧૦ લાખ (કુલના ૧.૪ ટકા) જ છે.જ્યારે ૨૦૨૦ના સુધારેલા કાયદામાં કામદારો-કર્મચારીઓની સંખ્યા તેથી વધુ ઠરાવી છે..તેથી દસ કરતાં ઓછી સંખ્યાના કામદારો ધરાવતા કારખાનાને કાયદેસર જ મુક્તિ મળી ગઈ છે.એ અર્થમાં પણ આ સુધારો કામદારોના નહીં પરંતુ માલિકોના હિતને ધ્યાનમાં રાખીને ઘડાયો હોવાનું માની શકાય. જ્યારે ન્યાય માટે અદાલતનો સહારો લેવાય છે ત્યારે પ્રથમ તો માલિક-મજૂર સંબંધ સ્થાપિત કરવો જ અઘરો બને છે. કેમકે કામદારને કોઈ લેખિત કાગળ આપીને કામે રખાતા નથી. એટલે ૧૯૪૮ના કાયદા હેઠળ ૧૪,૭૧૦ લોકો દોષિત ઠર્યા હતા પરંતુ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન માત્ર ૧૪ જ લોકોને સજા થઈ શકી છે.

કાયદાનો કડક અમલ કરાવવા જોઈતું તંત્ર પણ ઉપલબ્ધ નથી. દેશમાં ૪૧૨ કારખાને એક અને દિલ્હીમાં ૯૭૩ કારખાને એક ફેકટરી ઈન્સ્પેકટર છે. મોટાભાગની જગ્યાઓ ખાલી હોઈ કોઈ નિરીક્ષણ અને નિયંત્રણ શક્ય બનતું નથી. પ્રતિબંધિત વિસ્તારો કે રહેણાંક વિસ્તારોમાં ચાલતા કારખાના બંધ કરાવવા દબાણ કરવામાં આવે છે તો હજારો કામદારો બેકાર બનવાની દલીલ થાય છે. કામદારોની સલામતી કરતાં તંત્ર તેમની રોજીને વધુ મહત્વ આપે છે. એક અર્થમાં તો તે પેટ ભરવા તેમને મરવા મજબૂર કરે છે. પરંતુ સલામતી સાથેની રોજીનો તેનો અધિકાર અમલી કરતા નથી.

જીવલેણ અકસ્માતમાં બચી ગયેલા કામદારને પુન: નોકરીમાં રખાતા નથી કે કાયમી વિકલાંગતાનું વળતર આપવામાં આવતું નથી. તેમના વૈકલ્પિક રોજગાર માટે કોઈ વિચારતું નથી અવસાન પામેલ કે અપંગ થયેલ કામદારો અને તેમના પરિવારોને મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમર્થનનો અભાવ છે. કારખાનાંઓમાં શ્રમિકોની સુરક્ષા અને વ્યાવસાયિક રોગો માટે નાણા ખર્ચાતા નથી. તેથી કામદારને તેની કિંમત જિંદગી ગુમાવીને ચુકવવી પડે છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને ડો. બાબાસાહેબના જીવનકાર્યના અભ્યાસુ છે.)

 

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.