દલિત મહિલા સામે પડોશી નિર્વસ્ત્ર થયો, દુઃખી મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો

જયપ્રકાશ શર્મા નામનો શખ્સ પડોશમાં રહેતી દલિત મહિલા સામે જાહેરમાં નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. જેનાથી મહિલાને એટલું લાગી આવ્યું કે તેણે એજ રાત્રે ગળેફાંસો ખાઈ લીધો.

દલિત મહિલા સામે પડોશી નિર્વસ્ત્ર થયો, દુઃખી મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો
image credit - Google images

જાતિવાદી તત્વોને જ્યારે સામેની વ્યક્તિ દલિત કે આદિવાસી છે તે ખ્યાલ આવી જાય એટલે તરત તેનામાં અચાનક જ જુદા પ્રકારનો આત્મવિશ્વાસ આવી જતો હોય છે. એ પછી તે પોતાને કાયદો વ્યવસ્થાથી પણ પર માનવા લાગે છે અને સામેની વ્યક્તિ પર અત્યાચારની કોઈપણ હદ સુધી જવા લાગે છે. 

આવો જ એક શરમજનક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક શખ્સ પડોશમાં રહેતી દલિત મહિલા સામે જાહેરમાં જ નિર્વસ્ત્ર થઈ ગયો હતો અને જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ ઘટનાથી દલિત મહિલા એટલી હતપ્રભ થઈ ગઈ કે તેણે બીજા દિવસે સવારે ગળેફાંસો ખાઈને જીવ કાઢી નાખ્યો. મહિલા પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટમાં તેણે આખા મામલાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનામાં પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લાગ્યો છે.

મામલો આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તેવા મધ્યપ્રદેશનો છે. મામલો ઈન્દોરનો છે. ઈન્દોર સાત વાર દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવી ચૂક્યું છે. પણ અફસોસ, ત્યાંના કથિત સવર્ણોના મનમાં સદીઓથી પેસેલો જાતિવાદનો કચરો હજુ પણ મનમાંથી સાફ થયો નથી અને આ ઘટના તેનું પરિણામ છે.

અહીંના એરોડ્રામ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલી ગાડી હટાવવાને લઈને બે પડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો. ઝઘડો એટલો વધી ગયો હતો કે, મારામારી થઈ ગઈ હતી. જેમાં ગાડીના માલિક જયપ્રકાશ શર્માએ પડોશી દલિત પતિ-પત્ની મનીષી અને જગદીશને માર માર્યો હતો. એટલું જ નહીં માર માર્યા પછી તે પડોશી દલિત મહિલાની સામે બધાંની વચ્ચે જ નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. આ ઘટનાથી મહિલાને એટલું લાગી આવ્યું હતું કે, તેણે બીજા દિવસે સવારે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ કાઢી નાખ્યો હતો. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મૃતક મહિલાનું નામ મનીષા છે, તેના પતિનું નામ જગદીશ છે અને તેઓ અહીંના બાંગડદા ગામના વતની છે. મહિલાના પરિવારનો આરોપ છે કે પડોશી જયપ્રકાશ શર્મા દરરોજ તેની કાર તેમના ઘર સામે પાર્ક કરતો હતો. આ મામલે અનેકવાર તેને વિનંતી કરવા છતાં તે માનતો નહોતો. 

ગુરૂવારે સાંજે પણ તેણે આ રીતે જ કાર પાર્ક કરી હતી. જેથી બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપીએ મનીષાના પતિને માર માર્યો હતો. એ પછી તે દલિત મહિલા સામે કપડાં કાઢી નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. આ બાબતનું મહિલાને ભારે લાગી આવ્યું હતું.

આ પણ વાંચો: ઇતિહાસકારોએ બહુજન વીરાંગના ઝલકારી બાઈને અન્યાય કેમ કર્યો?

મૃતક મહિલાના પરિવારજનોનું કહેવું છે કે, "પડોશી જયપ્રકાશ શર્મા દરરોજ તેમના ઘરની સામે જ ગાડી પાર્ક કરે છે. ઘટનાના દિવસે પણ તેણે એવું જ કર્યું હતું. પણ મનીષા જ્યારે ગાડી હટાવવા ગઈ તો ગાડી તેના પગ પર ચડી જતા તે ઘાયલ થઈ ગઈ હતી. એ પછી જયપ્રકાશની પત્ની બહાર આવીને તેની સાથે ઝઘડવા લાગી હતી અને ગંદી ગાળો ભાંડવા લાગી હતી. વિવાદ એટલો વધી ગયો કે જયપ્રકાશ અને તેનો પરિવાર પીડિતાના પરિવારને માર મારવા લાગ્યો હતો."

મળતી માહિતી પ્રમાણે ગુરૂવારની રાત્રે ઝઘડો થયો એ પછી જયપ્રકાશ દલિત મહિલા મનીષા સામે કપડાં કાઢી નગ્ન થઈને ઉભો રહી ગયો હતો. આ ઘટના ત્યાં હાજર સૌ કોઈએ જોઈ હતી. જેનાથી મનીષા ભારે આઘાતમાં ગરકાવ થઈ ગઈ હતી. શુક્રવારે સવારે 6 વાગ્યે જ્યારે તેનો દીકરો જાગ્યો અને તેણે તેની માતાને ન જોઈ. તો તે રસોડામાં ગયો, જ્યાં જોયું તો તેની માતા ગળેફાંસો ખાયેલી હાલતમાં લટકતી હતી.

મૃતક મનીષાના ભાણેજે જણાવ્યું હતું કે, "રાતે અમને જાણકારી મળી હતી કે માસીને પડોશી સાથે ઝઘડો થયો છે. મારા મામા પણ ત્યાં પહોંચ્યાં હતા. ત્યારે માસીએ જણાવ્યું હતું કે, જયપ્રકાશ શર્મા તેમની સામે કપડાં કાઢીને નગ્ન થઈ ગયો હતો. આ ઘટના ત્યાં હાજર સૌ કોઈએ પણ જોઈ હતી."

વધુમાં તેણે કહ્યું, "ઝઘડો થયો ત્યારે રાત્રે જ મારી માસી, મામા અને દાદી પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાં પડોશી વિરુદ્ધ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી. કરી. એ પછી માસીને ભારે લાગી આવ્યું હતું અને તેમણે જીવ કાઢી નાખ્યો હતો."

મૃતક મહિલા પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે, "હું મારા પડોશી જયપ્રકાશ શર્મા અને તેની પત્ની પૂજા દ્વારા કરવામાં આવતી માનસિક સતામણીથી તંગ આવી ગઈ હોવાથી આત્મહત્યા કરી રહી છું. બંનેએ મળી મને જાહેરમાં મારી છે. તેના પતિએ મારી સામે કપડાં ઉતારી નાખ્યા તેનાથી મને ભારે લાગી આવ્યું છે. હવે મને જીવવાની કોઈ ઈચ્છા નથી. મારા મોત માટે જવાબદાર જયપ્રકાશ શર્મા, પૂજા શર્મા અને કૃષ્ણા બામણીયા છે. મને ન્યાય જોઈએ છે."

આ પણ વાંચો: દલિત યુવકનું મારથી મોત થઈ ગયું, ગામલોકો લાશ સાથે પોલીસ પાસે પહોંચ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.