હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે SC સીટો માટે બનાવ્યો 'પ્લાન 17'
હરિયાણા વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ભાજપે એસસી અનામત સીટો માટે 'પ્લાન 17' તૈયાર કર્યો છે. જાણો શું છે આખો મામલો.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચારનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. 5મી ઓક્ટોબરે મતદાન છે અને તે પહેલા ભાજપે હવે તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપે હાલમાં 'પ્લાન 17' તૈયાર કર્યો છે, જેના દ્વારા તેને બાજી પલટાવાની આશા છે. ભાજપે અનુસૂચિત જાતિ માટે અનામત 17 બેઠકો માટે આ પ્લાન તૈયાર કર્યો છે. પક્ષના ટોચના નેતૃત્વને લાગે છે કે કોંગ્રેસમાં કુમારી શૈલજાની જે રીતે ઉપેક્ષા કરવામાં આવી છે તેને મુદ્દો બનાવીને તે દલિતોને આકર્ષી શકે છે. જો આ 17 એસસી અનામત બેઠકો પર તે સારું પ્રદર્શન કરી શકે છે તો ભાજપ હરિયાણામાં 90 બેઠકો સાથે સત્તાની બાજી પલટી નાખવાની આશા રાખે છે.
મોટી રેલીને બદલે માઈક્રો મેનેજમેન્ટ પર ફોકસ
લાઈવ હિંદુસ્તાનના એક રિપોર્ટ મુજબ મોટી રેલીઓ કરવાને બદલે ભાજપ આ વિસ્તારોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી રહ્યું છે. ભાજપ આ વિધાનસભા ક્ષેત્રોમાં એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં હરિયાણામાં દલિતો પર કેવા કેવા અત્યાચારો થયા છે અને ભાજપના શાસન દરમિયાન હરિયાણા અને કેન્દ્ર સરકારે દલિતો માટે કેવા અસરકારક પગલાં લીધા?
કુમારી શૈલજાના અપમાનને મુદ્દો બનાવ્યો
પક્ષના સૂત્રોનું કહેવું છે કે આનાથી કેટલાક વધારાના મત મળવાની અપેક્ષા છે. કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાને હાલ જાટ મતદારોના ધ્રુવીકરણનું કારણ માનવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપને આશા છે કે જાટો પર હુડ્ડાના પ્રભાવ અને કુમારી શૈલજાની ઉપેક્ષાના નામે તેઓ દલિત મતદારોને આકર્ષવામાં સફળ રહેશે.
આરએસએસના કાર્યકરોને સક્રિય કરાયા
આ માટે ભાજપે ખાસ કરીને RSS ના કાર્યકરોને સક્રિય કર્યા છે. ભાજપ દ્વારા પેજ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને તેમની સાથે સંઘના કાર્યકરોને પણ લગાડ્યા છે. આ લોકોને ઘરે ઘરે જઈને લોકોને જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને સ્થાનિક કક્ષાએ દલિત આગેવાનોને બોલાવીને કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભાજપે નરવાના વિધાનસભાથી દલિત નેતા કૃષ્ણા બેદીને મેદાનમાં ઉતાર્યા છે. તેમના ચૂંટણી પ્રચારમાં તેઓ કોંગ્રેસના શાસનની યાદ અપાવતા કહી રહ્યા છે કે કેવી રીતે એ વખતે દલિતો પર અત્યાચારો થયા હતા.
જાટ અને દલિત મતોનું કોમ્બિનેશન
કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં અંબાલા અને સિરસાની અનામત બેઠકો જીતી હતી. જાટ અને દલિત મતો કોંગ્રેસની તરફેણમાં એક થયા હોવાનો આ સંકેત માનવામાં આવતો હતો. હવે ભાજપ તેને તોડવાની કોશિશ કરી રહ્યું છે અને તેના માટે અનુસૂચિત જાતિની અનામત બેઠકો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
હરિયાણામાં 20 ટકા દલિત મતદારો
ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં દલિત મતદારોની વસ્તી લગભગ 20 ટકા(અસલ આંકડો તેનાથી અનેકગણો મોટો હોવાનું કહેવાય છે) છે. આ વોટબેંક ઘણી સીટો પર પરિણામ બદલવાની તાકાત ધરાવે છે. ચંદ્રશેખર રાવણની આઝાદ સમાજ પાર્ટી પણ હરિયાણામાં ચૂંટણી લડી રહી છે. તેથી, દલિત વોટબેંક વહેંચાઈ જશે અને ભાજપને પણ તેમાં ગાબડું પાડવાની તક મળે તો કંઈક પરિવર્તન આવી શકે.
ભાજપની સ્થિતિ કફોડી હોવાનું ચિત્ર
હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું વર્તમાન ચિત્ર જોતા રાજકીય નિષ્ણાતો ત્યાં ભાજપ જીતે તેવી શક્યતા જોઈ રહ્યાં નથી. વડાપ્રધાન મોદી અને અમિત શાહની રેલીઓમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ઉંચું છે, મોંઘવારી જે ઝડપે ઉંચે જઈ રહી છે તેને મોદી સરકાર સતત અવગણી રહી હોવાથી લોકોમાં ભારે રોષ છે.
અનામતમાં પેટા વર્ગીકરણનો મામલો
જ્યાં સુધી દલિત મતદારોનો સવાલ છે તો, અગાઉ એટ્રોસિટી એક્ટ સાથે ચેડાં અને હાલમાં અનામતમાં પેટાવર્ગીકરણ અને ક્રિમીલેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે ભાજપ સંપૂર્ણપણે સવર્ણોની તરફેણમાં રહી મૌન સેવ્યું હતું, એ સ્થિતિમાં દલિતો ભાજપ તરફ જાય તેવી શક્યતા ઓછી જણાય છે. આ સિવાય દેશભરમાં ગૌરક્ષકો અને જાતિવાદી તત્વો દ્રારા દલિતો પર થતા અત્યાચારોમાં મોદી સરકાર મૌન રહીને આવા તત્વોને છાવરતી હોવાની છાપ ઉભી થયેલી છે. તેમ છતાં ભાજપ પીએમ મોદીની સભાઓના દમ પર ગેમ બદલવા માંગે છે.
આ પણ વાંચો: હરિયાણાના દલિત, ઓબીસી મતદારો કોની તરફ છે?