રાજસ્થાનના દલિત નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ?
જાતિવાદ માટે કુખ્યાત રાજસ્થાનમાં હવે નાયબ મુખ્યમંત્રી Premchand Bairwa સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાનો વિપક્ષોએ આરોપ લગાવ્યો છે. વાંચો શું છે આખો મામલો.
Discrimination against Deputy CM Premchand Bairwa: જાતિ હૈ કી જાતી નહીં. - આ વાક્ય દલિતો પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે કહેતા હોય છે. પણ લાગે છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી(Deputy CM) પણ અંદરખાને આ વાક્ય બોલતા હોય તો નવાઈ નહીં. સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો એકબાજુ એસસી-એસટીની અનામતને આર્થિક બાબતો સાથે જોડીને ક્રિમીલેયર અને પેટાવર્ગીકરણ દાખલ કરવા ચૂકાદા આપે છે. પણ હકીકત એ છે કે, અનામત સંપૂર્ણપણે જાતિગત ભેદભાવના આધારે અપાઈ છે. દલિતો ગમે તેટલા મોટા હોદ્દા પર પહોંચી જાય તો પણ તેમનું મૂલ્યાંકન તેમની જાતિ જોઈને જ થાય છે અને તેનું તાજું ઉદાહરણ ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન(Rajasthan)ના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા છે. અહીં વિપક્ષોએ તેમની સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યાનો આરોપ લગાવ્યો છે અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ભાજપ પર દલિત-આદિવાસી વિરોધી હોવાનો આરોપ સતત લાગતો રહે છે, ત્યારે તેને વધુ મજબૂતી મળતી હોય તેવું એક ઉદાહરણ ભાજપ સાશિત રાજસ્થાનમાંથી સામે આવ્યું છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી સાથે જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા સાથે બ્રાહ્મણ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને તેમની સરકારના ઉચ્ચ અધિકારીઓ યોગ્ય વ્યવહાર ન કરતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે, પ્રેમચંદ બૈરવા દલિત સમાજમાંથી આવે છે, એટલે તેમની સાથે દરેક મોટા કાર્યક્રમોમાં ભેદભાવ કરવામાં આવે છે. તેના ઉદાહરણો આપતા વિપક્ષે કહ્યું કે, બૈરવાએ ડિસેમ્બર 2023 માં પદ સંભાળ્યું ત્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. જો કે કથિત સવર્ણ જાતિના દિયાકુમારીએ નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો ત્યારે સીએમ સહિત બધાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!
આવી બીજી એક ઘટના ગઈકાલ 5 સપ્ટેમ્બરની છે. જ્યારે જયપુરમાં આયોજિત શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન સ્ટેજ પર હાજર તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ દલિત સમાજમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાને બાકાત રાખવામાં આવ્યા હતા. મંચ પર શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર હતા તેમણે બાદમાં પોતાની ભૂલ સ્વીકારી હતી કે તેઓ બૈરવાનું સન્માન કરવાનું ભૂલી ગયા હતા, જો કે એ પછી પણ તેમણે નાયબ મુખ્યમંત્રીનું સન્માન કર્યું નહોતું.
આ ઘટના સામે આવ્યા બાદ વિપક્ષના નેતા ટીકારામ જુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે આ પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ભાજપ હંમેશાથી દલિત વિરોધી પાર્ટી રહી છે. ટીકારામ જુલીએ બૈરવાએ ચાર્જ સંભાળ્યો ત્યારે તેમની સાથે થયેલી વર્તણૂંકની પણ યાદ અપાવી હતી જેમાં મુખ્યમંત્રી સહિત કોઈ મંત્રી હાજર નહોતા રહ્યા. પરંતુ સવર્ણ સમાજના અન્ય નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ ચાર્જ સંભાળ્યો ત્યારે સીએમ સહિત બધાં હાજર હતા.
ટીકારામ જુલીએ શિક્ષક દિને આયોજિત કાર્યક્રમના સંદર્ભે એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે, મુખ્યમંત્રીની હાજરીમાં દલિત નાયબ મુખ્યમંત્રી સાથે આવો વ્યવહાર કેવી રીતે થઈ શકે?
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં ભેદભાવ થતાં ધાબા પરથી કૂદી ગઈ
જો કે, આ મામલે પ્રેમચંદ બૈરવાએ પોતે ડિસેમ્બર 2023માં પદ સંભાળતા સમયે મંત્રીઓની ગેરહાજરી અંગેની સોશિયલ મીડિયા પોસ્ટને ખોટા સમાચાર ગણાવીને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, વિપક્ષના કેટલાક લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે આવી રણનીતિઓમાં સામેલ થવાને બદલે રાજસ્થાનને વિકસિત રાજ્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. પરંતુ થોડા સમય પછી બૈરવાએ રસ્તાઓના વિકાસને લગતા મુદ્દાઓ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે તંત્રમાં કોઈ તેમની વાત સાંભળતું નથી.
દરમિયાન ગઈકાલની શિક્ષક દિનની ઉજવણીમાં પ્રેમચંદ બૈરવા સાથે ઘટેલી ઘટનાને કારણે ટીકારામ જુલીએ ફરી એકવાર તેમની સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે, શું નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાની વારંવાર થઈ રહેલા ઉપેક્ષા તેમના દલિત હોવાને કારણે છે? તેમણે સીધો મુખ્યમંત્રી ભજનલાલ શર્માને સવાર કર્યો હતો કે, "મુખ્યમંત્રીની હાજરીમાં આ પ્રકારનું વર્તન કેવી રીતે સહન કરી શકાય? શું ભાજપ સરકારમાં દલિતો સાથે આવું વર્તન થતું રહેશે?"
આ મામલે જો કે, સરકાર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી કે નથી દલિત સમાજમાંથી આવતા નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી. ત્યારે જોવાનું એ રહેશે કે વિપક્ષના આ આરોપોનો સરકાર કેવી રીતે જવાબ આપે છે.