દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો
એક સિમેન્ટ ફેક્ટરીમાં દલિત યુવકને માથાભારે લોકોએ ડીઝલની ચોરીની આશંકાએ પકડીને દંડાથી ફટકારતા બેભાન થઈ ગયો, પણ માથાભારે તત્વો આટલેથી અટક્યા નહોતા.

માથાભારે તત્વો દ્વારા દલિતોને માર મારવો જાણે સામાન્ય બાબત હોય તેમ દરરોજ કોઈને કોઈ જગ્યાએ આવા બનાવો બનતા રહે છે. છેલ્લે કશું ન હોય તો કારણ વિના પણ પણ દલિતોને માર મારવો અથવા તો ફક્ત શંકાના આધારે તેમને ફટકારવાના સમાચારોની પણ ભરમાર છે. આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જેમાં ડીઝલની ચોરીની શંકા જતા એક દલિત યુવકને માથાભારે તત્વોએ એટલો ફટકાર્યો કે તે બેભાન થઈ ગયો. એ પછી ફરી તેને પાણી છાંટીને ભાનમાં લાવ્યા અને ફરી ફટકાર્યો.
મામલો આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચારો જ્યાં થાય છે તે મધ્યપ્રદેશનો છે. અહીં ડીઝલની ચોરીના આરોપસર એક દલિત યુવકને તાલીબાની સજા આપવામાં આવી. જેમાં કંપનીના બાઉન્સરોએ તેને તે બેભાન થઈ ગયો ત્યાં સુધી માર માર્યો.
ઘટના પન્ના જિલ્લાની છે. આ વિસ્તાર અહીં આવેલા સિમેન્ટ પ્લાન્ટના કારણે કાયમ ચર્ચામાં રહે છે. ક્યારેક બેફામ વજન ભરેલા ટ્રકોના અકસ્માતના કારણે, તો ક્યારેક કોઈ અન્ય કારણોસર. આ વખતે આ સિમેન્ટ પ્લાન્ટમાં માણસાઈને શરમજનક સ્થિતિમાં મૂકી દેતી ઘટના સામે આવી છે.
અહીં ડીઝલની ચોરીના આરોપસર સિમેન્ટ પ્લાન્ટમાં કામ કરતા દલિત ડ્રાઈવર બ્રિજેશને પકડીને કંપનીના બાઉન્સરોએ પહેલા તેને દંડાથી બેફામ ફટકાર્યો. તેને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો. એ પછી તેના પર એક પછી એક પાણીના ચાર બાટલા છાંટવામાં આવ્યા. જેવો તે ભાનમાં આવ્યો કે તરત તેને ફરી દંડા લઈને ફટકારવામાં આવ્યો. આ આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મારને કારણે બેભાન થઈ ગયેલા બ્રિજેશે ભાનમાં આવ્યા પછી જણાવ્યું હતું કે, આ મામલે તે સિમરિયા અને અમાનગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયો તો તેની ફરિયાદ લેવામાં નહોતી આવી. એ પછી તે પન્ના હરિજન પોલીસ સ્ટેશને પહોંચ્યો અને આ મામલે ફરિયાદ નોંધાવી. ફેક્ટરીના માથાભારે તત્વોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે રીતે બ્રિજેશને માર મારવામાં આવ્યો છે તે જોતા તે ભારે ડરી ગયો છે. આરોપીઓએ તેને ઢોર માર માર્યા બાદ ધમકી આપી છે કે, જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો ફરી માર મારશે. એટલું જ નહીં તેને સિમરિયા પોલીસ સ્ટેશને જતો પણ રોકવામાં આવ્યો હતો. પહેલા તો બ્રિજેશ તેમની ધમકીઓથી ભારે ડરી ગયો હતો, પણ પછી તેને સમજાયું કે, જો ડરીને ફરિયાદ નહીં કરે તો આ લોકોની હિંમત વધુ ખૂલી જશે. એટલે તેણે પોલીસ ફરિયાદ નોંધાવીને લડી લેવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચોઃ તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહીને પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો