દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો
એક ગામમાં પડોશમાં રહેતો માથાભારે શખ્સ વિધવા દલિત મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મહિલા તાબે ન થતા તેના મોં પર થૂંક્યો હતો.

જાતિવાદી તત્વોના આભડછેટના કાટલા ભયંકર સ્વાર્થથી ભરેલા છે. દલિતોને તેમના હકોથી વંચિત કરવાના હોય ત્યારે તેઓ અસ્પૃશ્યતાનું હથિયાર ઉગામે છે. પણ આ જ લુખ્ખા તત્વો દલિત સમાજની બહેન-દીકરીઓની આબરુ પર હાથ નાખતી વખતે ખચકાતા નથી. ત્યારે તેમને આભડછેટ પણ નડતી નથી. આવી જ ઘટના હાલ સામે આવી છે. જેમાં એક ગામમાં દલિત મહિલા પર તેની પડોશમાં રહેતા માથાભારે શખ્સે ઘરમાં ઘૂસીને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મહિલા તાબે ન થતા તે શખ્સ તેના મોં પર થૂક્યો હતો. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.
મામલો જાતિવાદી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના બરેલી જિલ્લાના એક ગામમાં માથાભારે જાતિવાદી શખ્સે પડોશમાં રહેતી એખ દલિત મહિલા પર તેના ઘરમાં ઘૂસીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પણ મહિલાએ તેનો મજબૂતીથી વિરોધ કર્યો હતો અને તેને તાબે થઈ નહોતી. માથાભારે શખ્સે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો પણ મહિલાએ તેનો સામનો કરતા આરોપી તેના ચહેરા પર થૂંક્યો હતો. આ મામલે પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મામલો બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનના સુરેશ શર્મા નગરનો છે. અહીં હીરાકલી નામની મહિલા સાથે પડોશમાં રહેતા રામસિંહ ગંગવારે તેના ઘરમાં ઘૂસીને બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હીરાકલી તેને તાબે થઈ નહોતી. આથી ઉશ્કેરાયેલો રામસિંહે તેને જાતિસૂચક ગાળો દઈને તેના મોં પર થૂક્યો હતો. આ મામલે હીરાકલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હીરાકલી આ મામલે મીડિયા સાથે વાત કરતા કહે છે, "રામ સિંહ ગંગવાર છેલ્લા ઘણા સમયથી મને પરેશાન કરી રહ્યો હતો. કથિત રીતે અમે નીચી જ્ઞાતિના છીએ, તેથી તે ઈચ્છે છે કે અમે તેની બાજુમાં આવેલું અમારું ઘર છોડી દઈએ. તેના માટે તે અમને સતત હેરાન કરતો રહે છે. ક્યારેક તે અમારા ઘરની સામે પાણી ફેંકે છે, તો ક્યારેક કચરો ફેંકે છે. જ્યારે આટલેથી તેને સંતોષ નથી થતો તો તે માનવમળ ફેંકે છે. મારા પતિનું 2006માં અકસ્માતમાં થયું હતું. મારે બે પુત્રો અને એક પુત્રી છે. હું મજૂરીને કરીને મારા બાળકોનો મોટા કરું છું. જેમતેમ કરીને કરેલી થોડી બચતમાંથી મેં ઘર બાંધવાનું શરૂ કર્યું હતું. એ પછી રામસિંહના અત્યાચારો વધી ગયા હતા. તે ઇચ્છે છે કે હું અને મારો પરિવાર ઘર વેચીને બીજે ક્યાંક રહેવા જતા રહીએ."
એ દિવસને યાદ કરતા હીરાકલી કહે છે, 'હું તે દિવસે ઘરે જ હતી. તે ઘરમાં ઘૂસી ગયો અને મને એકલી જોઈને મારી છેડતી કરવા લાગ્યો. તેણે બળજબરીથી બળાત્કારનો પ્રયાસ કર્યો. મેં બૂમો પાડવાનું શરૂ કર્યું, આના પર મારી પુત્રીએ અવાજ સાંભળ્યો અને ઘરની અંદરથી બહાર આવી. મને ચીસો પાડતી જોઈને તેણે મારી દીકરીની સામે મને માર માર્યો. જ્યારે મેં વિરોધ કર્યો તો તેણે મને જાતિવાદી અપશબ્દો કહ્યાં અને મારા પર થૂંક્યો. અને ભાગી ગયો. આ મામલે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ મારી વાત સાંભળવામાં ન આવી. હું એસપી ઓફિસ ગઈ એ પછી મારો કેસ નોંધવામાં આવ્યો. પણ પોલીસે કોઈ નક્કર પગલાં નહોતા લીધાં. હવે રામસિંહ મને સતત ધમકી આપી રહ્યો છે. આ મામલે પોલીસે IPCની કલમ 323, 504 અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
ભીમ આર્મી વ્હારે આવી
આ ઘટનાની માહિતી મળતા જ ભીમ આર્મી બરેલીમાં પીડિતાના ઘરે પહોંચી ગઈ હતી. ભીમ આર્મીના મીડિયા ઈન્ચાર્જ આકાશ બાબુએ હીરાકલીને મળીને સાંત્વના પાઠવી લડતમાં તેમની સાથે હોવાની હૈયાધારણ આપી હતી. તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ શરમજનક છે. પોલીસે આ ઘટના અંગે નક્કર કાર્યવાહી કરવી જોઈએ. જો આમ નહીં થાય તો ભીમ આર્મી યોગ્ય પગલાં લેશે. જો કે પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી તેમને હીરાકલીની ફરિયાદ પર તપાસ કરવાનો સમય મળતો નથી.
બરેલી શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, તેથી સૌ વ્યસ્ત છે. કારકૂન પણ રજા છે તેથી આ ઘટના અંગે કોઈ માહિતી નથી. આ મામલે તપાસ કરીને ટૂંક સમયમાં નક્કર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિતોના વાળ ન કાપવા સામે એક અવાજ ઉઠ્યો અને ઈતિહાસ સર્જાયો!
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Girish MalhotraI appreciate updates
-
Girish MalhotraI appreciate updates