રોહિત સમાજના ધર્મના ભાઈએ ગોસ્વામી બહેનનું લાખોનું મામેરું ભર્યું

વડગામના સલેમકોટ ગામની ઘટના. ગોસ્વામી દીકરીને ભાઈ નહોતો, રોહિત સમાજના હોનહાર યુવાને ધર્મની બહેનનો પ્રસંગ સાચવ્યો.

રોહિત સમાજના ધર્મના ભાઈએ ગોસ્વામી બહેનનું લાખોનું મામેરું ભર્યું
image credit - Google images

જાતિવાદી તત્વો દલિત સમાજના યુવાનોને માત્ર ધિક્કાર અને અસ્પૃશ્યતાની નજરે જ જોવા ટેવાયેલા છે. ભાગ્યે જ એવું બનતું હશે કે કોઈ કથિત સવર્ણ જાતિનો વ્યક્તિ દલિત સમાજ સાથે સામાન્ય માણસ જેવો વ્યવહાર કરતા ખચકાતો ન હોય. પણ ઈતિહાસ સાક્ષી છે કે, દલિત સમાજ જ્યારે પણ સ્વમાન અને સમય સાચવી લેવાની વાત આવે ત્યારે કદી પાછું વળીને જોતો નથી, કે નથી રૂપિયાની પરવા કરતો. એવા ટાણે જે માહોલ સર્જાય છે તે કાયમ માટે ઈતિહાસ બની જાય છે.

કંઈક આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના એક ગામમાં બની છે. અહીં ગોસ્વામી સમાજની એક દીકરીને સગો ભાઈ ન હોવાથી તેણે રોહિત સમાજના યુવાનને ધર્મનો ભાઈ માન્યો હતો. બહેનના લગ્ન થઈ ગયા બાદ તેમની ભાણીના લગ્નનો પ્રસંગ આવી પહોંચ્યો અને રોહિત યુવાને જરાય પાછી પાની કર્યા વિના સૌ મોંમાં આંગળા નાખી જાય તેવું મામેરું ભરી બહેનનો પ્રસંગ સાચવી લઈને સગા ભાઈની ખોટ જરાય સાલવા દીધી નથી. આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા પંથકમાં વાહવાહી મેળવીને સામાજિક એકતાની દિશામાં એક મહત્વનું ઉદાહરણ પુરું પાડ્યું છે.

મળતી માહિતી પ્રમાણે વડગામના સલેમકોટ ગામમાં રહેતી બહેનને માડીજાયો ભાઇ ન હોવાથી તેણે ગામના રોહિત સમાજના એક યુવકને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. આ ધર્મના માનેલા ભાઈએ ભાણીના લગ્ન પ્રસંગે રૂપિયા 1.85 લાખનું મામેરૂ ભરી સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ઘટનાની લોકો ચોમેર પ્રશંસા કરી રહ્યાં છે. યુવકે સમગ્ર પરિવાર સાથે જ્યારે મામા બની માનેલી બહેનના ઘરે ધામધૂમથી મામેરું ભર્યું હતું ત્યારે હાજર સૌ કોઈ હર્ષથી ઝૂમી ઉઠ્યાં હતા.

વડગામ તાલુકાના સલેમકોટ ગામે રહેતા કોકિલાબેન લાલગીરી ગૌસ્વામીને સગો ભાઈ નહોતો. આથી તેમણે ગામના નરસિંહભાઇ રામજીભાઈ પરમારને ધર્મના ભાઇ બનાવ્યા હતા. દરમિયાન બહેનના દિકરા અને દીકરીનો લગ્ન પ્રસંગ આવતાં નરસિંહભાઈએ તેમની ફરજ નિભાવી હતી. તેમણે પરિવારજનો કાન્તિલાલ, નાનજીભાઈ અને એમના લાલપુરા પરમાર કુટુંબીજનો સાથે મળીને કોકિલાબેનના ઘરે ગયા હતા. જ્યાં સોનાની વિંટી, બુટ્ટી, કપડાં તેમજ રોકડ રકમ આપી રૂપિયા 1,85,000નું મામેરૂ ભર્યુ હતું. આ પ્રસંગે કોકિલાબહેનની આંખોમાંથી હરખના આંસુ પણ સરી પડ્યા હતા. રોહિત સમાજના ધર્મના ભાઇએ બહેનને ત્યાં 1.85 લાખનું મામેરૂ ભર્યુ એ જાણીને સૌ કોઈ આ પરિવારના બે મોઢે વખાણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.