200 થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન નીકળી

દલિત વરરાજાની જાનમાં જાનૈયા કરતા વધુ પોલીસ જોવા મળી. ડ્રોન કેમેરા, 20થી વધુ લેડીઝ પોલીસ અને બેરીકેડ્સ ગોઠવ્યા ત્યારે જતી દલિત વરરાજાની જાન નીકળી શકી.

200 થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન નીકળી
image credit - Google images

રાજસ્થાનના અજમેરમાં એક દલિત વરરાજાને તેના લગ્નની જાન અને વરઘોડો કાઢવા માટે પોલીસની મદદ લેવી પડી. મળતી માહિતી મુજબ દલિત વરરાજાની જાન ઘોડી પર નીકળવાની હતી અને તેને પોતાના સગાસંબંધીઓ અને ગામલોકો પાસેથી જાણવા મળ્યું હતું કે તેના વરઘોડા અને જાન પર પોતાને ઉંચી જાતિના સમજતા અમુક આવારા તત્વો હુમલો કરી શકે છે. લગ્ન જેવા ખુશીના પ્રસંગને લુખ્ખા તત્વો હુમલો કરીને ખરાબ ન કરી નાખે તે માટે યુવકે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. જેથી જાન-વરોઘોડો કોઈપણ પ્રકારના વિવાદ વિના નીકળી શકે. 

ઘટના મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનની છે. અહીંના અજમેરમાં એક દલિત વરરાજાની જાન કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી હતી, કારણ કે વરરાજાના પરિવારને ડર હતો કે જો તેમનો દીકરો ઘોડી પર બેસીને જાન લઈને નીકળશે તો ગામની એક માથાભારે કોમના લુખ્ખા તત્વો હુમલો કરીને પ્રસંગ બગાડશે. આથી વરરાજાના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. એ પછી પોલીસતંત્ર એક્શનમાં આવ્યું હતું અને 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન અને વરઘોડો નીકળ્યો હતો. એ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બની નહોતી.

આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે, ભારતમાં ભલે બંધારણની 75મી જન્મજયંતિની ઉજવણી થતી હોય પરંતુ આજે પણ કોમવાદી તત્વો પોતાની મનમાની કરવા માટે મથી રહ્યાં છે. અનેક ગામોમાં હજુ પણ દલિત વરરાજા ઘોડે ચડીને જાન લઈને આવે તો માથાભારે કોમના તત્વો તેના પર હુમલો કરે છે. દર વર્ષે આવી અનેક ઘટનાઓ બને છે પરંતુ તેમાં પોલીસતંત્ર કોઈ નક્કર પગલાં ન ભરતું હોવાથી આવા તત્વોની હિંમત ખૂલી જાય છે અને તેઓ ફરીથી આ પ્રકારની હરકત કરવા પ્રેરાય છે. જો કાયદો તેનું કામ કરે તો આવા તત્વો કાયમ માટે ખો ભૂલી જાય. પણ અફસોસ કે આવું દર વખતે થતું નથી.

અજમેરના લાવેરા ગામની ઘટના

વરરાજા વિજય રેગરની સગાઈ લાવેરા ગામની અરૂણા ખોરવાલ સાથે નક્કી થઈ હતી. એ પછી મંગળવાર તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ બંનેના લગ્ન યોજાવાના હતા. જો કે વિજયના પિતાને શંકા હતી કે ગામની માથાભારે કોમના અમુક લુખ્ખા તત્વો તેમની દીકરીની જાન પર હુમલો કરી શકે છે. તેની જાણ તેમણે કન્યા અને તેના પરિવારને પણ કરી હતી. આથી વિજયે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. એ પછી 200થી વધુ પોલીસકર્મીઓ જાન અને વરઘોડાના દિવસે વરરાજા વિજયની સુરક્ષામાં તૈનાત રહ્યા હતા અને આખો પ્રસંગ હેમખેમ પૂર્ણ કરાવ્યો હતો.

ડ્રોન કેમેરા, બેરીકેડ્સ અને મહિલા પોલીસ તૈનાત કરાઈ

આ મામલે અજમેરના પોલીસ અધિક્ષક વંદિતા રાણાએ જણાવ્યું હતું કે, એક પરિવારે પોલીસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓ લગ્નનો વરઘોડો કાઢવા માંગે છે અને ગામના કેટલાક લોકો તેના પર હુમલો કરીને આખો પ્રસંગ બગાડી શકે છે. તૈયારી તરીકે ગામમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ પણ સહકાર આપ્યો અને કહ્યું કે આમાં કોઈ વાંધો નહીં આવે. એ પછી પોલીસ સુરક્ષા હેઠળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એ પછી 200થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા હેઠળ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અનેક જગ્યાએ બેરીકેડ મૂકવામાં આવ્યા હતા. જાન પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. 20થી વધુ મહિલા કોન્સ્ટેબલ પણ આ દરમિયાન તૈનાત કરાઈ હતી.

કન્યાના પિતાએ સામાજિક કાર્યકરોનો સંપર્ક કર્યો

કન્યા અરુણાના પિતા નારાયણ ખોરવાલે પણ સ્થાનિક કાર્યકરોનો સંપર્ક કર્યો, જેમાં સેન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રાઇટ્સના સચિવ રમેશ ચંદ બંસલનો પણ સમાવેશ થાય છે. બંસલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ને પત્ર લખ્યો અને સ્થાનિક પોલીસની પણ મદદ માંગી, જેના પગલે અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

કન્યાના પિતા નારાયણે ખોરવાલે કહ્યું કે, જો આપણે ડરતા રહીશું તો આ લોકો આ જ રીતે ભય પેદા કરીને આપણને દબાવતા રહેશે. તેથી અમે કાયદાનો સહારો લીધો. અમે એક શિક્ષિત પરિવાર છીએ. ભૂતકાળમાં અમારા ગામમાં માથાભારે કોમના લોકો દ્વારા દલિત વરરાજાની જાન પર હુમલો કરાયાની ઘટનાઓ બની છે, તેથી અમે પોલીસ અને કાર્યકરોનો સંપર્ક કર્યો હતો. અને તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

20 વર્ષ પહેલા કન્યાની ફોઈની જાન પર હુમલો થયો હતો

આ આખી ઘટનામાં આજથી 20 વર્ષ પહેલા બનેલી એક ઘટના રહેલી છે. વર્ષ 2005માં જ્યારે વરરાજના પિતા નારાયણ લાલ રેગરની બહેન સુનિતાના લગ્ન યોજાયા હતા ત્યારે વરરાજા ઘોડા પર બેસીને જાન લઈને પહોંચ્યા હતા, ત્યારે એક કોમના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તે સમયે ઘણો વિવાદ થયો હતો. પોલીસ વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી તેમ છતાં માથાભારે કોમની બીકના કારણે ઘોડીવાળો પોતાની ઘોડી લઈને લગ્ન અધવચ્ચે છોડીને ભાગી ગયો હતો. એ પછી દલિત વરરાજાએ જીપમાં બેસીને જાન લઈને લગ્નમંડપ સુધી જવું પડ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ત્યારે પોલીસ હાજર હોવા છતાં દલિત વરરાજા ઘોડી પર બેસીને વરઘોડો નહોતા કાઢી શક્યા. જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે કથળી ગઈ હશે તેનો ખ્યાલ આપે છે.    

મનુવાદી મીડિયાએ માથાભારે લોકોની જાતિ છુપાવી

આ આખી ઘટનાના રિપોર્ટિગમાં સૌથી પહેલા ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે, મનુવાદી મીડિયાએ હુમલાખોર તત્વો કઈ જાતિના છે તે છુપાવી રાખ્યું હતું. ખબરઅંતર.કોમે આ ઘટનાના અનેક મીડિયા રિપોર્ટ ચેક કર્યા પરંતુ ક્યાંય પણ હુમલાખોર તત્વોની જાતિનો ઉલ્લેખ જોવા મળ્યો નહોતો. જે સ્પષ્ટ કરે છે કે આ દેશનું મીડિયા દલિત વિરોધી છે અને મનુવાદી-જાતિવાદી તત્વો ગમે તેટલો મોટો ગુનો કરે, કૌભાંડ આચરે કે જઘન્ય કૃત્ય કરે તો પણ સતત તેને છાવરવાનું કામ કરે છે. અગાઉ પણ અનેક વખત એવું બન્યું છે કે, મનુવાદી મીડિયાએ દલિત યુવતીઓ પર થયેલા બળાત્કાર, હત્યાના કેસોમાં પણ આરોપીઓની જાતિ, અટક છુપાવી રાખી હોય. આવા તત્વોને ખૂલ્લા પાડવા માટે જરૂરી છે કે બહુજનોનું પોતાનું મીડિયા મજબૂત હોય.

આ પણ વાંચો: રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.