રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ

આરોપી લુખ્ખા તત્વોએ જાનૈયાઓને દોડાવી-દોડાવીને માર્યા. પથ્થર અને દંડાથી હુમલો કર્યો. હુમલામાં વરરાજાની ગાડીનો કાચ તૂટી ગયો, અનેક લોકો ઘાયલ થયા.

રાજપૂતોએ દલિત દીકરીની જાન પર હુમલો કર્યો, અનેક જાનૈયા ઘાયલ
image credit - Google images

કુંભમેળાના બહાને સમરસતાની વાતો કરી દલિતોને હિંદુ વોટબેંકમાં ભેળવવા મથતી ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર જ્યારે કથિત સવર્ણ જાતિના લુખ્ખા તત્વો દ્વારા દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે મોંમાં મગ ભરીને બેસી જાય છે. દર વર્ષે લગ્નની સિઝનમાં દલિતોની જાનો પર હુમલાઓની સૌથી વધુ ઘટનાઓ ઉત્તરપ્રદેશમાં બને છે. અને તેમાં ભાગ્યે જ કોઈ લુખ્ખા તત્વોને એટ્રોસિટી અંતર્ગત આકરી સજા થાય છે. આવી જ એક દલિત પરિવારની જાન પર હુમલાની વધુ એક ઘટના બની છે અને તેમાં અનેક લોકો ઘાયલ થયા છે પણ હજુ સુધી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી.

યુપીના બાદશાહપુરના ટેંથડ ગામની ઘટના

મામલો બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશના સોહના વિસ્તારના બાદશાહપુર જિલ્લાના ટેંથડ ગામનો છે. અહીં ગામના લુખ્ખા જાતિવાદી તત્વોએ એક અનુસૂચિત જાતિની દીકરીની જાન પર હુમલો કર્યો હતો અને જાનૈયાઓ સહિતના લોકોનો દોડાવી દોડાવીને ફટકાર્યા હતા. હુમલામાં અનેક જાનૈયા ઘાયલ થયા હતા. લુખ્ખા તત્વોએ વરરાજાની કાચરનો કાચ પણ તોડી નાખ્યો હતો. આરોપીઓએ દંડા અને પથ્થરો વડે હુમલો કરતા બીજા લગભગ એક ડઝન વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. હુમલામાં ઘાયલ થયેલા લોકોને સોહનાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને ગુરુગ્રામની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મામલો શું હતો?

મળતી માહિતી પ્રમાણે અહીંની નિબોટ પોલીસ ચોકી હેઠળ આવતા બાદશાહપુર ટેંથડ ગામના રહેવાસી બલબીરની પુત્રી હેમલતાની જાન તાવડૂ વિસ્તારના સુંધ ગામથી આવવાની હતી. જાન દીકરીના માંડવે આવી રહી ત્યારે તેના ઘરથી માત્ર 50 મીટર દૂર રાજપૂત સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો. છોકરીના પિતા બલબીરે કહ્યું કે રાજપૂતોએ વરરાજા અને તેમની જાન પર હુમલો કરવાની યોજના પહેલેથી જ બનાવી હતી. તેના માટે આ લુખ્ખા તત્વોએ પહેલાંથી જ તેમના ઘરોની છત પર પથ્થરો મૂકી દીધાં હતાં જેથી તેઓ પથ્થરમારો કરી શકે. આ ઘટનામાં 8 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં અભિષેક, ગૌરવ, ઇન્દરજીત, સીતારામ, જીત સિંહ, જતીન, દીપક અને ભૂપેન્દ્રનો સમાવેશ થાય છે, જ્યારે બે ઘાયલોની હાલત બગડી હોવાથી તેમને ગુરુગ્રામ રિફર કરવામાં આવ્યા છે. 

પોલીસે શું કહ્યું?

સોહના એસીપી અભિલક્ષ્ય જોશીએ જણાવ્યું હતું કે કન્યાના પિતા બલબીરની ફરિયાદના આધારે, 18 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે, આ સિવાય પણ અનેક પુરુષો અને સ્ત્રીઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.