બાબા બાળકનાથને શોધી લાવો, એક લાખનું ઈનામ આપીશું: ભીમ આર્મી
દલિત સગીરા પર રેપ કરીને ફરાર થઈ ગયેલા બાબા બાળકનાથને શોધી કાઢનાર માટે ભીમ આર્મીએ એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. જાણો શું છે આખો મામલો.
રાજસ્થાનના સીકરમાં એક ઢોંગી બાબાએ દલિત સગીરા પર બળાત્કાર કર્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે. સીકરના લક્ષ્મણગઢના દંતુજલા મંદિરના કથિત બાબા બાળકનાથે એક દલિત સગીરાનું અપહરણ કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી બાબાએ સગીરાનો વીડિયો ઉતારી તેને વારંવાર ધમકી આપી હેરાન કરવાનું ચાલું કરી દીધું હતું. સગીરા આ વાત કોઈને કહી શકતી નહોતી. આખરે તેની હિંમત ખૂલી અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઢોંગી બાબો બાળકનાથ મંદિર છોડીને ફરાર થઈ ગયો છે.
આ તરફ દલિત સમાજની સગીર દીકરી પર બાબાએ દુષ્કર્મ ગુજાર્યાની જાણ થતા જ ભીમ આર્મી સહિતના સંગઠનો પીડિતાની પડખે આવ્યા હતા અને પોલીસને ઢોંગી બાબાને ઝડપી પાડવા દબાણ સર્જ્યું હતું. ભીમ આર્મીની સાથે આંબેડકર વેલ્ફેર સોસાયટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંગઠનોએ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપીને આરોપી ઢોંગી બાબા બાળકનાથ અને તેના સાગરિતોની ધરપકડની માંગ કરી છે.
બહુજન સંગઠનોએ ચેતવણી આપી છે કે, જો આરોપીઓને જલ્દી પકડવામાં નહીં આવે તો સમગ્ર રાજસ્થાનમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ એડવોકેટ જયસ્વામી કલ્યાણે કહ્યું હતું કે, પોલીસ જો બાબાને ઝડપથી પકડી નહીં શકે તો અમારે નાછૂટકે આ મામલે આંદોલન કરવું પડશે.
બાબાની ભાળ આપનારને એક લાખનું ઈનામ
આંબેડકર મેમોરિયલ વેલ્ફેર સોસાયટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશ જોયાએ કહ્યું હતું કે, કથિત આ બાબાએ જે કૃત્ય કર્યું છે કે કોઈ કાળે ચલાવી શકાય તેમ નથી. પોલીસે આરોપીઓની જલદી ધરપકડ કરવી જોઈએ. ફરાર આરોપીની ભાળ આપનારે એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
સોશિયલ મીડિયામાં બાબાનો સગીરા સાથેનો વીડિયો વાયરલ
બીજી તરફ ઢોંગી બાબા બાળકનાથનો દલિત સગીરા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં સગીરા પણ દેખાઈ રહી છે. આ અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ જ સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટના શું હતી?
સીકર જિલ્લાના લક્ષ્મણગઢના ખેડી દાતુંજલાના ક્ષેત્રપાલ મંદિરના બાબા બાળકનાથ સામે એક દલિત સગીરાએ તંત્ર વિદ્યાની આડમાં બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ બાબા અને તેના સાથીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે મંદિરના બાબા બાલકનાથે તંત્ર વિદ્યા દ્વારા પરિવારની સમસ્યાઓ ઉકેલવાના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપી બાબા અને તેના ડ્રાઈવરે ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કરશે તો અને તેઓ બોલાવે ત્યારે તેમની પાસે નહીં આવે તો તેઓ તેના આખા પરિવારને ખતમ કરી નાખશે અને વીડિયો વાયરલ કરી દેશે.
કારમાં બેસાડી, પેંડા ખવડાવી બળાત્કાર ગુજાર્યો
પીડિતાએ પોલીસને જણાવ્યું કે થોડા મહિના પહેલા તે મંદિરમાં પૂજા કરવા ગઈ હતી અને ત્યાં તેની મુલાકાત રાજેશ નામના એક છોકરા સાથે થઈ હતી, જેણે તેનો પરિચય બાબા બાળકનાથ સાથે કરાવ્યો હતો. બાબાએ તેને પ્રસાદ આપ્યો અને કહ્યું કે આ પ્રસાદથી તને આશીર્વાદ મળશે. એ પછી થોડા મહિના પહેલા બાબા બાળકનાથે તેને ગામમાં મૂકી જવાના બહાને કારમાં બેસાડી લીધી હતી અને રસ્તામાં પેંડા ખાવા માટે આપ્યા હતા.
સગીરાએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવી, બાબો ફરાર
પેંડા ખાધા પછી તે બેભાન થઈ ગઈ અને બાબાએ તેના પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. ડ્રાઈવર યોગેશે તેનો વીડિયો બનાવ્યો. એ પછી આરોપી બાબા અને તેના સાથીઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યું અને તેને પોતાની પાસે બોલાવવાની વાત કરી. તેઓ વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવા લાગ્યા હતા. આથી તંગ આવી ગયેલી સગીરાએ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ SC-ST સેલના ડીવાયએસપી અજીત પાલને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો