ખેતરમાં દાડમ તોડવા ગયેલા દલિત કિશોરના હાથપગ બાંધી રાખીને ફટકાર્યો
14 વર્ષનો એક દલિત કિશોર તેના ઘરથી નજીકના એક ખેતરમાં દાડમ તોડવા ગયો હતો ત્યારે તેના માલિકે તેને પકડી દોરડાથી બાંધીને કલાકો સુધી માર્યો હતો.
જાતિવાદી તત્વોને કૂતરાં બિલાડા તેમની માલિકીની જમીનો પર ખાઈપીને ફરે, મળત્યાગ કરે તેનો કોઈ વાંધો નથી હોતો, પણ જો કોઈ દલિત વ્યક્તિ, પછી ભલેને તે કોઈ નિર્દોષ બાળક હોય, જો તેમના વિસ્તારમાં ઘૂસી જાય તો તેને સબક શીખવાડવાની એક પણ તક જતી નથી કરતા.
આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે, જેમાં દલિત સમાજની કોઈ વ્યક્તિને સાવ સામાન્ય બાબતને લઈને કથિત સવર્ણો દ્વારા માર મારવામાં આવ્યો હોય કે તેમની જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હોય.
આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં એક 14 વર્ષનો દલિત કિશોર કથિત સવર્ણ જાતિની વ્યક્તિના ખેતરમાં દાડમ તોડવા માટે ગયો હતો. જ્યાં ખેતરમાલિક તેને જોઈ જતા પકડીને દોરડાથી બાંધી દીધો હતો અને કલાકો સુધી આ રીતે હાથપગ બાંધેલી હાલતમાં જ બેસાડીને રાખીને માર મારતા રહ્યા હતા. દરમિયાન ઘટનાની જાણ કિશોરની માતાને થતા તેણે તપાસ કરતા દાડમના ખેતરના માલિકે તેમના દીકરાને દોરડાથી બાંધી રાખ્યો હતો. આથી તેમણે એસસી એસટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
મામલો હૈદરાબાદના શાબાદ તાલુકાના કીસરા ગામનો છે. જ્યાં ખેતરમાંથી દાડમ તોડવાનો પ્રયત્ન કરી રહેલા એક 14 વર્ષના દલિત કિશોરને 80 વર્ષનો મધુસૂદન રેડ્ડી નામનો માથાભારે શખ્સ જોઈ ગયો હતો અને તેણે કિશોરને પકડીને જમીન પર પછાડ્યો હતો અને પછી હાથપગ બાંધી દીધા હતા અને માર માર્યો હતો. આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો: મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?
આ મામલે કિશોરની માતાને જાણ થતા તેઓ પુત્રને બચાવવા માટે પહોંચી ગઈ હતી અને તેણે મધુસૂદન રેડ્ડી સામે એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે દલિત કિશોર દાડમ તોડવા માટે એક વાડીની દિવાલ કૂદીને અંદર ગયો હતો. એ જ વખતે મધુસૂદન રેડ્ડી તેને જોઈ ગયો હતો અને તરત તેણે કિશોરને પકડીને ફટકારવાનું શરૂ કરી દીધું હતું.
એટલું જ નહીં તેણે કિશોરને જમીન પર પછાડીને તેના હાથપગ દોરડાથી બાંધી દીધા હતા અને કલાકો સુધી એજ અવસ્થામાં બાંધી રાખી માર માર્યો હતો. કોઈએ કિશોરની માતાને જાણ કરતા તેમણે શાબાદ પોલીસ સ્ટેશનમાં થઈને મધુસૂદન રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે દલિત કિશોરના માતાપિતા મજૂરી કરે છે અને અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. કિશોરને મધુસૂદન રેડ્ડીએ માર માર્યો હોવાથી તેને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૂંઢ માર વાગ્યો હોવાનું સામે આવ્યું હતું. હવે તેની માતાની ફરિયાદના આધારે પોલીસે એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...