સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થશે?
માન્યવર કાંશીરામ અને મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ જાતિવાદી ઝેર ઓકનાર પદ્મવિભૂષણ સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે.
પદ્મવિભૂષણ જેવા દેશના બીજા નંબરના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય તેમના જાતિવાદી નિવેદનોને લઈને પણ કુખ્યાત છે. અગાઉ તેમણે અનુસૂચિત જાતિની ચમાર પેટાજાતિને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. આવા જ વધુ એક મામલામાં સ્વામીજી ફસાતા દેખાઈ રહ્યાં છે અને આ વખતે મામલો વધારે ગંભીર જણાઈ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ જેવી ગંભીર કલમ હેઠળ કેસ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. બહુજન સમાજ પાર્ટી(BSP)ના સંસ્થાપક માન્યવર કાંશીરામ(Kanshiram) અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ(Mulayam Singh Yadav) ને લઈને તેમણે આપેલા એક જૂના નિવેદનને લઈને અલાહાબાદ હાઈકોર્ટ તરફથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ નિવેદનને લઈને બીએસપી અને સમાજવાદી પાર્ટીના કાર્યકર તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અલાહાબાદ હાઈકોર્ટે રામભદ્રાચાર્યને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા આદેશ કર્યો છે. આરોપ છે કે જગદગુરુ રામભદ્રાચાર્યએ એક જાહેર કાર્યક્રમમાં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને બસપાના સંસ્થાપક માન્યવર કાંશીરામ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
આ સિવાય બિહારમાં તેમણે દલિતોની ચમાર જાતિ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે જેઓ જય શ્રીરામ નથી કહેતા તે 'ચમાર' છે. આ બંને નિવેદનોને લઈને SP-BSPના સમર્થકો ગુસ્સે ભરાયા હતા. આ સિવાય દલિત સમાજમાં પણ ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ અરજદાર પ્રકાશ ચંદ્રે અલાહાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરીને રામભદ્રાચાર્ય વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...
અરજદારે જગદગુરુ રામભદ્રાચાર્ય વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેની સુનાવણી કર્યા વિના અરજીને ફગાવી દીધી હતી. જિલ્લા કોર્ટના આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવની સિંગલ બેંચમાં આ મામલે સુનાવણી થઈ હતી.
અરજીકર્તા પ્રકાશ ચંદ્ર પ્રયાગરાજના યમુનાનગરના રહેવાસી છે. તેમણે અલ્હાબાદ હાઈકોર્ટને આ મામલે રામભદ્રાચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી છે, હાઈકોર્ટે જગદગુરુ રામભદ્રાચાર્યને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા નોટિસ ફટકારી છે.
મામલો શું હતો?
એપ્રિલ 2023માં રામભદ્રાચાર્યે આગ્રાના કોઠી બજારમાં યોજાયેલી તેમની રામ કથા દરમિયાન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને બસપાના સંસ્થાપક માન્ય વર કાંશીરામ સાહેબ પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. આ નિવેદનની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ મામલો ગરમાયો હતો. આ અંગે સમાજવાદી પાર્ટી અને બીએસપીના કાર્યકરો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
આ કથાના ત્રીજા દિવસે પદ્મવિભૂષણ રામભદ્રાચાર્યે રામ મંદિર આંદોલન સમયે સપા અને બપસા ગઠબંધનના પ્રચલિત નારા 'મિલે મુલાયમ કાંશીરામ, હવા મેં ઉડ ગયે જય શ્રી રામ' ની સામે નવો નારો લગાવ્યો હતો. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, 'મરે મુલાયમ કાંશીરામ, પ્રેમ સે બોલો જયશ્રી રામ'.
કોણ છે સ્વામી રામભદ્રાચાર્ય?
સ્વામી રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં રહે છે. તેમનું સાચું નામ ગિરધર મિશ્રા છે. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના જૌનપુરમાં થયો હતો. રામ જન્મભૂમિ ચુકાદા વખતે તેમણે રામલલાના પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં વેદ-પુરાણોના ઉદાહરણો સાથે ગવાહી આપી હતી. તેઓ રામાનંદ સંપ્રદાયના ચાર જગદગુરૂઓ પૈકીના એક છે. આ પદ પર તેઓ છેક 1988થી છે. તેઓ ચિત્રકૂટ સ્થિત તુલસી પીઠ નામની ધાર્મિક અને સામાજિક જગદગુરૂ રામભદ્રાચાર્ય વિકલાંગ યુનિવર્સિટીના સંસ્થાપક અને આજીવન કુલાધિપતિ છે. વર્ષ 2015માં ભારત સરકારે તેમને દેશના બીજા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. જો કે આટલા પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યા પછી પણ તેમની દલિતો, આદિવાસીઓ તથા ઓબીસી સમાજના લોકો પ્રત્યેની માનસિકતામાં જરાય ઓટ આવી નથી. તેઓ દલિતોને કેટલી નફરત કરે છે તેનું ઉદાહરણ તેમણે માન્યવર કાંશીરામ અને મુલાયમસિંહ વિશે આપેલા નિવેદનો છે.
આ પણ વાંચો: સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?