મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!

દલિતોને મુખ્ય પદોથી દૂર રાખતી સવર્ણ માનસિકતા કોંગ્રેસે પણ વર્ષો સુધી પાળી છે. પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી તેને એક દલિત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જ બહાર લાવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!
image credit - Google images

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કોંગ્રેસ પાર્ટીએ જબરદસ્ત વાપસી કરી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેના સૌથી ખરાબ ચૂંટણી પ્રદર્શનમાંથી બહાર આવીને પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. પાર્ટીના આ પ્રદર્શન પાછળ ઘણાં મહત્વપૂર્ણ કારણો જણાવવામાં આવી રહ્યા છે. આમાં એક સૌથી મોટું કારણ કૉંગ્રેસ પ્રમુખપદે દિગ્ગજ દલિત નેતા મલ્લિકાર્જુન ખડગેની નિમણૂક અને તેમની રાજકીય કુનેહને માનવામાં આવે છે. ઈન્ડિયા ગઠબંધનના સર્વસ્વીકૃત નેતા તરીકે ખડગેને હાલ વડાપ્રધાન પદની રેસના સૌથી લાયક ઉમેદવાર ગણવામાં આવે છે. જો એનડીએ બહુમતી નથી મેળવી શકતું અને નીતિશ-ચંદ્રાબાબુ જેવા ખેલાડીઓ કંઈક નવાજૂની કરે તો ઈન્ડિયા ગઠબંધનમાંથી મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાનપદના સૌથી મજબૂત દાવેદાર છે.

સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ ગાંધી પરિવારના સભ્યો પાસે જ રહે છે. સોનિયા ગાંધી વર્ષોથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. આ પછી રાહુલ ગાંધીએ આ પદ સંભાળ્યું. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીની કમાન સોનિયા ગાંધી પાસે હતી. જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આ બંને ચૂંટણીમાં કોંગ્રેસ ત્રણ આંકડા સુધી પહોંચી શકી નહોતી. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪ બેઠકો મળી હતી, જ્યારે વર્ષ ૨૦૧૯માં પાર્ટીને માત્ર ૫૨ બેઠકો મળી હતી. અનેક રાજ્યોની સતત બે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પક્ષની અંદર અને બહાર વિરોધના સૂર ઉઠી રહ્યા હતા. એ દરમિયાન ભાજપ અને અન્ય વિપક્ષી દળોએ પણ કોંગ્રેસ પર એક જ પરિવારનું વર્ચસ્વ હોવાનો અને ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. દરમિયાન કોંગ્રેસે અન્ય કોઈ નેતાને પ્રમુખ પદ આપવાની રણનીતિ અપનાવી હતી. ૨૦૨૨માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીની કમાન મળી હતી.

ખડગે કોંગ્રેસ પાર્ટીનો એક અગ્રણી દલિત ચહેરો હોવા ઉપરાંત પાર્ટીના દિગ્ગજ નેતા છે. સવર્ણોની બહુમતી ધરાવતા કોંગ્રેસ પક્ષમાં દલિત ખડગેએ જે કાઠું કાઢ્યું છે તે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે તેવું છે. કર્ણાટક જેવા દક્ષિણ ભારતીય રાજ્યમાંથી આવતા હોવા છતાં તેમની હિન્દી સરસ છે. નાનપણમાં કારમી ગરીબી વેઠીને પણ ભણવામાં ફોક્સને કારણે ખડગે આગળ વધી શક્યા હતા. તેમની નજર સામે જ એક અકસ્માતમાં તેમની બહેન અને માતા જીવતા સળગી ગયા હતા. એ આઘાત પણ તેઓ જીરવી ગયા હતા.

ખડગેને સામાન્ય રીતે સમાધાનકારી નેતા તરીકે ઓળખવામાં આવે છે. કોંગ્રેસનો આંતરિક મામલો હોય કે પછી ઈન્ડિયા ગઠબંધન સંબંધિત મુદ્દો હોય. તેઓ સામાન્ય સહમતિ સાથે દરેકને સાથે લેવાનો પ્રયાસ કરે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેમના વલણથી કોંગ્રેસને ઘણો ફાયદો થયો છે. ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસે ભારત ગઠબંધન સાથે બેઠક વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કોંગ્રેસે ઘણા રાજ્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું પડ્યું. જેની અસર આ ચૂંટણીઓમાં પણ જોવા મળી હતી. ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસ આ વખતે સારું પ્રદર્શન કરી રહી હોય છે તેનું સૌથી મોટું શ્રેય મલ્લિકાર્જુન ખડગેને જાય છે.

આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Dixitkumar Sharadaben
    Dixitkumar Sharadaben
    સતત વાચુ છું આ ખબર અંતર સમાચાર જરૂરી છે ગુજરાત રાજ્ય મા બહુજન સમાચાર જે જાગૃતિ ફેલાવવા માટે શુભેચ્છાઓ સહ અભિનંદન તંત્રી અને એડિટર પત્રકાર મિત્રોને જે તમારી સાથે જોડાયેલા છે તમામ બધાને
    10 months ago
    • KhabarAntar
      આભાર. આવું પ્રોત્સાહન અમને પણ સારું કામ કરવા પ્રેરણા આપે છે.
      10 months ago