ઈન્ડિયા ગઠબંધનને ફાયદો કરાવનારા મુખ્ય પાંચ કારણ ક્યા છે?

લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનએ જોરદાર કમબેક કર્યું છે, એ ક્યાં મુખ્ય કારણો છે જેના કારણે તેને આ સફળતા મળી તેની ચર્ચા કરીએ.

ઈન્ડિયા ગઠબંધનને ફાયદો કરાવનારા મુખ્ય પાંચ કારણ ક્યા છે?
image credit - Google images

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો એનડીએ અને ખાસ કરીને ભાજપ માટે ચોંકાવનારા રહ્યા છે. કારણ કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા તરફથી તેને જોરદાર ફાઈટ મળી છે. ભાજપનો અબ કી બાર ૪૦૦ પારનો નારો નિષ્ફળ સાબિત થયો છે. ૪૦૦ તો દૂર, ૩૦૦ સીટના પણ ફાંફા પડી ગયા છે. એવું લાગે છે કે મોદી સરકાર પ્રત્યે લોકોમાં જે અસંતોષ હતો તેને વિપક્ષી ગઠબંધન મતોમાં ફેરવવામાં સફળ રહ્યું છે. 

૨૦૧૯ની ચૂંટણી કરતા આ વખતે સ્થિતિ અલગ જોવા મળી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ સત્તા વિરોધી લહેરને મહદઅંશે કેશ કરવામાં વિરોધીઓ સફળ જોવા મળ્યાં છે. એવું પણ લાગી રહ્યું છે કે રામ મંદિર ઉદ્ધાટન સમારોહ અંગે વિપક્ષી નેતાઓનું સ્ટેન્ડ રાજકીય રીતે યોગ્ય પણ હતું. જો વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણીમાં જો પીએમ પદ માટે કોઈ ચહેરો રજૂ કરાયો હોત તો પરિણામો ઘણાં અલગ હોઈ શકત. પણ હવે જ્યારે પરિણામો આપણી સામે છે ત્યારે એ પાંચ મુખ્ય કારણોની ચર્ચા કરીએ, જેણે ઈન્ડિયા ગઠબંધનને સફળતા અપાવી.

૧. ચૂંટણી કેમ્પેઈનમાં વિપક્ષનું નેરેટિવ ચાલી ગયું

ચૂંટણી કેમ્પેઈન દરમિયાન બંને તરફથી અલગ અલગ નેરેટિવ સેટ કરવાની કોશિશ થઈ પરંતુ એવું લાગે છે કે વિપક્ષ અનામત ખતમ કરવાના અને બંધારણને બદલવાના મુદ્દાઓને ઉછાળવામાં મહદઅંશે સફળ રહ્યો અને તમામ તરીકાઓ અજમાવવા છતાં ભાજપ ક્યાંક ચૂકી ગયો. પીએમ મોદીએ વિપક્ષના નેરેટિવને પોતાની સ્ટાઈલમાં ન્યુટ્રલાઈઝ કરવાની કોશિશ કરી પરંતુ એવું લાગે છે કે લોકોને વધુ બાળકો પેદા કરનારા, ઘૂસણખોરો, મંગળસૂત્ર જેવા પોલિટિકલ કીવર્ડ પસંદ પડ્યા નહીં.

એમાં પણ સંઘમાંથી ભાજપમાં આવેલા નેતાઓએ 400થી વધુ સીટો દેશનું બંધારણ બદલવા માટે જોઈએ છે તેમ કહ્યું એ સાથે જ દેશનો દલિત, આદિવાસી, ઓબીસી વર્ગ સચેત થઈ ગયો અને તે ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાયો.

૨ પ્રાદેશિક પક્ષોના દબદબાની અસર

ચૂંટણી પહેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપને પ્રાદેશિક પક્ષો તરફથી આકરો પડકાર મળી શકે છે. ત્યારે દેશભરમાં એવી ૨૦૦થી વધુ સીટો જણાવવામાં આવી હતી. પરિણામોમાં પણ એવા સંકેત મળી રહ્યા છે. પ્રાદેશિક પક્ષોમાં પણ સૌથી વધુ અસર યુપીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, તમિલનાડુમાં ડીએમકે અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં નજરે ચડે છે. હા બિહારમાં તેજસ્વી યાદવની આરજેડી એવું પ્રદર્શન કરી શકી નથી. પરંતુ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના મજબૂત જોવા મળી રહી છે. 

૩ મુસ્લિમ મતદારો ઈન્ડિયા ગઠબંધન સાથે

એક્ઝિટ પોલના પરિણામો ભલે હાલના ટ્રેન્ડ સાથે મેળ ન ખાતા હોય પરંતુ મુસ્લિમ મતદારો અંગે સર્વે સાચો લાગી રહ્યો છે. એવું સ્પષ્ટ લાગે છે કે ઈન્ડિયા બ્લોકને સૌથી વધુ મતો મુસ્લિમ સમુદાયથી મળ્યા છે. ભાજપ દ્વારા જે રીતે છેલ્લાં એક દાયકામાં તેમને કારણ વિના સતાવવામાં આવ્યા તેના કારણે તેઓ ત્રસ્ત થઈ ગયા હતા. જેનો ફાયદો ઈન્ડિયા ગઠબંધનને મળ્યો.

૪. યુવાનો પરિવર્તન અને જલદી પરિણામ ઈચ્છતા હતા

એક્ઝિટ પોલમાં યુવાઓનો પણ ખાસ ઉલ્લેખ કરાયો હતો. એવું જાણવા મળ્યું હતું કે ભાજપના મોટાભાગના મતદારો ૩૫ વર્ષથી વધુ ઉંમરવાળા છે પરંતુ યુવાઓના બે વર્ગ ૧૮-૨૫ અને ૨૫થી ૩૫ની ઉંમરના મતદારો ફેરફાર અને જલદી પરિણામ ઈચ્છે છે અને તેમના મત ઈન્ડિયા બ્લોકને ગયા હોય તેવા સંકેત છે. વડાપ્રધાન દરેક ચૂંટણીમાં મોંઘું શિક્ષણ, બેરોજગારી, બેકારી જેવા મુદ્દાઓને સાઈડલાઈન કરીને રામમંદિર, પાકિસ્તાન, ધર્મ જેવા ભાવનાત્મક મુદ્દાઓ પર રમતા હતા. 10 વર્ષથી વડાપ્રધાનની એકની એક રેકર્ડ સાંભળીને યુવાનો કંટાળી ચૂક્યા હતા. તેમને પરિવર્તન જોઈતું હતું અને તેમાં ઈન્ડિયા ગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો બરાબર ફીટ બેસતો હતો.

૫. કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારનો પણ પ્રભાવ

એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસની ન્યાયની સ્કીમ ચાલી ગઈ. ન્યાય યોજના તો રાહુલ ગાંધી ૨૦૧૯માં પણ લાવ્યા હતા, પરંતુ સમજાવી શક્યા ન હતા. આ વખતે તેમાં કંઈક એડ ઓન ફીચર જોડવામાં આવ્યા, અને તે લાગે છે કે કામ કરી ગયા છે. રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ તરફથી ૫ ન્યાય ૨૫ ગેરંટીનું વચન આપ્યું હતું. અને ત્યારથી સમગ્ર ચૂંટણી કેમ્પેઈનમાં કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દા પર ભાર મૂક્યો. જેમાં યુવા ન્યાય હેઠળ પહેલી નોકરી પાક્કી અને મહિલા ન્યાય હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયાનું વચન પણ અસરદાર સાબિત થયું હોય તેવું લાગે છે.

આ પણ વાંચો: વોટ આપતી વેળાનું ચિંતન


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • સામંત પરમાર
    સામંત પરમાર
    ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ પાર્ટીએ ભાજપને જે ફાઈટ આપી છે તેમાં મુખ્ય મુદ્દો બંધારણ હટાવવાનો મુદ્દો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું અને જ્યાં પણ રાહુલ ગાંધી જાય ત્યાં બંધારણની હાખમાં રહે તેવી નાની કોપી પણ બતાવતા હતા બીજું ખાસ અનુસુચિત જાતિના મલ્લિકા ખડગે ને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને ભાજપ તરફ ખેંચાતા અનુસૂચિત જાતિના લોકોને કોંગ્રેસ પાર્ટીએ પોતાના તરફ ખેંચવામાં સફળ રહી છે.. જે કામ અગાઉ બાપુ વખતે કોંગ્રેસ સરકારે જે થીયરી અપનાવી હતી એ જ થિયરી આ વખતે પણ અપનાવવામાં આવી છે ત્યારે ગુજરાતમાં જુનાગઢ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો અને અત્યાચાર થયો છે તે બાબત પર રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છતાં પણ એક શબ્દ બોલ્યા નથી તે અનુસૂચિત જાતિના લોકો માટે વિચારવા લાયક છે ઘટના છે
    4 months ago