ચંદ્રાબાબુ નાયડુઃ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત....

એક સમયે જેમની રાજકીય કરિયર પતી ગઈ હોવાનું કહેવાતું હતું તે ચંદ્રાબાબુ અચાનક કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે.

ચંદ્રાબાબુ નાયડુઃ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત....
all image credit - Google images

ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ આંધ્રપ્રદેશમાં જબરજસ્ત કમબેક કરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે. એક બાજુ તેણે જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસના સૂપડા સાફ કરીને વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત મેળવી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ મોદી સરકાર બનશે કે નહીં તે મામલામાં કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. એક સમયે જેમની રાજકીય કરિયર સાવ પતી ગઈ હોવાનું કહેવાતું હતું તે ચંદ્રાબાબુની આ કહાની ભારતીય રાજકારણની અસલી તાસીરને રજૂ કરે છે.

પોતાના જુનિયર જગન મોહન રેડ્ડી પાસેથી નિરાશાજનક હાર સહન કર્યાના પાંચ વર્ષ પછી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને જંગી જીત તરફ લઈ ગયા છે. રાજ્યમાં ભાજપ અને જનસેના પાર્ટી પણ તેમની સાથે ગઠબંધનમાં છે. તાજેતરના મત ગણતરીના ડેટા અનુસાર ટીડીપી ૧૭૫ સભ્યોની વિધાનસભામાં બે બેઠકો જીતી છે અને ૧૩૦ બેઠકો પર આગળ છે, જ્યારે તેના સહયોગી ભાજપ સાત બેઠકો પર અને જનસેના પાર્ટી ૨૦ બેઠકો પર આગળ છે. આઉટગોઈંગ એસેમ્બલીમાં ટીડીપીના ૨૩ સભ્યો છે. તે જ સમયે, લોકસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં, ચંદ્રબાબુ નાયડુની ટીડીપી ૨૫માંથી ૧૬ બેઠકો પર આગળ છે. તેથી તેઓ કેન્દ્રમાં મોદી સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

13 વર્ષ સુધી સીએમ તરીકેનો અનુભવ કામ લાગ્યો

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાયડુની રાજ્ય સીઆઇડી દ્વારા કૌશલ્ય વિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેણે ફરી પોતાની જાતને રાજકીય રીતે સાબિત કરી છે. ટીડીપીએ લોકસભા ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને પાર્ટી કુલ ૨૫માંથી ૧૬ સીટો પર આગળ છે, જ્યારે તેના સહયોગી ભાજપ અને જનસેના પાર્ટી અનુક્રમે ૩ અને બે સીટો પર આગળ છે. અલગ-અલગ સમયે ૧૩ વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહીને ઘણા રેકોર્ડ બનાવનારા નાયડુને તેમના રાજ્યને આઈટી ક્ષેત્રમાં અગ્રણી સ્થાન પર લઈ જવાનો શ્રેય આપવામાં આવે છે અને તેઓ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ એક કુશળ વ્યૂહરચનાકાર પણ છે. 13 વર્ષ સુધી સીએમ રહેનાર ચંદ્રાબાબુને આખરે તેમનો એ અનુભવ કામે લાગ્યો છે અને ફરી તેઓ આંધ્રપ્રદેશ અને કેન્દ્રના રાજકારણના સેન્ટરમાં આવી ગયા છે.

ભાજપ સામે પડીને મુસ્લિમ અનામતની તરફેણ ફળી

નાયડુએ માર્ચ ૨૦૧૮માં આંધ્ર પ્રદેશના વિશેષ દરજ્જાને લઈને એનડીએ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ ૨૦૧૯ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં કારમી હાર તેમને રાજકીય પૃષ્ઠભૂમિ તરફ ધકેલી દીધી હતી. બરાબર છ વર્ષ પછી, માર્ચ ૨૦૨૪માં નાયડુ એનડીએમાં પાછા ફર્યા અને ભાજપ અને જનસેના સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડ્યા. ગઠબંધન હેઠળ રાજ્યની કુલ ૧૭૫ વિધાનસભા બેઠકોમાંથી, ટીડીપી ૧૪૪ બેઠકો પર, જનસેનાએ ૨૧ અને ભાજપે ૧૦ બેઠકો પર ચૂંટણી લડી હતી. રાજ્યમાં ભાજપ સાથે ગઠબંધનમાં હોવા છતાં નાયડુએ મુસ્લિમ આરક્ષણના મુદ્દે અલગ વલણ અપનાવ્યું અને મુસ્લિમ આરક્ષણની હિમાયત કરી. તેમણે ખુલ્લેઆમ કહ્યું, "અમે શરૂઆતથી જ મુસ્લિમો માટે ચાર ટકા આરક્ષણને સમર્થન આપીએ છીએ અને આ ચાલુ રહેશે." સામે ભાજપ અને વડાપ્રધાન મોદી ખુદ ગાઈ વગાડીને દેશભરમાં મુસ્લિમોને અનામત આપવાના મુદ્દાને ચગાવીને હિંદુ મતોનું ધ્રુવીકરણ કરાવી રહ્યા હતા. જો કે, ટીડીપીએ પોતાના મેનિફેસ્ટોમાં આ મુદ્દાથી પોતાને દૂર રાખ્યો છે."

વિદ્યાર્થી નેતામાંથી સીએમ સુધી પહોંચ્યા

નાયડુ માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. તેમણે ૧૯૯૬ અને ૧૯૯૮ની લોકસભા ચૂંટણી દરમિયાન સંયુક્ત મોરચાનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી સરકારને સમર્થન આપતા પહેલા તેઓ સંયુક્ત મોરચાના કન્વીનર હતા. નાયડુ એનડીએના કન્વીનર પણ હતા. એન. ચંદ્રાબાબુ નાયડુનો જન્મ ૨૦ એપ્રિલ ૧૯૫૦ના રોજ આંધ્ર પ્રદેશના નાનકડા ગામ નરવરીપલ્લેમાં થયો હતો. તેમના પિતા એન ખરાજુરા નાયડુ એક ખેડૂત હતા અને તેમની માતા અમ્માનમ્મા ગૃહિણી હતી. નાયડુએ તેમનું પ્રાથમિક શિક્ષણ શેષાપુરમની એક શાળામાંથી અને ૧૦મું ચંદ્રગિરીની સરકારી શાળામાંથી કર્યું હતું. આ પછી, તેમણે ૧૯૭૨માં તિરુપતિની શ્રી વેંકટેશ્વરા આર્ટસ કોલેજમાંથી સ્નાતક થયા અને વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કર્યું. તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી પણ કર્યું છે.

નાયડુની રાજકીય સફર ૧૯૭૦ ના દાયકામાં શરૂ થઈ હતી અને તેમના અનુસ્નાતક અભ્યાસ દરમિયાન, તેઓ શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના નેતા તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ યુથ કોંગ્રેસમાં જોડાયા અને પછી આંધ્ર પ્રદેશની પ્રાદેશિક પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)માં ગયા.

ડબલ સફળતાથી સૌને ચોંકાવ્યા

હવે ફરી આંધ્ર પ્રદેશમાં ટીડીપીએ આશ્ચર્યજનક બેવડા પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા છે. એકબાજુ તેણે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત સાથે પુનરાગમન કર્યું છે, તો બીજી તરફ લોકસભામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ટીડીપી ૧૬ સીટો પર આગળ છે અને આ 16 સીટો ભાજપ માટે કેટલી મહત્વની છે તે સૌ જાણે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રબાબુ નાયડુ ૯ જૂને આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લઈ શકે છે. જગન મોહન રેડ્ડી સામે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક રીતે હારી ગયેલા નાયડુ ફરી એકવાર કિંગ મેકર તરીકે ઉભરી આવ્યા છે. દલિત-બહુજન સમાજે કથિત સવર્ણ નાયડુની આ કહાનીમાંથી ઘણું બધું ગ્રહણ કરવા જેવું છે. કપરી પરિસ્થિતિમાં હાર ન માનવી, લક્ષ્ય તરફ એકાગ્રતાથી મંડ્યા રહીશું તો ચોક્કસ તેને પામીશું.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ઠાકોર સમાજના ગેનીબેને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.