પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી
પશ્ચિમ બંગાળમાં ભાજપના એક નેતાએ એક મહિલાના ઘરમાં ઘૂસી જઈ તેને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર ઢસડીને માર માર્યાનું સામે આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે સતત સત્તાનો જંગ ચાલતો રહે છે. એકબાજુ કોલકાતા રેપ મામલે ભાજપ મમતા સરકારને ઘેરી રહી છે, બીજી તરફ ભાજપના એક નેતા ટીએમસીમાં જોડાયેલી તેમની એક પૂર્વ કાર્યકરને નિર્વસ્ત્ર કરીને તેને જાહેરમાં ઢસડીને ઢોર માર માર્યાનો આરોપ લાગ્યો છે. હાલ ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે.
ઘટના પશ્ચિમ બંગાળના નંદીગ્રામની છે. અહીં ભાજપના એક બૂથ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બુથ પ્રમુખ તાપસ દાસના સહયોગીઓએ મહિલાના ઘરમાં ઘુસીને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. મહિલા તાજેતરમાં જ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાઈ હતી. આરોપ છે કે તાપસ દાસે અન્ય લોકો સાથે મળીને તેને નગ્ન અવસ્થામાં રસ્તા પર ખેંચી ગયા હતા. ટીએમસીએ પીડિતાને મળવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.
ભાજપનું કહેવું છે કે આ પારિવારિક વિવાદ હતો અને તેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. આ ઘટના ગોકુલનગરના પંચાનંતલામાં બની હતી. ઘાયલ મહિલાને નંદીગ્રામ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા
પીડિતાનો આરોપ છે કે શુક્રવારે રાત્રે તે તેના પુત્ર અને પુત્રી સાથે ઘરે હતી. ત્યારે કેટલાક લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને ઢોર માર મારી ઘરની બહાર ઢસડી ગયા હતા. આ પછી, લોકો તેને આખા ગામમાં કપડાં ઉતારી ફેરવી હતી. અને માર માર્યો હતો
તેણીએ કહ્યું, હું પહેલા ભાજપમાં હતી પરંતુ તાજેતરની ચૂંટણીમાં ટીએમસીમાં જોડાઈ હતી. થોડા દિવસો પહેલા પણ તે લોકોએ મને માર માર્યો હતો અને આખા ગામમાં મને બદનામ કરી હતી. ત્યારે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શુક્રવારે પણ આ જ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ સર્જાયું હતું. નંદીગ્રામ ફર્સ્ટ બ્લોક બીજેપી કોઓર્ડિનેટર અભિજીત મૈતીએ મહિલા પર હુમલાની નિંદા કરી છે અને કહ્યંં છે કે તેનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. અમારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
નંદીગ્રામના ટીએમસી અધિકારી શેખ સુફિયાને કહ્યું, મહિલાનો એકમાત્ર ગુનો એ છે કે તે ટીએમસીમાં જોડાઈ હતી. તેના પર ફરીથી ભાજપમાં જોડાવાનું દબાણ હતું. જ્યારે તેણે ના પાડી તો તેના કપડાં કાઢી માર મારવામાં આવ્યો હતો. અમે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. પીડિતાને મળવા આવેલા ટીએમસીના પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ કુણાલ ઘોષ પણ સામેલ હતા.
આ પણ વાંચો: 13 વર્ષની દલિત સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ભાજપ નેતાની સંડોવણી