13 વર્ષની દલિત સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ભાજપ નેતાની સંડોવણી

13 વર્ષની દલિત સગીરાને આરોપીઓએ બિયર પીવડાવી ગેંગ રેપ કર્યો. પીડિતા પ્રેમી પાસે મદદ માંગવા ગઈ તો તેણે પણ રેપ કર્યો અને પછી મારીને રસ્તે ફેંકી દીધી.

13 વર્ષની દલિત સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ભાજપ નેતાની સંડોવણી
image credit - Google images

કોઈપણ ગંભીર ગુનાનો મામલો હોય ત્યારે આપણા સવર્ણ જાતિવાદી મીડિયાનું પોત તરત પ્રકાશિત થઈ જતું હોય છે. અહીં આપણે જે કેસની વાત કરવા જઈ રહ્યાં છીએ તેમાં પણ આવું જ બન્યું છે. 13 વર્ષની જે સગીરા પર ગેંગ રેપ થયો તે દલિત સમાજની દીકરી છે તે શોધતા અમને બે કલાક જેટલો સમય લાગ્યો. એ પણ ભીમ આર્મીના એક નેતાના નિવેદન પરથી ખ્યાલ આવ્યો. બાકી જાતિવાદી સવર્ણ તરફી આપણા કોર્પોરેટ મીડિયાના એકપણ રિપોર્ટમાં ક્યાંય પણ મૃતક સગીરા દલિત સમાજની દીકરી હતી તેનો ઉલ્લેખ નહોતો. તેની સામે જો યુવતી બ્રાહ્મણ કે કથિત ઉચ્ચ જાતિની હોત તો આ જ જાતિવાદી મીડિયા તેની જાતિની દુહાઈ આપીને ન્યાય આપો, ન્યાય આપોની રાડારાડી કરતું હોત. બીજું કંઈ થાય કે ન થાય પરંતુ કમ સે કમ તેની જાતિ તો ચોક્કસ જાહેર કરી દેત. સહાનુભૂતિવાળા રિપોર્ટ બનાવત, તેમના એન્કરો આરોપીઓને કડકમાં કડક સજા કરવાની વાતો કરતા હોત. 

પણ અહીં મામલો ઉલટો છે, પીડિતા દલિત સમાજની છે એ બાબત જ છુપાવી દેવામાં આવી છે, જેથી દલિતો, આદિવાસીઓ સુધી આ સમાચાર જ ન પહોંચે અને તેમને તેમના સમાજની દીકરીઓ પર શું વીતી રહ્યું છે તેની ખબર જ ન પડે. આ રમત વર્ષોથી ચાલી આવે છે અને તેના કારણે દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને ઓબીસી સમાજને તેમની સાથે શું શું થઈ રહ્યું છે તેનો વાસ્તવિક ચિતાર જ નથી મળતો.

આ કેસમાં ભાજપના નેતાની સંડોવણી પણ સામે આવી છે. આરોપીઓ ભાજપના નેતાની નજીકના લોકો છે અને ખુદ નેતાએ પુરાવાનો નાશ કરવામાં મદદ કરી હોવાના આરોપો લાગ્યા છે. આટલો ગંભીર મામલો હોવા છતાં જાતિવાદી મીડિયાને તેમાં રસ નથી પડતો. અને જો તેઓ રિપોર્ટ બનાવે પણ છે, તો તે પીડિતા સગીરાની દલિત જાતિ છુપાવી રાખીને લખે છે. મનુવાદી મીડિયાની આ લુચ્ચાઈથી બચવાનો એક જ ઉપાય છે કે, ખબરઅંતર.કોમ જેવા આપણા પોતાના મીડિયાને મજબૂત કરીએ. ભારે સંશોધન કરીને તૈયાર થતી તેની સ્ટોરી વાંચીએ, વંચાવીએ અને વધુને વધુ લોકોને તે વાંચવા પ્રેરણા આપીએ.

આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવીએ. મામલો ઉત્તરાખંડના હરિદ્વારનો છે. અહીં બહાદરાબાદ પોલીસ સ્ટેશનનના શાંતરશાહ વિસ્તારમાંથી એક 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરી હત્યા કરી દેવાયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિતાની માંએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાના આ મામલામાં અમિત સૈની અને રાજ્યના ઓબીસી કમિશનના ચેરમેન આદિત્ય રાજ સૈનીને આરોપી બનાવવામાં આવ્યા છે. સગીરાની લાશ પતંજલિ રિસર્ચ સેન્ટર સામેથી મળી આવી હતી.

આ પણ વાંચો: તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?

બહાદરાબાદ પોલીસને 24 જૂનને સોમવારે હરિદ્વાર-દિલ્હી હાઈવે પાસેથી સગીરાની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી હતી. મોડી રાત્રે તેની ઓળખ બાદ તેની માતાએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 23 જૂનની સાંજે અમિત સૈની સગીરાને પોતાની સાથે લઈ ગયો હતો. મોડી રાત સુધી દીકરી પરત ન ફરી એટલે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, પણ ફોન અમિત સૈનીએ ઉપાડ્યો હતો. તેણે સગીરા તેની સાથે હોવાની અને તે થોડીવારમાં ઘરે પહોંચી જશે તેમ કહ્યું હતું. જો કે, એ પછી સગીરાનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.

દીકરી સવારે પણ પરત ન ફરતા તેની માતા અમિત સૈનીના સંબંધી અને પછાત વર્ગ આયોગના સભ્ય આદિત્ય રાજ સૈનીને મળી હતી, પણ તેણે કોઈ મદદ કરી નહોતી. સગીરાની માતાનો આરોપ છે કે, અમિત સૈની છ મહિનાથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.

ફરિયાદમાં માતાએ આરોપ લગાવ્યો છે કે, અમિત અને આદિત્ય રાજે ગેંગરેપ કરીને તેમની દીકરીની હત્યા કરી દીધી છે. ફરિયાદના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગેંગરેપ, હત્યા અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે. આદિત્ય રાજ ભાજપમાં જુદા જુદા પદો પર રહી ચૂક્યો છે.

હત્યાના બીજા દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગામના સ્મશાનમાં સગીરાની અંતિમવિધિ કરવામાં આવી હતી. આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

બીજી તરફ સમગ્ર અંતિમ સંસ્કાર પહેલા  ભીમ આર્મીના કાર્યકરોએ જિલ્લા હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. તેમને પોલીસે સમજાવીને શાંત પાડ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સગીરાની લાશનું પોસ્ટમોર્ટમ ડોક્ટરોની પેનલ દ્વારા કરાવવામાં આવ્યું અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.

દરમિયાન હરિદ્વાર પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 3 આરોપી હજુ પણ ફરાર છે. SSP પ્રમેન્દ્ર ડોભાલે કહ્યું કે આ કેસમાં બીજેપી નેતા આદિત્ય રાજ ​​સૈનીને 120B હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે.

6 આરોપીઓની ધરપકડ, ભાજપ નેતા સહિત 3 ફરાર

આ મામલામાં પોલીસે ગઈકાલે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે ભાજપના નેતા સહિત 3 આરોપીઓ હજુ પણ ફરાર છે. હરિદ્વારના એસએસપીએ જણાવ્યું છે કે, તપાસ માટે હરિદ્વાર પોલીસ દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીરા 6 મહિનાથી અમિત સૈનીના સંપર્કમાં હતી.

આ પણ વાંચો: મજૂરીના પૈસા માંગતા દલિત યુવકને જાહેરમાં ઉઠકબેઠક કરાવી માફી મગાવી

એસએસપી પ્રમેન્દ્ર ડોભાલે વધુમાં જણાવ્યું કે, ઘટના પહેલા 23 જૂનની રાત્રે સગીરા તેના મિત્ર નિતિનનો ફોન આવતા તેને મળવા ગઈ હતી, જ્યાં નિતિનના મિત્રો નિખિલ, તુષાર અને મૌસમ મળ્યા હતા. એ પછી બધાંએ મળીને સગીરાને બિયર પીવડાવી હતી. જેનો નશો ચડતા જ નિખિલ અને નિતિને તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી તુષાર અને તેના મિત્ર મૌસમે પણ બળાત્કારનો પ્રયત્ન કર્યો, પણ કોઈ લોકો આવી જતા તેઓ સગીરાને તેના ઘર નજીક છોડીને ભાગી ગયા હતા.

જો કે, બળાત્કારનો ભોગ બનેલી સગીરા ઘરે જવાને બદલે પ્રેમી અમિત સૈનીના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં અમિત સૈનીએ પણ તેની પર બળાત્કાર કર્યો હતો. આ પછી અમિત સૈની અને સગીરા વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ, જેના કારણે અમિતના પરિવારજનો પણ બહાર આવી ગયા હતા. એ પછી તેમની સામે જ અમિતે સગીરાને માર માર્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ હત્યાને છુપાવવા માટે અમિત સૈની તેની લાશને હાઇવે પર મૂકી આવ્યો હતો જેથી હત્યા અકસ્માત જેવી લાગે.

સગીરા મોડે સુધી પરત ન ફરતા તેની માતાએ અમિત સૈનીના પરિવારજન અને સ્થાનિક ભાજપ નેતા આદિત્ય રાજ સૈનીનો સંપર્ક કરીને મદદ માંગી હતી. પણ તેણે કોઈ મદદ કરી નહોતી. કેમ કે તે જાણતો હતો કે સગીરાની હત્યા થઈ ગઈ છે અને તે વાત તેણે સગીરાની માતા અને પોલીસ બંનેથી છુપાવી રાખી હતી. આ ઘટનાની તપાસ બાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે.

જો કે આદિત્ય રાજ સૈની સહિતના ત્રણ મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. અગાઉ આખો મામલો સામે આવતા ભાજપે 26 જૂને આદિત્ય રાજ સૈનીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે જ તેમને પછાત વર્ગ આયોગના સભ્ય પદેથી પણ હટાવી દીધા હતા. પણ કેસમાં તેની સ્પષ્ટ ભૂમિકા હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી શકી નથી.

આ પણ વાંચો: બળાત્કારનો કેસ પાછો ખેંચાવવા દલિત મહિલા પર 8 ખોટી ફરિયાદો કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.