મજૂરીના પૈસા માંગતા દલિત યુવકને જાહેરમાં ઉઠકબેઠક કરાવી માફી મગાવી

મજૂરી કરીને પેટિયું રળતા એક દલિત યુવકે બે દિવસની મજૂરીના બાકી પૈસા માંગ્યા તો માથાભારે તત્વોએ તેને જાહેરમાં ઉઠકબેઠક કરાવી, જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો.

મજૂરીના પૈસા માંગતા દલિત યુવકને જાહેરમાં ઉઠકબેઠક કરાવી માફી મગાવી
all image credit - Google images

ગામડાઓમાં આજે પણ જાતિવાદી તત્વો પોતાને કાયદાથી પર સમજે છે અને દલિતો પર અત્યાચાર કરવાની અને તેમના પર ધાક જમાવી રાખવાની એક પણ તક જતી નથી કરતા. આવી સેંકડો ઘટનાઓ દેશના લાખો ગામડાઓમાં દરરોજ ખૂણેખાંચરે બનતી રહે છે. જેમાંથી ખૂબ જ ઓછી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. જો તમામ ઘટનાઓ નોંધાય તો પોલીસના ચોપડા ખૂટી પડે તેમ છે. સાવ સામાન્ય બાબતમાં પણ જાતિવાદી માથાભારે તત્વો દલિતોને માર મારવાથી કે જાહેરમાં અપમાનિત કરવાથી બાજ આવતા નથી. કોઈપણ સ્વમાની માણસથી સહન ન થાય તે પ્રકારના અપમાનો તેઓ દલિતો સાથે કરતા હોય છે.

આવી જ એક અપમાનજનક ઘટના હાલ સામે આવી છે. જેમાં એક દલિત મજૂરે તેની બે દિવસની બાકી મજૂરીના પૈસા માગતા જાતિવાદી માથાભારે તત્વોએ તેને એક ઘરમાં પુરી આરોપીઓની સામે જ જાહેરમાં ઉઠકબેઠક કરાવી માફી મગાવી હતી. એટલું જ નહીં તેમણે મજૂરને બળજબરીથી આરોપીઓના પગ પકડાવ્યા હતા, પેશાબ પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડીને હડધૂત કર્યો હતો.

યુપીના દેવબંધ જિલ્લાની ઘટના

મામલો જાતિવાદી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના દેવબંધ જિલ્લાના ગંગાસપુર ગુડગજપુર ગામમાં રહેતા એક દલિત યુવકને મજૂરી માંગવાની તાલિબાની સજા આપવામાં આવી હતી. મજૂરીના પૈસા માંગનાર યુવકને ન માત્ર જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી પરંતુ તેને ભરી પંચાયતમાં ઉઠકબેઠક કરાવવામાં આવી હતી. તેને બળજબરીથી આરોપીઓના પગ પકડવા કહેવામાં આવ્યું હતું. મૂર્ખ આરોપીઓએ પાછો આ આખી ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો, જે થોડા સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા આખો મામલો ભીમ આર્મી સુધી પહોંચ્યો હતો અને તેમણે પીડિત મજૂરને સાથે રાખીને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી

પીડિત યુવકની ભાભી રીતાએ પોલીસને જણાવ્યા પ્રમાણે, તેઓ ગંગાસપુર ગુડગજપુર ગામમાં રહે છે. તેમનો દિયર મનુ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગામના એક માથાભારે વ્યક્તિને ત્યાં તે મજૂરી કરવા ગયો હતો, જેના પૈસા તેણે તેની પાસે માંગ્યા હતા. જેનાથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે મનુને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યો હતો. એ પછી તેણે મનુ અને તેના પિતા રામદાસને સમાધાન કરવાના બહાને પરાણે એક ઘરમાં બોલાવ્યા હતા. જ્યાં પહેલેથી જ આરોપીઓ અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત હતા. અહીં બધાંએ મળીને પીડિત યુવક અને તેના પિતાને કારણ વિના જ સૌની વચ્ચે જાતિસૂચક ગાળો ભાંડીને ભયંકર રીતે અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં તેને જાહેરમાં ઉઠકબેઠક કરવા મજબૂર કર્યા હતા અને તેમને મજૂરીના પૈસા માગવા બદલ માફી માંગવા કહ્યું હતું અને પરાણે આરોપીઓના પગ પકડીને ભૂલ થઈ ગઈ હોવાનું કહીને માફી માંગવા મજબૂર કર્યા હતા. આરોપીઓએ આ આખી ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે ભીમ આર્મીના કાર્યકરો સુધી પહોંચી જતા તેઓ તરત એક્શનમાં આવ્યા હતા અને પીડિત પિતા-પુત્રને શોધી કાઢી, તેમને હિંમત અપાવીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

પીડિત યુવકને પેશાબ પીવડાવવા પ્રયત્ન કરાયો હતો

પીડિત પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચેલા દેવબંધ વિસ્તારના ભીમ આર્મીના અધ્યક્ષ શૌર્ય આંબેડકરે જણાવ્યું હતું કે, આ આખી ઘટનાથી દલિત સમાજનું અપમાન થયું છે. માથાભારે તત્વો સામે ફરિયાદ આપી દેવામાં આવી છે. જો તેમની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ન થઈ તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને વિરોધ નોંધાવીશું. આ લોકોએ યુવકને સમાધાનના નામે બોલાવીને જાહેરમાં માફી મગાવી હતી. એટલું જ નહીં તેને બળજબરીથી પેશાબ પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેના પિતાને પણ જાતિસૂચક ગાળો ભાંડી હતી.

પોલીસે જવાબ આપ્યો

આ મામલે સહારનપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જવાબ આપતા લખ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. એસપી ગ્રામ્ય સાગર જૈને જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ એસસી એસટી એક્ટ ઉપરાંત બીજી પણ અનેક કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ દેવબંધ પોલીસને સોંપી દેવાઈ છે.

આ પણ વાંચો: દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.