આરામ કરી રહેલા દલિત મજૂરના મોં પર માથાભારે શખ્સે પેશાબ કર્યો

મધ્યપ્રદેશના સીધીકાંડ જેવી ઘટના ફરી બની છે. એક દલિત મજૂર આરામ કરી રહ્યો હતો ત્યારે તેને જગાડવા માટે માથાભારે શખ્સે તેના મોં પર પેશાબ કર્યો હતો.

આરામ કરી રહેલા દલિત મજૂરના મોં પર માથાભારે શખ્સે પેશાબ કર્યો
image credit - Google images

જેના વિશે આપણને વિચારતા પણ કંપારી છુટી જાય એવા અત્યાચારો માથાભારે તત્વો દલિતો પર કરતા જરાય ખચકાટ નથી અનુભવતા. મધ્યપ્રદેશનો સીધીકાંડ કેમ કરીને ભૂલાય. જેમાં એક માથાભારે શખ્સે અસ્થિર મગજના એક દલિત યુવકના મોં પર પેશાબ કરીને તેનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર ભારતમાં હાહાકાર મચાવી દીધો હતો. તત્કાલિન મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણે ડેમેજ કંટ્રોલ કરવા માટે પીડિતના પગ ધોવાનું નાટક કર્યું હતું અને તેને સરકારી સહાય આપવાની વાત કરી હતી. જો કે, સરકારે વાયદો પાળ્યો નહોતો અને યુવકનું ઘર પણ સમયસર બન્યું નહોતું.

વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

હવે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માથાભારે વ્યક્તિએ મજૂરીકામ કર્યા બાદ થાકીને આરામ કરી રહેલા દલિત મજૂરને જગાડવા માટે તેના મોં પર પેશાબ કર્યો હતો. એટલું જ નહીં તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મામલો પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં પાટનગર લખનઉમ પાસે જ આ શરમજનક ઘટના બની છે. અહીંના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચંદિયા ખેડા ગામમાં રાજકુમાર રાવત પોતાના પરિવાર સાથે રહે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. મળતી માહિતી પ્રમાણે રાજકુમાર મજૂરી કામ કર્યા બાદ આરામ કરી રહ્યો હતો. જેને જગાડવા માટે આરોપી સંજય મૌર્યાએ તેને અવાજ કરીને જગાડવાને બદલે સીધો તેના મોં પર પેશાબ કર્યો હતો અને તેને માર માર્યો હતો. આખી ઘટનાથી હતપ્રભ થઈ ગયેલા રાજકુમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે.

આ પણ વાંચો: માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.