માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી

જાતિવાદી તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારોના 40 સભ્યો ઘર વેચવા કાઢીને ગામ છોડવા મજબૂર બન્યાં.

માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી

મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ફિલ્મ 'સૈરાટ' જોઈ હશે તેમને તેનો અંત આજે પણ યાદ હશે. લોહીના ખાબોચિયામાં દલિત યુવક અને કથિત ઉચ્ચ જાતિની યુવતી, જેમણે પ્રેમ લગ્ન કર્યા હતા તેમની તેના જ ભાઈ સહિતના પરિવારજનોએ હત્યા કરી નાખી હોય છે. જાતિવાદી તત્વો આજે પણ તેમના સમાજની કોઈ યુવતી અન્ય સમાજ, ખાસ કરીને અનુસૂચિત જાતિના યુવક સાથે પ્રેમ કે લગ્ન કરે તો સાંખી શકતા નથી. પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં કથિત સવર્ણ સમાજમાં ખાસ કરીને ગામડાઓમાં યુવતીઓએ એકલા ઘરની બહાર નીકળવું લગભગ અશક્ય હોય છે. તેમની પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદેલા હોય છે. તેમ છતા જો તેને કોઈની સાથે પ્રેમ થઈ જાય અને જો તેનો પ્રેમી યુવક દલિત સમાજનો હોય તો જાતિવાદી તત્વો તરત તેને પાઠ ભણાવવા પર ઉતરી આવે છે. બહુમતી કેસોમાં યુવકનું ખૂન થઈ જાય છે અને યુવકનો પરિવાર નોંધારો થઈ જાય છે. એ પછી પણ યુવતીના માથાભારે પરિવારજનો અને સમાજ યુવકના પરિવારને હેરાન કરવામાં કોઈ કચાશ રાખતા નથી. આ હેરાનગતિ અને પરિવારના અન્ય લોકોની સલામતી ખાતર છેલ્લે આખો પરિવાર કે કુટુંબે વતન છોડીને સ્થળાંતર કરવા મજબૂર થવું પડે છે. આ ગામેગામની કહાની છે અને જે વડીલોએ ગામડાઓમાં વર્ષો વિતાવ્યા છે તેઓ આ વાત સાથે સો ટકા સહમત થશે.

આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. જ્યાં અનુસૂચિત જાતિ સમાજના એક યુવકને તેના ઘરની સામે રહેતી એક કથિત સવર્ણ યુવતી સાથે પ્રેમ થયો હતો. પણ યુવતી કોઈ અન્યને પ્રેમ કરતી હોવાથી તેણે તેના પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરાવી નાખી હતી. એ પછી આરોપીઓ દ્વારા યુવકના પરિવારજનો પર સમાધાન માટે દબાણ કરવામાં આવતું હતું અને ધમકીઓ આપવામાં આવતી હતી. પોલીસમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક ભાજપના નેતાના દબાણને કારણે પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી નહોતી. આખરે મૃતક યુવકના 5 પરિવારોના 40 જેટલા લોકોએ ઘર વેચવા કાઢ્યું હતું અને ગામ છોડીને હિજરત કરી ગયા હતા. તેમના સ્થળાંતરની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસે તેમને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ પરિવારજનો તેનું માન્યા નહોતા. 

આ પણ વાંચો: દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી

પરિવારજનોનો આરોપ છે કે, પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી નથી કરી રહી. ભાજપના સ્થાનિક નેતાનો સહકાર હોવાથી આરોપીઓ તેમને દરરોજ આવીને મારી નાખવાની ધમકી આપે છે. આ સ્થિતિમાં તેમની પાસે ઘર-ગામ છોડીને અન્યત્ર હિજરત કરી જવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ઘટના શું હતી?

મામલો દેશના સૌથી કટ્ટર જાતિવાદી ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં મેરઠ જિલ્લામાં દલિત પરિવારના સ્થળાંતરની ભયાનક તસવીર સામે આવી છે. અહીંના સરૂરપુર વિસ્તારમાં બે મહિના પહેલા થયેલી દલિત યુવકની હત્યા બાદ યુવકના પરિવારના 40થી વધુ લોકોએ ગામ છોડી દીધું હતું. આ તમામ લોકો ડાહર ગામના રહેવાસી છે. હત્યા બાદ તેના પર સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. 

આ પણ વાંચો: પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે

મળતી માહિતી પ્રમાણે મેરઠના ડાહરમાં રહેતા આ દલિત પરિવારના યુવક ગૌરવને પડોશમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જે કશ્યપ સમુદાયની હતી. ગૌરવ યુવતીને પ્રેમ કરતો હતો પણ યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો. આથી ગૌરવનો કાંટો કાઢી નાખવા માટે તેણે પ્રેમી સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું અને 10 માર્ચે બહુસુમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જંગલમાં ગૌરવની હત્યા કરી દેવામાં આવી હતી. ગૌરવની હત્યાનો આરોપ યુવતીના પરિવારજનો અને તેના મિત્રો પર લાગેલો છે અને તેમાં ભાજપના સ્થાનિક નેતાની પણ સંડોવણી સામે આવી છે.

સ્થળાંતર પાછળ માથાભારે તત્વોની બીક

મૃતક ગૌરવના પિતા રાકેશ, કાકા રામનિવાસ, મહેન્દ્ર, રાજેન્દ્ર અને દાદી રોશની સહિત પરિવારના 40 સભ્યો ગામ છોડીને ચાલ્યા ગયા છે. ઘર અને વતન છોડવા પાછળનું કારણ તેમણે યુવતીના પરિવારજનોની ધાકધમકી અને ગુંડાગીરીને ગણાવી છે. તેમનો આરોપ છે કે, યુવતીના પરિવારજનો તેમને દરરોજ મારી નાખવાની ધમકી આપે છે તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. તેઓ સતત ડરમાં જીવી રહ્યાં છે. પરિવારના સભ્યો ક્યાંય કામ માટે જઈ શકતા નથી. તેમને સતત જીવનું જોખમ લાગે છે.

આ પણ વાંચો: દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?

આથી તેમણે ઘર વેચવા કાઢ્યું છે. ઘરના બારણાં પર તેમણે 'વેચવાનું છે' તેવું પોસ્ટર લગાવીને 40 સભ્યોનો આ પરિવાર આખરે ટ્રેક્ટરમાં સામાના લાદી, પોતાના પશુઓને સાથે લઈ જઈને વતન અને ઘર છોડીને અન્યત્ર રહેવા માટે સ્થળાંતર કરી ગયો છે. 

પોલીસ પર કાર્યવાહી નહીં કરવાનો આરોપ

ગૌરવના પરિવારજનોની હિજરતના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસે તેમને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ માન્યા નહોતા. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ અખિલેશ કુમાર ગૌરે જણાવ્યું હતું કે, હત્યાના કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પગલાં ન લેવાનો આક્ષેપ ખોટો છે.

ભાજપનો નેતા ફરાર

ગૌરવના પરિવારે જણાવ્યું હતું કે, પોલીસે હત્યાના આરોપમાં યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં યુવતીની સાથે મોહકમ અને ભાનુ ઉપરાંત ભાજપના એક નેતાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે કેસ નોંધીને ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે, પરંતુ ભાજપનો નેતા ફરાર છે અને તે તેના સાગરિતો દ્વારા પીડિત પરિવારને સમાધાન કરી લેવા માટે દબાણ કરી રહ્યો છે અને જો સમાધાન ન કર્યું તો મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી જીવના જોખમને કારણે પીડિત પરિવારે આખરે હિજરત કરવી પડી છે.

આ પણ વાંચો: અયોધ્યામાં દિવાળીની રાત્રે જ લાકડી-ધોકા વડે માર મારીને દલિત યુવકની ઘાતકી હત્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.