નશામાં ધૂત માથાભારે તત્વોએ દલિત યુવકનું પથ્થરથી માથું છુંદી નાખ્યું

18 વરસના એક દલિત યુવકે ગામના માથાભારે તત્વોના ખેતરમાં લાકડાં વીણવા જવાની ના પાડી તો, તેને રસ્તા પર જ પટકીને પથ્થરોથી માથું છુંદી નાખ્યું.

નશામાં ધૂત માથાભારે તત્વોએ દલિત યુવકનું પથ્થરથી માથું છુંદી નાખ્યું
image credit - Google images

લોકસભાની ચૂંટણીના પરિણામો અને નવી સરકારની રચનાની ચર્ચાનો માહોલ હજુ શમ્યો નથી ત્યાં દલિત અત્યાચારની વધુ એક મોટી ઘટના ઘટી છે. એક ગામમાં માથાભારે તત્વોએ એક દલિત યુવકની ફક્ત એ કારણોસર હત્યા કરી નાખી કેમ કે તેણે તેમના ખેતરમાં કામ પર જવાનો ઈનકાર કર્યો હતો. દલિત યુવક વહેલી સવારે તેની બાજુમાં આવેલા તેની દાદીના ઘરે જઈ રહ્યો હતો ત્યાં માથાભારે તત્વોએ તેને રોક્યો હતો અને તેને પૂછ્યું કે, તને તો ખેતરમાં લાકડા ભેગાં કરવા જવાનું કહ્યું હતું તો કેમ ન ગયો? જેના જવાબમાં યુવકે કહ્યું હતું કે મારે નથી જવું. જેનાથી ઉશ્કેરાયેલા માથાભારે શખ્સોએ તેને ત્યાં જ માર મારવાનું શરૂ કરી દીધું હતું અને પછી રોડ સાઈડમાં પડેલા મોટા પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતા યુવકના પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા અને તેને દવાખાને લઈ ગયા હતા. પણ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બીજી તરફ માથાભારે તત્વો તેનું ખૂન કરીને ફરાર થઈ ગયા હતા. હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવાઈ છે.

લુખ્ખા તત્વોની લુખ્ખાગીરી

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બાંદા જિલ્લાના ગિરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દલિત સમાજના શિવકરણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો 18 વરસનો દીકરો રત્નેશ સવારે પોતાના ઘરેથી તેની દાદી પાસે જઈ રહ્યો હતો. એ દરમિયાન રસ્તામાં ગામના કેટલાક લોકોએ તેને રોક્યો હતો અને તેને જાતિસૂચક ગાળો ભાંડીને કહ્યું હતું કે, "તને ખેતરમાં લાકડાં ભેગાં કરવા જવાનું કહ્યું હતું તો કેમ નથી ગયો. તું અત્યારે જ અમારી સાથે ચાલ, નહીંતર જાનથી મારી નાખીશું."

જેને લઈને રત્નેશે વિરોધ કર્યો હતો અને ખેતરે જવાનો ઈનકાર કરી દીધો હતો. જેનાથી માથાભારે તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે રત્નેશને રસ્તા પર પટકીને પથ્થરોથી તેના માથામાં ઘા કર્યા હતા. એ પછી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. એ દરમિયાન પથ્થરોથી માથું છુંદાઈ જવાથી રત્નેશનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. તેને દવાખાને લઈ જવાયો હતો જ્યાં જિલ્લા હોસ્પિટલના ડો. વિનીત સચાને તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક રત્નેશના પરિવારજનોએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે.

રત્નેશને ના પાડવાની સજા મળી

રત્નેશની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. પરિવારજનોનો આરોપ છે કે રત્નેશને કારણ વિના જ માથાભારે તત્વોએ મારી નાખ્યો હતો. તેનો વાંક ફક્ત એટલો જ હતો કે તેણે તેમના ખેતરે કામે જવાની ના પાડી હતી. જેના કારણે આ લુખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અંબુજા ત્રિવેદીનું કહેવું છે કે, 5 જૂનના રોજ ગિરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દલિત યુવક રત્નેશને ગામના કેટલાક માથાભારે તત્વોએ દારૂના નશામાં ધૂત થઈને માથામાં પથ્થરોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનોએ યુવકને દવાખાને પહોંચાડ્યો પણ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. અમે ફરિયાદ નોંધી લીધી છે આરોપીઓની શોધખોળ ચાલું છે.

સવર્ણ મીડિયાની ચાલાકી, આરોપીઓનું નામ-જાતિ છુપાવો

ખબરઅંતર.કોમ ને દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજ વિશેના સમાચારો આપના સુધી પહોંચાડતી વખતે આરોપીઓ કોણ છે તે શોધવામાં ભારે મહેનત કરવી પડે છે. કેમ કે, સવર્ણોને વફાદાર રહેલું મીડિયા દલિત અત્યાચારની ઘટનાઓમાં કાયમ આરોપીઓને છાવરે છે. આ ઘટનામાં પણ એવું જ થયું છે. દેશના સૌથી મોટા મીડિયા હાઉસ ઈન્ડિયા ટુડેએ પણ તેના રિપોર્ટમાં આ કેસમાં આરોપીઓ કોણ છે, કઈ જાતિના છે તેનો ઉલ્લેખ સુદ્ધાં ટાળ્યો છે. જે સ્પષ્ટ કરે છે તે, તેઓ કોને વફાદાર છે. આવી મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત મીડિયા હોય ત્યાં ખબરઅંતર.કોમનું કામ વધારે પડકારજનક બની જાય છે. આ રિપોર્ટમાં મૃતક વ્યક્તિ દલિત સમાજનો છે એ ખ્યાલ આવે છે, પણ આરોપીઓ કોણ છે, કઈ જાતિના છે તે મનુવાદી મીડિયાએ છુપાવ્યું છે. એક પણ રિપોર્ટમાં આરોપીઓના નામ લખવામાં નથી આવ્યા. જેના કારણે અમે પણ પતો લગાવી શક્યા નથી કે આરોપીઓ કોણ છે. ઈન્ડિયા ટુડેનો રિપોર્ટ તૈયાર કરનાર રિપોર્ટરનું નામ સિદ્ધાર્થ ગુપ્તા છે.

આ પણ વાંચો: ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.