ગુજરાતમાં પહેલીવાર અપક્ષ ઉમેદવારની ભવ્ય જીત થઈ

ગુજરાતમાં પહેલીવાર એક અપક્ષ ઉમેદવારની જીત છે, જ્યાં બે ટર્મના ભાજપના સાંસદને જાકારો આપીને લોકોએ સાવ નવા ઉમેદવારને જીતાડ્યા છે.

ગુજરાતમાં પહેલીવાર અપક્ષ ઉમેદવારની ભવ્ય જીત થઈ
image credit - Google images

ગુજરાતના રાજકારણના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે, અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીની જંગમાં ઘૂળ ચટાડી દીધી હોય. દીવ દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જંગ હતી. અહીં ત્રણ પાટીદાર ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમા ઉતર્યા હતા, પરંતુ અહી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે જંગી જીત હાંસિલ કરી છે. અપક્ષ ઉમેદવાર અંદાજિત ૬ હજાર કરતાં વધુ મતથી જીત્યા છે. ઉમેશ પટેલ પાસે કોઈ કાર્યકર્તાઓની ફૌજ ન હતી, તેઓ એકલા હાથે દીકરી સાથે મત માંગવા નીકળ્યા હતા. 

ઉમેશ પટેલ ખરેખર આ સફળતાના હકદાર છે. કારણ કે તેઓ એકલા હાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ ખરા. તેમના ચૂંટણી પ્રચારની સ્ટાઈલ લોકોને વધુ સ્પર્શી ગઈ હતી. કારણ કે, લોકો પાસેથી એક-એક રૂપિયો ભેગો કરીને તેઓ ચૂંટણી લડ્યા હતા. ફાળો માંગવા તેમણે પોતાના મત વિસ્તારમાં લોકોના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. 

સંઘ પ્રદેશ દમણ-દીવમાં મોટો અપસેટ સર્જાયો. ત્રણ વખતથી વિજેતા ભાજપના ઉમેદવાર લાલુ પટેલની હાર થઈ છે. તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે. પ્રશાસક પ્રફુલ પટેલથી મતદારો ભારે નારાજ હતા જેની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળી હતી. 

ઘરે ઘરે ફરીને ફાળો અને મત માંગ્યા

સંઘપ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે મતની સાથે લોકો પાસે ચૂંટણી લડવાનો ફાળો પણ માંગ્યો હતો અને લોકો પણ તેમને હોંશે હોંશે ફંડ આપ્યું હતું. ઉમેશ પટેલ એકલા હાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઉમેશ પટેલની સાથે તેમના કોઈ કાર્યકર્તાઓની ફોજ ન હતી. તેઓ ચૂંટણી પ્રચાર માટે એકલા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા. તેઓ મતદારો પાસે મત માગતા હતા અને સાથે તેમના ચરણ સ્પર્શ પણ કરતા હતા. હાથમાં ફંડ ફાળો એકત્રિત કરવા માટે ગલ્લો લઈને ઉમેશ પટેલ મતદારોને ઘરે ઘરે ફાળો, મત અને આશીર્વાદ માંગતા હતા. તેમની આ પ્રામાણિકતા અને સાદગી સંઘપ્રદેશના લોકોને સ્પર્શી ગઈ હતી અને ભાજપ કોંગ્રેસ જેવા જૂના પક્ષોના રીઢા રાજકારણીઓને બદલે લોકોએ અપક્ષ ઉમેશ પટેલ પર પસંદગી ઉતારી હતી. ઉમેશ પટેલની આ જીતથી સામાન્ય માણસનો પણ ચૂંટણી લડવાનો ઉત્સાહ જળવાઈ રહેશે.

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના અનેક મંત્રીઓ હાર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.