વિનોદ કાંબલીની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા
વિનોદ કાંબલી છેલ્લાં 10 વર્ષ કરતા વધુ સમયથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સામે લડી રહ્યાં છે. હવે શારીરિક સાથે તેમની આર્થિક સ્થિતિ પણ કથળી છે.

ટીમ ઈન્ડિયા એક સમયના સ્ટાર ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી છે. તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જોકે, જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાંબલીને શનિવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તબીબોએ તેમને કડક નિરીક્ષણ હેઠળ રાખ્યા છે.
લાંબા સમયથી આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહ્યાં છે
વિનોદ કાંબલી છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ તેમની આર્થિક સ્થિતિ પણ સારી નથી. કાંબલીએ કબૂલ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ ખરાબ છે. આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહેલા કાંબલીની આવકનો એકમાત્ર સ્ત્રોત તેમનું BCCI નું પેન્શન છે, જે દર મહિને રૂ. 30,000 છે.
તેમણે પોતે 2022માં આ વાતનો ખુલાસો કર્યો હતો. કાંબલી તેમના બે બાળકોની સંભાળ રાખવા માટે 15મી વખત રિહેબમાં જવા માટે પણ તૈયાર હતા. તેઓ 14 વખત રિહેબ સેન્ટરમાં જઈ ચૂક્યા છે પરંતુ તે પછી કોઈ સુધારો થયો નહોતો.
2013માં બે વાર હાર્ટ એટેક આવ્યો હતો
દારૂની લતને કારણે વિનોદ કાંબલીની તબિયત લથડી હતી. કાંબલીએ આ વર્ષની શરૂઆતમાં એક ઈન્ટરવ્યૂમાં કેટલાક ખુલાસા કર્યા હતા. 2013 માં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા. તે ગંભીર ચેપથી પણ પીડિત હતા. કાંબલીએ કહ્યું, 'મને બે હાર્ટ એટેક આવ્યા હતા. મારી પત્ની મને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગઈ અને પછી સચિને મારી મદદ કરી. તેણે 2013 માં મારી બે સર્જરીના રૂપિયા પણ ચૂકવ્યા હતા.
ગયા અઠવાડિયે કાંબલીનો વીડિયો વાયરલ થયો હતો
કાંબલી થોડા અઠવાડિયા પહેલા ફરી ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમના કોચ રમાકાંત આચરેકરના સ્મારકના અનાવરણ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ બોલવા માટે પણ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. તેમની બોલચાલ પરથી તેમના નબળા સ્વાસ્થ્ય વિશે અનેક અટકળો ચાલી હતી. એ વિડિયો સામે આવ્યાના 48 કલાકથી પણ ઓછા સમયમાં 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ કાંબલીની મદદ કરવા આગળ આવી હતી. ગાવસ્કરથી લઈને કપિલ દેવ સુધીના ક્રિકેટરોએ કાંબલીને મદદની ઓફર કરી હતી.
વર્તમાન પરિસ્થિતિ વિશે કાંબલીએ શું કહ્યું?
જ્યારે કાંબલીને ઈન્ટરવ્યુમાં તેની વર્તમાન નાણાકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, 'તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.' કાંબલીએ વિકી લાલવાનીની યુટ્યૂબ ચેનલ પર કહ્યું, 'પણ મારી પત્નીએ જે રીતે બધું સંભાળ્યું છે એ માટે તેને સલામ. કાંબલીએ કહ્યું હતું કે, મને રિહેબ સેન્ટરમાં જવા માટે કોઈ ખચકાટ નથી, જ્યાં સુધી મારી સાથે મારો પરિવાર છે ત્યાં સુધી હું કોઈ પણ બાબતથી ડરતો નથી. હું તેને પૂર્ણ કરીશ અને પાછો આવીશ.”
અતિશય દારૂ પીવાને કારણે તબિયત બગડી
કાંબલીએ એ પણ કબૂલ્યું હતું કે વધુ પડતાં દારૂના સેવનથી તેમને તકલીફ થઈ, પણ તેમણે એ પણ કહ્યું કે છેલ્લાં ઘણાં સમયથી તેમણે એક ટીપું પણ દારૂ પીધો નથી. કાંબલીના મિત્ર અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ અમ્પાયર માર્કસ કાઉટોએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
કાંબલીએ કહ્યું, 'મેં છ મહિના પહેલા પીવાનું અને ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું હતું. મારા બાળકો માટે આ કર્યું. હું અગાઉ આ બધું કરતો હતો, પરંતુ હવે મેં તેને છોડી દીધું છે.”
કેવી રહી છે કાંબલીની કારકિર્દી?
વિનોદ કાંબલી ક્રિકેટર કરિયર ટૂંકી છતાં ભલભલા ક્રિકેટરોને ઈર્ષા અપાવે તેવી રહી છે. તેમણે વર્ષ 1993 થી 2000 વચ્ચે ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. તે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. આ એક એવો રેકોર્ડ છે જે આજે પણ કોઈ તોડી શક્યું નથી. 1991માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ ભારત માટે 104 ODI અને 17 ટેસ્ટ રમ્યા છતાં કાંબલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એક દાયકા પણ ટકી શકી નહીં. કાંબલીએ 17 ટેસ્ટમાં 54.20ની એવરેજથી 1084 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 104 વનડેમાં 32.59ની એવરેજથી 2477 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને 14 અડધી સદી સામેલ છે. આ સિવાય 129 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેણે 59.67ની એવરેજથી 9965 રન બનાવ્યા છે. જેમાં 35 સદી અને 44 અડધી સદી સામેલ છે. આ સિવાય કાંબલીએ 221 લિસ્ટ-એ મેચોમાં 41.24ની એવરેજથી 6476 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 35 અડધી સદી સામેલ છે. આટલો શાનદાર ટ્રેક રેકોર્ડ ધરાવતા ખેલાડી સાથે તેની દલિત જાતિના કારણે અન્યાય થયાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થતી રહી છે.
આ પણ વાંચો: વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે!