'અમારા ભાઈઓ દુર્યોધન થઈને આવ્યા', સતાધારના મહંતના ભાઈ
સતાધારના મહંત વિજય બાપુ પર તેમના સગા મોટાભાઈએ વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે ત્રીજા ભાઈએ મોટું નિવેદન આપ્યું છે.

જૂનાગઢના વિસાવદર નજીક આવેલા સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેના સગાભાઈ નીતિન ચાવડા દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. જેને જગ્યાના મહંત વિજય બાપુએ પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા હતા. હવે આ મામલે મહંતના બીજા ભાઈએ નિવેદન આપ્યું છે અને આરોપ લગાડનાર ભાઈની સરખામણી દુર્યોધન સાથે કરી છે.
સતાધારના મહંત વિજયબાપુના ભાઈ રમણીકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે છ ભાઈઓ છીએ, બે મારાથી મોટા અને ત્રણ મારાથી નાના અને બે બહેનો. અમે મજૂરી કરીએ છીએ, અમે વિજય બાપુને ભણાવ્યાં છે, જે જેના લલાટમાં હોય તે ન ભુસાય. અમને તેમના પર ગર્વ છે. પણ બધાં સરખા ન હોય, એક બે જ્યારે આવા નીકળે તો તેની પાછળ બધાંએ સોસાવું પડે.
રમણીકભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નિતીન ભાઈએ વિજય બાપુ પર જે આક્ષેપો કર્યા છે તે વ્યાજબી નથી. આવું ક્યારેય વ્યાજબી ન હોય. તેને ક્યાં તકલીફ છે? શું તકલીફ છે? કોની તકલીફ છે? તે જાણવું જોઈએ. તે અમને પણ ત્યાં રહેવા દેતો નથી. આ બે ભાઈઓ નાનજી મોહન અને નીતિન મોહન, નરાધમ દુર્યોધન થઈને આવ્યાં છે. અથવા શિશુપાલ હોય. નહિતર અમારી દશા આવી ન હોય. એ નથી સમજતો, મેં બે વર્ષથી તેને ફોન કરવાનુ પણ બંધ કરી દીધુ છે.
મહંત વિજય બાપુ પર સગા ભાઈ નીતિન ચાવડાના ગંભીર આક્ષેપ
સતાધારની જગ્યાના મહંત પર સગા ભાઈ દ્વારા જ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યાં છે. સતાધાર મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. મહંતના સગાભાઈ નીતિન ચાવડાએ સતાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. ગીતા વ્યાસે વિજય બાપુને બ્લેકમેલ કરી સતાધારના કરોડો રૂપિયા પડાવી લીધા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
વ્યભિચાર-ભ્રષ્ટાચારની તરફેણમાં સાધુ-સંતો આવ્યા?
વિસાવદર નજીક આવેલા સતાધાર ધામના મહંત વિજય બાપુ પર તેના સગાભાઈ દ્વારા વ્યભિચાર અને ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. સામાન્ય રીતે આ પ્રકારની મેટરથી સંસાર છોડી ચૂકેલા સાધુ-સંતો દૂર રહેતા હોય છે. પરંતુ અહીંથી તો જેમના પર આરોપ લાગ્યા છે તે મહંતના બચાવમાં સાધુ-સંતો આવ્યા છે. ગિરનાર છાયા મંડળના સાધુ સંતો દ્વારા વિજય બાપુ સાથે બેઠક યોજી ગુજરાત ભરના સાધુ સંતોએ વિજય બાપુના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. અને સૌ સતાધાર ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા હતા.
વિવાદ સનામત ધર્મને બદનામ કરવાનું કાવતરુંઃ ગુરુવંદ સનાતન ધર્મ
ગુરુવંદ સનાતન ધર્મના અધ્યક્ષ ડી જી વણઝારાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સાધુ-સંતો અને આગેવાનો સતાધારમાં ઉપસ્થિત થયા છીએ. અહીં આવનાર સાધુ-સંતોનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે, સતાધાર મામલે જે વિવાદ ઊભો થયો છે તેનો યોગ્ય ઉકેલ આવે. આ વિવાદ સનાતન ધર્મને અને સતાધાર સમાધિ સ્થાનને બદનામ કરવાનો પ્રયાસ છે. વિજયદાસ બાપુની બદનક્ષી કરવા માટે આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને તેમાં કોઈપણ પ્રકારના આધાર પુરાવા નથી. આજે જે સાધુ-સંતો અહીં ઉપસ્થિત રહ્યા તે તમામે વિજય બાપુને પોતાનો ટેકો અને સમર્થન એક મતે જાહેર કર્યો છે. સૌ ઈચ્છે છે કે આ મામલે વહેલી તકે સુખદ સમાધાન આવે.
વિજય બાપુ પરના વ્યક્તિગત આરોપોને ધર્મનું અપમાન ગણાવાયા
સાધુ સંતો પણ હવે રાજકારણીઓને શરમાવે તેવું રાજકારણ રમવા લાગ્યા છે. સતાધારની જગ્યામાં મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આરોપોની સરકારી રાહે પોલીસ તપાસ કરાવવાને બદલે કહેવાતા સાધુ-સંતો તપાસ વિના જ મહંતને ક્લિન ચીટ આપી રહ્યાં છે અને તેને સનાતનનું અપમાન ગણાવી આખા મામલાનો વીંટો વાળી દેવા માંગે છે.
વડવાળા રામજી મંદિર ઝાંખના મહંત ગણેશદાસ બાપુએ જણાવ્યું હતું કે, આજે તમામ સાધુ સંતો સનાતન સત્યની ધરોહર સમા સતાધાર ખાતે આવ્યાં હતા. સતાધારની જગ્યા પર જે આક્ષેપ કરવામાં આવ્યાં છે. સાધુઓ અને સનાતનીઓનું દિલ દુભાય છે. ત્યારે વિજયદાસ બાપુ સાથેના સાધુ-સંતોને ખૂબ ભાવ છે. સતાધારમાં વિજય બાપુ દ્વારા રાત દિવસ સેવા કરવામાં આવે છે. ત્યારે વિજય બાપુ પર જે આક્ષેપો કરવામાં આવ્યાં છે જેને લઈ આજે સમગ્ર ગુજરાતભરના સાધુ સંતો અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં આવ્યાં છે.
સાધુ સંતોએ વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સત્ય એ સત્ય છે અને સતાધાર એ સત્યના પાયા પર રચાયેલુ છે. સતાધાર જેવો રોટલો અને ઓટલો કોઈએ કોઈને આપ્યા નથી. આવી આ પરંપરાની જગ્યા પર જ્યારે આક્ષેપો થઈ રહ્યા હોય તે ખૂબ જ દુ:ખની વાત છે. આક્ષેપોને લઈ આજે સતાધાર ખાતે સાધુ સંતોએ વિજય બાપુ સાથે બેઠક યોજી હતી. વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે, સૌ સાધુ સંતો તમારી સાથે છે. વિજય બાપુ પર કરાયેલા આક્ષેપોમાં જો તથ્યો જણાશે તો તેનો પણ નિકાલ કરાશે અને તેનો પણ રસ્તો થશે. તેમજ સમાધાન ફોર્મ્યુલામાં તમામ સાધુ સંતો વિજય બાપુને સાથ સહકાર આપી આ વિવાદનો ઉકેલ લાવશે.
રામજી બાપુએ જણાવ્યું હતું કે, ગુજરાત ભરના સાધુ-સંતો સતાધારના વિવાદ મુદ્દે ચિંતિત હતા. ત્યારે ગુજરાત ભરના સાધુ-સંતો સતાધાર વિજય બાપુની શુભેચ્છા મુલાકાત અને સત્યને જાણવા સતાધાર પહોંચ્યા હતા. સૌ સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી હતી. થોડા જ સમયમાં વિવાદ મામલે જે સત્ય હશે તે બહાર આવશે.
આ પણ વાંચો: સતાધારની આપા ગીગા જગ્યાના મહંતે પ્રેમલગ્ન કરી લીધાં? ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા