બિહારના જહાનાબાદમાં મહાદેવ મંદિરમાં ભાગાભાગી, 8નાં મોત

બિહારના જહાનાબાદમાં શ્રાવણિયા સોમવારે ભક્તો મહાદેવ મંદિરમાં ઉમટી પડ્યાં હતા. એ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. વાંચો આ અહેવાલ.

બિહારના જહાનાબાદમાં મહાદેવ મંદિરમાં ભાગાભાગી, 8નાં મોત
image credit - Google images

બિહારના જહાનાબાદમાં આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી ભક્તો મોટી સંખ્યામાં મહાદેવ મંદિરમાં દૂધ અને બિલિપત્ર ચડાવી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. એ દરમિયાન મધરાતે ભાગાભાગી થતા 8 ભક્તોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટનાનો વ્યાપ જોતા મૃત્યુઆંક વધી શકે છે.

જેહાનાબાદ(Jehanabad)માં આજે ઉત્તર ભારતીયોના શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર હોવાથી ભક્તો ગઈકાલ સાંજથી જ મહાદેવ મંદિરમાં ઉમટી પડ્યા હતા. એ દરમિયાન મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. મખદુમપુરના વાણાવરમાં બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરની બહાર ભાગાભાગી થતા આઠ લોકોના મોત થય છે. આ તમામ લોકો મહાદેવને જળ ચડાવવા મંદિરની ભારે ભીડ વચ્ચે પણ અહીં પહોંચ્યા હતા. મૃતકોમાં પુરૂષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે.

વહીવટીતંત્ર દ્વારા સાત લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ જે રીતે આ ઘટના બની અને શ્રદ્ધાળુઓ ઘાયલ થયા તે જોતા આ આંકડો હજુ પણ વધી શકે છે. ઘણા લોકોને સ્થાનિક મખદુમપુર હોસ્પિટલ અને જહાનાબાદ સદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં જળ ચઢાવવા માટે મોટી ભીડ હોય છે. એમાં પણ સોમવારે આ ભીડ અનેકગણી વધી જાય છે. આ ઘટના પહેલા પણ એવું જ થયું હતું અને રવિવાર રાતથી ભક્તો મહાદેવને જળ ચડાવવા માટે ટોળે વળવા લાગ્યા હતા. આ મંદિર એક પહાડની ટોચ પર આવેલું છે અને લોકો તેના પર ચડીને અહીં જળ ચઢાવવા જાય છે.

આ પણ વાંચો: શા માટે ધર્મસ્થળો માણસોથી ઉભરાય છે? આ રહ્યો તર્કબદ્ધ જવાબ

આ મામલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિકાસ કુમારે કહ્યું કે આ મામલે તેઓ હાલ તરત કંઈ કહી શકે તેમ નથી. સત્તાવાર રીતે આ મામલે કંઈ કહેવા માટે થોડો સમય લાગશે. શું મંદિર પરિસરમાં સુરક્ષાનો અભાવ હતો? આ સવાલના જવાબ પર તેમણે કહ્યું કે રવિવારે રાત્રે વધુ ભીડ હોય છે. ત્રણ સોમવાર પછી આ ચોથો સોમવાર હતો અને ભક્તોની ભીડને લઈને અમે એલર્ટ હતા, પણ ભીડ બેકાબુ બની ગઈ હતી. સિવિલ, મેજિસ્ટ્રેટ અને મેડિકલ ટીમોને જે રીતે તૈનાત કરવામાં આવે છે, તે જ રીતે તૈયાર કરવામાં આવી હતી. તેમ છતાં આ ઘટના ઘટી છે. આ એક દુઃખદ ઘટના છે. અમે પહેલા આગળની પ્રક્રિયા કરી રહ્યા છીએ.

ઘટનાને નજરે જોનારાઓનું કહેવું છે કે, ભાગાભાગી બાદ શ્રદ્ધાળુઓ પડી ગયા હતા અને તેઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ સ્થાનિક વહીવટીતંત્ર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભીડને કાબૂમાં કરવા માટે તંત્ર દ્વારા લાઠીચાર્જના કરવામાં આવ્યો હતો તેના કારણે આ અકસ્માત થયો હતો. એનસીસીના લોકો ફરજ બજાવતા હતા અને બિહાર પોલીસનું કોઈ નહોતું. 

મહાદેવને જળ ચડાવવા માટે આવેલા એક ભક્તે જણાવ્યું હતું કે,પહાડની ટોચ પર પોલીસ અને લોકો વચ્ચેની બબાલ થઈ ગઈ હતી ત્યારબાદ લાકડીઓ ચલાવવામાં આવી જેના કારણે લોકો પાછળની તરફ ભાગવા લાગ્યા હતા, તેમાં જ આ ઘટના ઘટી હતી. લોકો નીચે પડવા લાગ્યા અને બેકાબૂ ટોળું તેમની માથેથી પસાર થવા લાગ્યું, તેમાં 8 લોકોના મોત થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ધાર્મિક યાત્રાઓ અને મંદિરોમાં બેફામ ભીડ ઉમટી પડતા દર વર્ષ સેંકડો લોકોના મોત મંદિરો, તીર્થસ્થળો કે ધાર્મિક ઉત્સવો દરમિયાન નીકળતી રેલીઓ, ઝુલુસો દરમિયાન થાય છે. હજુ ગયા સોમવારે બિહારમાં જ દલિત કાવડિયાઓનું એક ડીજે હાઈ ટેન્શન વીજ તાર સાથે ટકરાયું હતું. જેમાં 9 કાવડિયાઓના મોત થયા હતા. આ પ્રકારની અનેક નાનીમોટી ઘટનાઓ સમગ્ર ઉત્તર ભારતમાં બની હતી. તેમ છતાં પણ લોકો પોતાના જીવની પરવા કર્યા વિના આવા ધાર્મિક કાર્યક્રમોમાં ઉમટી પડે છે અને દર વર્ષે મોતનો આંકડો વધતો જાય છે.

આ પણ વાંચો: હાઈ ટેન્શન તાર સાથે DJ અથડાતા 9 દલિત કાવડિયાના મોત, 6 ઘાયલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.