હરિયાણામાં ભાજપે પોત પ્રકાશ્યું, સુપ્રીમના SC પેટા વર્ગીકરણનો અમલ કરશે
ભાજપનો દલિત વિરોધી ચહેરો ફરી એકવાર ખૂલ્લો પડી ગયો છે. નાયબ સૈનીની સરકારે પહેલી જ બેઠકમાં દલિત વિરોધી નિર્ણય લીધો.
SC sub-categorization in Haryana: હરિયાણામાં સત્તામાં આવતાની સાથે જ ભાજપે તેનો દલિતો વિરોધી અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપની નાયબ સૈની સરકારે પહેલી કેબિનેટ મીટિંગમાં જ અનામત પર મોટો નિર્ણય લઈ અનુસૂચિત જાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું છે.
આ નિર્ણયથી ભાજપ અને વડાપ્રધાન મોદીની દલિતો પ્રત્યેની બેવડી નીતિઓ પણ ખૂલ્લી પડી ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ભાજપના દલિત સાંસદોએ પીએમને મળીને આ ચૂકાદો લાગુ ન કરવા વિનંતી કરી હતી. એ વખતે પીએમ મોદીએ તેઓ તેને લાગુ નહીં કરે તેવું મૌખિક આશ્વાસન આપ્યું હતું. એ વખતે હરિયાણાના મુખ્યમંત્રી રહેલા નાયબ સૈનીએ સૌ પ્રથમ આ ચૂકાદાનો અમલ કરીશું તેમ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું. જો કે, માથે ચૂંટણી હોવાથી તેમણે આ મામલે યુ ટર્ન લઈ લીધો હતો. પણ હવે જેવા ફરી સત્તામાં આવ્યા કે તરત તેમણે અનુસૂચિત જાતિની અનામતમાં પેટાવર્ગીકરણ કરવાની જાહેરાત કરી દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે.
સીએમ નાયબ સિંહ સૈનીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અનુસૂચિત જાતિની અનામતમાં પેટા વર્ગીકરણ કરવામાં આવશે. આ નિર્ણય કેબિનેટની પ્રથમ બેઠકમાં જ લેવામાં આવ્યો છે અને અમે આજથી જ તેનો અમલ કરીશું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યોને સત્તા આપી છે. હવે વંચિત અનુસૂચિત જાતિઓને તેમના માટે ક્વોટા બનાવીને અનામત આપી શકાય છે. હરિયાણા સરકાર હવે રાજ્યમાં અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ અન્ય જાતિઓને ક્વોટા આપશે અને એ રીતે દલિતોને અંદરોઅંદર જ લડાવવામાં આવશે.
આ પણ વાંચો: ભારત બંધ Live update: બિહારમાં રસ્તા સૂમસામ, ક્યાંક આગની ઘટના
મુખ્યમંત્રી નાયબ સૈનીએ કહ્યું કે આ બેઠકમાં અમારી કેબિનેટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપ્યું છે, અને અનુસૂચિત જાતિ- SC ની અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું છે. અમારી કેબિનેટે આજથી જ તેનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારોને SC-ST અનામતમાં પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે. આ તે જાતિઓ માટે કરી શકાય છે જે વધુ પછાત છે. ક્વોટાની અંદર તેમના માટે અલગ ક્વોટા નક્કી કરવાથી તેમના વિકાસમાં મદદ મળશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો દલિતોના બહુમતી વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓગસ્ટ મહિનામાં દેશવ્યાપી જબરજસ્ત આંદોલન થયું હતું અને બંધ પાળવામાં આવ્યો હતો.
આ બંધની વ્યાપક અસરને કારણે ભાજપે પારોઠના પગલાં ભરવા પડ્યા હતા અને પ્લાન મુજબ ભાજપના અનુસૂચિત જાતિના સાંસદો વડાપ્રધાનને મળવા ગયા હતા અને પીએમે પણ ચૂંટણી આવતી હોવાથી સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અમલ નહીં કરવાની મૌખિક ખાતરી આપી હતી. જો કે, વડાપ્રધાન હરિયાણામાં ચૂંટણી જીતવાની સાથે જ તેમણે આપેલી મૌખિક ખાતરી પર ફેરવી તોળ્યું છે.
હરિયાણા સરકારના આ નિર્ણયની અન્ય રાજ્યો પર પણ અસર પડશે અને તેઓ પણ આવું પગલું લેવાની હિંમત કરશે. અગાઉ કોંગ્રેસની તેલંગાણા સરકારે સૌ પ્રથમ આ ચૂકાદાના લાગુ કરવાની જાહેરાત કરી હતી. પછી દબાણ વધતા ફેરવી તોળ્યું હતું. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આ મામલે શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. આ સ્થિતિમાં અનુસૂચિત જાતિ સમાજનો પ્રબુદ્ધ વર્ગ ફરી એકવાર આંદોલનના માર્ગે જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ થી સેંકડો ભીમયોદ્ધા અનામત બચાવવા નીકળી પડ્યાં છે...