પરિવર્તનની શરૂઆતઃ મૂળીના શેખપર ગામે પહેલીવાર બૌદ્ધવિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ
જાતિવાદ, આભડછેટ અને કુરિવાજોથી ગ્રસ્ત હિંદુ ધર્મને દલિતો ધીમી પણ મક્કમ ગતિએ છોડી રહ્યાં છે. જોકે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના શેખપર ગામે જે થયું છે તેણે આ પંથકમાં ખરા અર્થમાં ક્રાંતિનો પાયો નાખ્યો છે.
જાતિવાદથી ખદબદતા હિંદુ ધર્મમાં બહુજન સમાજે ડગલેને પગલે અસમાનતા, અસ્પૃશ્યતાનો સામનો કરવો પડે છે. માણસને માણસ ન ગણતા હિંદુ ધર્મથી એટલે જ બહુજન સમાજ ધીમે ધીમે છેડો ફાડી રહ્યો છે. મોટાભાગના બહુજનો ડૉ. આંબેડકરના પગલે બૌદ્ધ ધર્મ અપનાવી તેની વિધિ મુજબ જ પોતાના સારા-માઠાં પ્રસંગોનું આયોજન કરતા થયા છે. ત્યારે આવી એક ઘટના હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના શેખપર ગામે બની છે. જ્યાં પહેલીવાર બૌદ્ધ વિધિથી એક મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ હતી. નાનકડા આ ગામે એ રીતે સમગ્ર મૂળી પંથકમાં ક્રાંતિની શરૂઆત કરી દીધી છે. ન માત્ર મૂળી પરંતુ તેની આસપાસના તાલુકાઓમાં પણ આ કદાચ પહેલો પ્રસંગ હશે જેમાં કોઈ દલિત પરિવારે પોતાના મૃતક સ્વજનની પુણ્યતિથિ બૌદ્ધ વિધિથી કરી હોય.
આ પણ વાંચોઃ ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો
શું ઘટના બની હતી?
તા. 17 માર્ચ 2024ના રોજ સવારે શેખપરના મુકેશભાઈ મૌર્યના નિવાસસ્થાને તેમના દીકરા રાકેશભાઈ મૌર્યની પહેલી વાર્ષિક પુણ્યતિથિને લઈને બુદ્ધ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ વાર્ષિક સ્મૃતિ દિન (પુણ્યતિથિ) નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા બોટાદ જિલ્લા શાખાના સભ્યો ખાસ હાજર રહ્યા હતા અને બુદ્ધ વંદના કરાવી હતી. સાથે જ ધમ્મ પ્રવચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ વંદના, ત્રિશરણ, પંચશીલ કરાયા હતા. બુદ્ધ વંદના બોધિરાજ બૌદ્ધ દ્વારા કરાવવામાં આવી હતી.
આગળ વાંચોઃ ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!
એ પછી ‘દુઃખ છે તો દુઃખનું કારણ છે’ વિષય પર બુદ્ધે બતાવેલા ચાર અરિય સત્ય અને અરિય અષ્ટાંગ માર્ગ અને કર્મના સિદ્ધાંત વિશે ભારતીય બૌદ્ધ મહાસભાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ દ્વારા ધર્મ પ્રવચન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ
મૃતકની સ્મૃતિમાં ઠંડા પાણીનું કૂલર મુકવામાં આવ્યું
આ કાર્યક્રમમાં મૃતકના પરિવારજનો દ્વારા અંધશ્રદ્ધા અને કુરિવાજોને તિલાંજલિ આપી દેવામાં આવી હતી. સામાન્ય રીતે હિંદુ રીતિરિવાજો અંધશ્રદ્ધા અને કુરિવાજોથી ગ્રસ્ત હોય છે, જેમાં દરેક સારામાઠા કામના પહેલા લાભાર્થી તરીકે બ્રાહ્મણોને આગળ કરવામાં આવે છે. બધું બ્રાહ્મણને આપો તો મોક્ષ થશે, સુખી થશો એવું ચાલ્યું આવે છે. પણ શેખપરના આ મૌર્ય પરિવારે તેમાં પણ નવો ચીલો ચાતર્યો હતો અને મૃતકની યાદમાં કોઈ બ્રાહ્મણને દાન કરવું, યજ્ઞ કરવો જેવી બાબતોથી દૂર રહીને ઉનાળાની ગરમીમાં લોકોને પીવા માટે ઠંડુ પાણી મળી રહે તે માટે અહીંના સોલંકી પરિવારના આલાદાદાના મંદિર તરીકે ઓળખાતી જગ્યા પર ઠંડા પાણીનું કૂલર મૂકાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું
શેખપરમાં દલિતોના કુળદેવીના અનેક મઢ આવેલા છે
શેખપરમાં બૌદ્ધવિધિથી આખો કાર્યક્રમ કરનાર બૌધિરાજ બૌદ્ધ કહે છે, “મૃતકના પરિવારે એક વર્ષ પહેલા બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. શેખપરમાં કદાચ આ એક જ પરિવાર છે જે બૌદ્ધ ધર્મ પાળે છે. અહીં દલિત સમાજના વિવિધ અટક ધરાવતા કુટુંબોના માતાજીના મઢો આવેલા છે જ્યાં નવરાત્રી, દિવાળી જેવા દિવસોમાં લોકો માતાના દર્શન કરવા આવતા હોય છે. આવા માહોલથી અલિપ્ત રહીને બૌદ્ધ ધર્મના રસ્તે ચાલવું તે સામા પ્રવાહે તરવા જેવું કઠિન કામ છે. પણ આ પરિવારે તેને કરી બતાવ્યું હતું અને બીજા અનેક લોકોને પણ નવી દિશા ચીંધી હતી. દલિત સમાજ હિંદુ વિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવે છે, જેમાં તમામ ક્રિયાકાંડોનો સૌથી મોટો, પહેલો અને છેલ્લો લાભાર્થી બ્રાહ્મણ હોય છે. જ્યારે આ પરિવારે વટેમાર્ગુઓ માટે પાણીનું પરબ બંધાવ્યું. આ બૌદ્ધ ધર્મની ક્રાંતિ છે. હાલ તો આ કાર્યક્રમે શેખપર સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. એ રીતે જોતા આગામી દિવસોમાં અહીં બીજા લોકો પણ બૌદ્ધ ધર્મ તરફ વળે તો મને જરાય નવાઈ નહીં લાગે.”
આગળ વાંચોઃ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.