...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!

કુળદેવીના ભૂવા તરીકે લોકોના દુઃખ દૂર કરવાની વાત કરતા માણસને જ્યારે હિંદુ ધર્મના ધતિંગો સમજાઈ જાય છે અને પછી ઈતિહાસ સર્જાય છે. વાંચો આ એક્સક્લૂઝિવ રિપોર્ટ.

...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!
image credit - Naresh Makwana, dhiru Chavda

ઘણીવાર વાસ્તવિકતા કલ્પના કરતા પણ રોમાંચક હોય છે. આપણી વિચાર્યું પણ ન હોય તેવી કોઈ ઘટના સાથે અચાનક આપણો સામનો થઈ જાય અને જે આશ્ચર્ય ફેલાય તેવું જ કંઈક આ સ્ટોરીમાં છે. વાત એક એવા માણસની છે જે હજુ પાંચ વર્ષ પહેલા સુધી કુળદેવી ચામુંડા માતાના ભુવા તરીકે હાકલા-પડકારા કરીને દેવી શરીરમાં આવ્યા હોવાનું રટણ કરીને ધૂણતા હતા અને હવે એ બધું છોડીને બૌદ્ધ ધર્મ અંગિકાર કરીને બુદ્ધિષ્ઠ બની ગયા છે! એક સમયે જેઓ નવરાત્રીમાં કુળદેવીના ભૂવા તરીકે ધૂણીને ચાચર નાખતા, અબોસણ ગળામાં નાખી કુટુંબના પોઠીને આશીર્વાદ આપતા હતા તેમણે હવે એ કથિત દેવીને કાયમ માટે તિલાંજલિ આપીને માનવમાત્રને સમાન ગણતા બૌદ્ધ ધર્મને સ્વીકારી લીધો છે. હવે તેઓ ન માત્ર બૌદ્ધ ધર્મ પાળે છે પરંતુ જે પણ લગ્ન પ્રસંગનું આમંત્રણ મળે ત્યાં જઈને નવયુગલને ભારતનું બંધારણ, બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા ભેટમાં આપે છે. કોણ છે આ વ્યક્તિ અને તેમના જીવનમાં આ હદે પરિવર્તન આવ્યું કેવી રીતે? ચાલો જાણીએ.

આ પણ વાંચોઃ The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા એને જ બ્રાન્ડ બનાવી દીધી!


વાત છે અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલા મજૂરગામમાં રહેતા ધીરૂભાઈ ચાવડાની. જેઓ એક સમયે તેમના કુળદેવી ચામુંડા માતાના કટ્ટર ભક્ત હતા. 100 ઘરના પરિવારના તેઓ ભુવા હતા, પણ પછી બુદ્ધિઝમના સંપર્કમાં આવ્યા અને આખો રસ્તો જ બદલાઈ ગયો. હવે તેઓ ન તો કુળદેવીના ભૂવા તરીકે સેવા આપે છે, ન તો ધૂણે છે. હવે તેઓ સમાજને તથાગત ગૌતમ બુદ્ધના રસ્તે દોરી જવા પ્રયત્ન કરે છે, ભારતના બંધારણનો પ્રચાર કરે છે અને જિનિયસ ડૉ. ભીમરાવ આંબેડકરે ચીંધેલા શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના સૂત્રને અપનાવવાની બહુજન સમાજને પ્રેરણા આપે છે.

આ પણ વાંચોઃ 2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો


સામાન્ય રીતે માણસ નાનપણથી જે વાતાવરણ, માન્યતાઓ અને ધર્મ સાથે ઉછર્યો હોય તેને આસાનાથી છોડી શકતો નથી. ખાસ કરીને ધાર્મિક રીતિરિવાજો તો આજીવન જેમના તેમ જ રહેતા હોય છે. એમાં ધીરૂભાઈના કિસ્સામાં એવું તે શું બન્યું કે તેઓ કુળદેવીના ભૂવા હોવા છતાં હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ બની ગયા?


આ સવાલનો જવાબ આપતા 8 ચોપડી પાસ, કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ધીરૂભાઈ ચાવડા કે છે, “બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાનો પહેલીવાર વિચાર વર્ષ 2020માં મારી દીકરીના લગ્ન વખતે આવેલો. એ વિચાર કોઈના કહેવાથી નહીં પરંતુ મારી સમજણમાંથી જન્મ્યો હતો. મને મનુવાદી હિંદુ ધર્મથી નફરત થવા માંડી હતી. તેના દેવી-દેવતાઓની કાલ્પનિક વાર્તાઓ, વર્ણવ્યવસ્થા, અસ્પૃશ્યતા જેવી બદ્દીઓને હું સમજી ચૂક્યો હતો. એટલે આજ નહીં તો કાલ હું બૌદ્ધ ધર્મ સ્વીકારી જ લેવાનો હતો અને તે વિચાર કોઈ વ્યક્તિએ મારામાં રોપ્યો નહોતો પરંતુ મારી અંદરથી જ આવ્યો હતો અને એટલે જ મહત્વનો હતો.”

આ પણ વાંચોઃ Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના


બુદ્ધિઝમનો પરિચય કેવી રીતે થયો તેની વાત કરતા ધીરૂભાઈ કહે છે, “બુદ્ધ અને બુદ્ધિઝમનો પહેલો પરિચય મને મારા એક ભાણેજ દ્વારા થયેલો. તે બાબાસાહેબને બહુ માનતો હતો અને મહુ, મધ્યપ્રદેશથી તેમની મૂર્તિઓ લાવીને 14મી એપ્રિલ, બુદ્ધ જયંતિ વગેરે પ્રસંગે લોકોને વહેંચતો હતો. આ સિવાય તે સમૂહ લગ્નોમાં પણ નવયુગલોને આ મૂર્તિઓ અને ભારતનું બંધારણ ભેટમાં આપતો હતો. 14મી એપ્રિલે તે બાબાસાહેબ અને બુદ્ધની 20 ફૂટ ઊંચી પ્રતિમા બનાવતો. એ વખતે હું મારા કુટુંબની કુળદેવી ચામુંડા માતાજીનો ભૂવો હતો. સૌ મને પગે લાગતા, હું તેમને ધૂણીને આશીર્વાદ આપતો. વારે-તહેવારે, દિવાળી, ચૈત્રી નવરાત્રી, શારદીય નવરાત્રી દરમિયાન કુળદેવીને નૈવેધ ધરાવતો. અમારા મઢમાં 100 ઘરોનો પરિવાર આવતો હતો અને હું એટલા પરિવારોમાં ભૂવા તરીકે હતો. સ્વાભાવિક રીતે જ મેં એ વખતે તેની આ પ્રવૃત્તિઓને ગંભીરતાથી નહોતી લીધી. રાજકોટના કુવાડવા પાસે આવેલું માલિયાસણ અમારું ગામ. ત્યાંથી અમારા વડવાઓ અલગ અલગ શહેરોમાં સ્થળાંતર કરી ગયા અને પછી જે તે જગ્યાએ કુળદેવીની સ્થાપના કરીને અલગ મઢ બનાવેલો. મારા દાદા તેમના પિતા સાથે અમદાવાદ આવીને સ્થાયી થયેલા. મારો જન્મ પણ અહીં ગીતામંદિર સ્થિત માણેકપુરાની ચાલીના ઘરમાં જ થયેલો. યુવાનીમાં હું પણ પરિવારના અન્ય સભ્યોની જેમ કુળદેવીમાં અખંડ શ્રદ્ધા ધરાવતો હતો.”

આ પણ વાંચોઃ રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો


વોટ્સએપે જિંદગીની દશા અને દિશા બદલી નાખી
સામાન્ય રીતે આપણે વોટ્સએપને કુપ્રચાર અને જુઠ્ઠાણું ફેલાવવાના એક ટૂલ તરીકે જોતા આવ્યા છીએ. પણ ધીરુભાઈના બૌદ્ધ ધર્મ સ્વીકારવામાં વોટ્સએપનો સૌથી મોટો ફાળો છે. તેઓ કહે છે, “સ્માર્ટફોનની વધતી જતી તાકાતને આપણે નુકસાન તરીકે જોઈએ છીએ, પણ મારા કિસ્સામાં તે ફાયદાકારક સાબિત થઈ છે. કેમ કે તેમાંથી જ મને બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાની પ્રેરણા મળી હતી. બન્યું હતું એવું કે, કન્સ્ટ્રક્શનના બિઝનેસને કારણે મારે સ્માર્ટફોન વસાવવો ફરજિયાત થઈ ગયો હતો. એ પહેલા હું સાદો ફોન વાપરતો હતો. મેં જમાના સાથે તાલ મિલાવવા ખાતર સ્માર્ટફોન વસાવ્યો અને તેની સાથે સોશિયલ મીડિયા પણ આવ્યું. ધંધાના કારણે સૌથી પહેલાં વોટ્સએપ ડાઉનલોડ કર્યું. તેમાંથી એક મિત્ર થકી જાનગરના એક બૌદ્ધ ધર્મના અનુયાયીઓના ગ્રુપમાં જોડાયો. આ ગ્રુપમાં દરરોજ બૌદ્ધ ધર્મને લગતા વિવિધ પુસ્તકોના રેફરન્સ સાથેના મેસેજો, વીડિયો વગેરે નિયમિત રીતે મૂકવામાં આવતા હતા. હું તે ધીરેધીરે વાંચતો-જોતો થયો. આ બૌદ્ધ ધર્મ તરફનું મારું પહેલું પગથિયું હતું.

આ પણ વાંચોઃ 2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ

જેમ જેમ વાંચતો ગયો, તેમ તેમ મને મનુવાદ, હિંદુ ધર્મના ધતિંગો, અંધશ્રદ્ધા, કુરિવાજોની સમજણ પડવા માંડી. પહેલા હું બ્રાહ્મણને જોઈને સીધો પગે લાગતો, મંદિર જોઈને દેવી કે દેવતાને નમન કરતો, કેમ કે મનુવાદી પરંપરાના હિંદુ ધર્મમાં એજ તો શીખવવામાં આવે છે. પણ આ બધાં ધતિંગનો પેલા વોટ્સએપ ગ્રુપમાં દરરોજ પર્દાફાશ થતો હતો. જેના કારણે મારી તર્કશક્તિને વેગ મળવા લાગ્યો હતો. ધીરેધીરે હું કોઈપણ ધાર્મિક ક્રિયાકાંડ કરતા પહેલા પોતાની જાતને સવાલ કરવા લાગ્યો હતો. જો શંકાનું યોગ્ય સમાધાન ન થાય તો તે પ્રવૃત્તિ ટાળવા લાગ્યો હતો. એમાંથી સમજી વિચારીને મેં સૌથી પહેલા કુળદેવીના નૈવેધ કરવાનું બંધ કર્યું. પછી ધૂણવાનું બંધ કર્યું. એક સમયે માતાજીને નમન કરીને જ દરેક નવા કામનો પ્રારંભ કરતો હતો, માતા જે કરે એજ સાચું એમ માનીને ચાલતો હતો. એ બંધ કર્યું. મને એટલું સમજાઈ ગયું હતું કે, બુદ્ધિઝમનો ફન્ડા એકદમ સરળ છે. એમાં કોઈ ગંભીર ચિંતન કરવાની જરૂર નથી. સીધી સાદી વાત છે. માણસને માણસ તરીકે જોવાની-સમજવાની વાત છે. જ્યારે મનુવાદી હિંદુ ધર્મમાં તો પાખંડનો પાર નથી. તેમાં એવી એવી તર્કહિન વાર્તાઓ ઘડીને આપણાં ઉપર થોપવામાં આવી છે કે તે સાંભળીને હવે હસવું આવે છે.”

આ પણ વાંચોઃ બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું


પોતાની વાત આગળ વધારતા ધીરૂભાઈ કહે છે, “હું માત્ર આઠ ચોપડી ભણ્યો છું, પણ જામનગરના એ બૌદ્ધ ગ્રુપમાં જોડાયા પછી હું મનુવાદી હિંદુ ધર્મની વાર્તાઓને તર્કની એરણે ચડાવીને ચકાસવા લાગ્યો. જેમ કે, હનુમાનજી નાનપણમાં સૂર્ય સુધી પહોંચીને તેને ગળી ગયા હતા. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, સૂર્ય સુધી માણસ જો ઉડીને પહોંચવા જાય તો 45 વર્ષ આવતા અને 45 વર્ષ જતા થાય. એટલે માણસના 90 વર્ષ સૂર્ય સુધી આવવા-જવામાં જતા રહે. એ રીતે હનુમાનજી નાનપણમાં સૂર્યને ગળવા નીકળે તો નેવું વર્ષના થઈને પૃથ્વી પર પાછા ફરે! આ કોઈ કાળે ગળે ઉતરતું નહોતું. વળી સૂર્યનું તાપમાન જ એટલું ભયાનક છે કે ત્યાં સુધી પહોંચતા પહેલા જ ગમે તેવો જીવ બળીને ખાખ થઈ જાય. આવું જ બીજું ઉદાહરણ રામ-રાવણ યુદ્ધનું છે. લંકાના યુદ્ધમાં લક્ષ્મણને તીર વાગે છે અને હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લેવા માટે છેક હિમાલય પર્વત પર જાય અને તે શોધીને લાવે છે. ત્યાં સુધી લક્ષ્મણને કશું જ ન થાય, વળી હનુમાનજીની ઉડવાની સ્પીડ કેટલી હશે કે તેઓ આટલી ઝડપથી છેક લંકાથી હિમાલય જઈને જડીબુટ્ટી લઈને પરત આવી ગયા? શંકરે પુત્ર ગણપતિનું મસ્તક કાપી નાખ્યું અને પછી સાજા કરવા માટે હાથીનું મસ્તક બેસાડી દીધું. ક્યાં હાથીનું મસમોટું મસ્તક અને ક્યાં નાના બાળકનું શરીર? આટલું મોટું હાથીનું માથું તેના પર કેવી રીતે ફિટ બેસે? બંને જીવ પણ સાવ અલગ પ્રજાતિના છતાં આવું બને ખરું? વળી તે જીવે કેવી રીતે? આવો સામાન્ય તર્ક કરતા મને બુદ્ધિઝમના પુસ્તકોએ શીખવ્યું. ધીમેધીમે બુદ્ધ અને બુદ્ધિઝમને સમજતો ગયો. એ પછી એક તબક્કો એવો આવ્યો કે મેં હિંદુ ધર્મથી સાવ કિનારો કરી લીધો.”

આ પણ વાંચોઃ મુસલમાનોના નહીં કટ્ટરપંથીઓના દુશ્મન હતા શિવાજી મહારાજ


દીકરીના લગ્ન વખતે મોટો નિર્ણય લઈ લીધો હતો
બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાનો અંતિમ નિર્ણય ક્યારે લીધો? આ સવાલના જવાબમાં ધીરુભાઈ ચાવડા કહે છે, ”બૌદ્ધ ધર્મની સમજણ વિકસ્યા પછી મોટો નિર્ણય મેં મારી દીકરીના લગ્ન વખતે લીધો. એ વખતે મેં બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાનું નક્કી કરી લીધું અને દીકરીને લગ્નમાં ભારતનું બંધારણ, તથાગત બુદ્ધ અને ડૉ. આંબેડકરની પ્રતિમા આપીને સાસરે વિદાય કરી. એ પછી સમાજની દરેક દીકરીના લગ્નમાં જ્યાં પણ હાજરી આપવાની થાય ત્યાં વરકન્યાને ભારતનું બંધારણ, બુદ્ધ અને આંબેડકરની પ્રતિમા ભેટમાં આપું છું. અત્યાર સુધીમાં મેં વિવિધ સમૂહલગ્નો, પારિવારીક લગ્નોમાં 500થી વધુ વરકન્યાને આ રીતે આ ભેટ આપી છે.

આ પણ વાંચોઃ નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...

હવે મને સમજાઈ ગયું છે કે બહુજન સમાજ માટે બુદ્ધિઝમ જ એકમાત્ર વૈજ્ઞાનિક ધર્મ છે. શરૂઆતમાં બૌદ્ધ ધર્મને સમજવા માટે વાંચવાનું બે-ચાર મહિના સુધી ચાલું રાખ્યું. અગાઉ મારા એક મોટાભાઈને ત્યાં વર્ષોથી બૌદ્ધ ભંતેજી આવતા હતા, પણ હું માતાજીનો કટ્ટર ભૂવો હતો એટલે એમના તરફ મેં કદી ધ્યાન નહોતું આપ્યું. પણ જ્યારે હું ખુદ બુદ્ધને સમજવા લાગ્યો એટલે મને ભંતેજીનું મહત્વ પણ સમજાવા લાગ્યું. એક સમયે હું હિંદુ ધર્મના કેફમાં બૌદ્ધ ધર્મ અને ભંતેજીને ધતિંગ માનતો હતો, પણ હવે તેનાથી ઉલટી પરિસ્થિતિ છે. બધું સમજાયું, આંખોની સાથે અંતરના ચક્ષુઓ પણ ખૂલ્યાં. પછી એક દિવસ મુંબઈ ગયો, ત્યાં ચૈત્યભૂમિ જઈને ડૉ. આંબેડકરને વંદન કર્યા અને બુદ્ધિષ્ઠ બની ગયો. આમ એક સમયનો ચામુંડા માતાનો ભૂવો બૌદ્ધ ધર્મ અંગિકાર કરી બુદ્ધિષ્ઠ બની ગયો.”

આગળ વાંચોઃ બોધિ વૃક્ષની તે શાખાઓ, જેના દ્વારા સમ્રાટ અશોકે વિશ્વમાં 'ધમ્મ'નો પ્રચાર કર્યો હતો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeevak Zen
    Jeevak Zen
    ખૂબ ખૂબ સાધુવાદ ????????
  • MANUBHAI  NARANBHAI  PRIYADARSHI
    MANUBHAI NARANBHAI PRIYADARSHI
    Amazing thought...Good job for SC ST & OBC આદરણીય શ્રીમાન ધીરુભાઈ, આપે એક ઉત્તમ નિર્ણય લીધો છે અને આગામી સમયમાં ખૂબ લોકોને આ સન્માર્ગે દોરવા પ્રતિનિધિત્વ કરશો એજ અભ્યર્થના...
    1 month ago