ઈલેક્ટોરલ બૉન્ડ મામલે SBIને સુપ્રીમનો ઝટકો, કાલ સુધીમાં તમામ માહિતી રજૂ કરવા આદેશ

electoral bond case: સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવેલી ઈલેક્ટોરલ બૉન્ડ યોજનામાં એસબીઆઈને કોર્ટે આવતીકાલ સુધીમાં માહિતી રજૂ કરવા આદેશ કર્યો છે.

ઈલેક્ટોરલ બૉન્ડ મામલે SBIને સુપ્રીમનો ઝટકો, કાલ સુધીમાં તમામ માહિતી રજૂ કરવા આદેશ
image credit - Google images

Electoral bond case: સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઈલેક્ટોરલ બૉન્ડ મામલે સમયસર માહિતી પુરી ન પાડવા બદલ બરાબરની ઝાટકણી કાઢી છે. સાથે જ કોર્ટે આ માહિતી આપવા માટે વધુ સમય આપવાની એસબીઆઈની માંગણી પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચે કહ્યું હતું કે એસબીઆઈએ આવતીકાલ મંગળવાર સુધીમાં ઈલેક્ટોરલ બૉન્ડની જાણકારી ચૂંટણી કમીશનરને આપી દેવી પડશે. અહીં એ યાદ રાખવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024માં ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમ પર પ્રતિબંધ મૂકીને તેને ગેરકાયદે જાહેર કરી દીધી હતી.


સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમીશનને શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં માહિતી જાહેર કરવાનો પણ આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે એસબીઆઈને ચેતવણી પણ આપી કે જો કાલ સાંજ સુધીમાં માહિતી આપવામાં નહીં આવે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ ઈલેક્ટોરલ બૉન્ડની માહિતી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ECI)ને સબમિટ કરવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. CJI ડી. વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સામેલ હતા.


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી હાજર રહેલા સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ કોર્ટને કહ્યું હતું કે બેંકને માહિતી એકત્ર કરવા માટે વધુ સમયની જરૂર છે. આ માટે તેમણે મામલાની સંવેદનશીલતાને ટાંકીને કહ્યું હતું કે, આખી પ્રક્રિયામાં કોઈ નામ ન હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે, દાતાઓની માહિતી બેંકની ચોક્કસ શાખાઓમાં સીલબંધ કવરમાં રાખવામાં આવે છે.


હરીશ સાલ્વેએ વધુમાં કહ્યું કે, “અમને આદેશનું પાલન કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે. અમે માહિતી એકઠી કરવાનો પ્રયત્નો કરી રહ્યાં છીએ અને તેના માટે અમારે આખી પ્રક્રિયાને રિવર્સ કરવી પડી રહી છે. એક બેંક તરીકે અમને આખી પ્રક્રિયાને ગુપ્ત રાખવા માટે કહેવામાં આવ્યું હતું.”


જેના પર સીજેઆઈ ચંદ્રચૂડે SBI પર સવાલ ઉઠાવતા કહ્યું, “તમે કહી રહ્યા છો કે માહિતી સીલબંધ કવરમાં રાખવામાં આવી હતી અને મુંબઈ બ્રાન્ચમાં જમા કરવામાં આવી છે. અમારો નિર્દેશ ઈલેક્ટોરલ બૉન્ડની માહિતી એકઠી કરવાને લઈને નહોતો. અમે ઈચ્છીએ છીએ કે એસબીઆઈ દાતાઓની વિગતો જાહેર કરે. તમે આદેશનું પાલન કેમ નથી કરતા?”


સુપ્રીમ કોર્ટે 30 જૂન સુધીનો સમય માંગવા બદલ પણ એસબીઆઈને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું, “છેલ્લાં 26 દિવસમાં તમે શું પગલાં લીધાં? તમારી અરજીમાં તેના પર કશું જ કહેવામાં આવ્યું નથી.


જેના પર હરીશ સાલ્વેએ જવાબ આપ્યો કે, આ કામમાં ત્રણ મહિનાનો સમય લાગે છે. તેમણે કહ્યું, “હું કોઈ ભૂલ કરી શકું નહીં, નહીંતર દાતાઓ મારી પર કેસ કરી દેશે.”


બેંચમાં સામેલ જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, “બધી માહિતી સીલબંધ કવરમાં છે અને તમારે ફક્ત એ કવર ખોલીને માહિતી આપવાની છે.”


જેના પર એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું કે, “મારી પાસે કોણે બૉન્ડ ખરીદ્યાં અને પૈસા ક્યાંથી આવ્યા તેની સંપૂર્ણ માહિતી છે. હવે મારે ખરીદદારોના નામ પણ દાખલ કરવા પડશે અને નામો પણ બૉન્ડ નંબર સાથે મેચ કરવા પડશે."


આના પર સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું, "એ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે એક સીલમાંથી બીજામાં માહિતી મેચ કરવામાં સમય લાગે છે. અમે તમને મેચ કરવા માટે નથી કહ્યું. તેથી મેચિંગ કરવું પડશે તેમ કહીને સમય માંગવો યોગ્ય નથી. અમે તમને એવું કરવાની સૂચના નહોતી આપી."


ઉલ્લેખનીય છે કે, 15મી ફેબ્રુઆરી 2024ના રોજ તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બંધારણીય બેંચે રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બૉન્ડ દ્વારા આપવામાં આવતા દાનની યોજનાને ગેરબંધારણીય અને અપારદર્શક ગણાવીને રદ કરી દીધી હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) એ 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બૉન્ડ્સ સંબંધિત તમામ વિગતો સબમીટ ન કરવા બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ SBI એ ઈલેક્ટોરલ બૉન્ડની વિગતો ન આપતા મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.