ચિખોદરાના સ્વામીએ મંદિર બનાવવાના બહાને 3.22 કરોડની છેતરપિંડી કરી
ગુરૂજી મોટું મંદિર બનાવવા માંગે છે કહી ચિખોદરાના સ્વામીએ રાજકોટના ઠગ સાથે મળી આણંદના એક બિલ્ડર સાથે રૂ. 3.22 કરોડની છેતરપિંડી આચરી છે.
આણંદ શહેરના એક બિલ્ડર અને તેમના ભાગીદારોને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના રેવા ગામની 160.47 એકર જમીન વેચાણ આપવાના નામે રાજકોટના એક શખ્સ અને ચિખોદરાના સ્વામીએ ભેગા મળી રૂ 3.22 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.
આણંદ શહેરમાં શ્રીનાથજી પાર્ક ગણેશ ડેરી પાછળ ગણેશ ચોકડી વિસ્તારમાં 42 વર્ષીય જીગરકુમાર સુરેશભાઈ પટેલ કન્ટ્રકશન તેમજ જમીન લે-વેચનો ધંધો કરે છે. વર્ષ- 2020માં તેઓ મનીષભાઈ લક્ષ્મણભાઈ ઠક્કરના મેડિકલ સ્ટોરે પોતાના પિતાની દવા લેવા માટે ગયા હતા. ત્યારે મનીષભાઈએ જમીનમાં રોકાણ કરવું હોય તો સ્વામીજીનો સંપર્ક કરાવી આપુ તેમ કહીને બે ત્રણ દિવસ પછી તેઓ બે સ્વામી સાથે જીગરભાઈની ઓફિસે ગયા હતા.
જ્યાં બે પૈકી એક સ્વામી દર્શનપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, “મારે મોટું મંદિર બનાવવું છે. તમારી પાસે કોઈ સારી જગ્યા હોય તો બતાવો. અને જો જગ્યા ન હોય તો તમારે જમીનમાં રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. પાછળથી તમને પુરતા નાણાં આપીને જગ્યા તમારી પાસેથી લઈ લઈશું. ગત જુન-2020માં ડાકોરના દલાલ જે.કે. રામી દ્વારા ઠાસરા તાલુકાના સુઈ ગામની જમીન બતાવી હતી. ત્યાર બાદ કચ્છના અબડાસા તાલુકામાં પણ એક જમીન બતાવી હતી. કચ્છની જમીન મંદિર બનાવવા માટે વધારે અનુકૂળ છે.”
આ પણ વાંચો: સ્વામી મારા સિવાય બીજી છોકરીઓને પણ ગંદી નજરથી જોતા હતા...
સ્વામીએ સુઈ ગામવાળી જમીન મોંઘી પડે તેવી છે તેમ વાત કરી હતી. જેથી કચ્છની જમીન લેવાનું નક્કી કરીને જીગરકુમાર અને સ્વામી દર્શનપ્રિયદાસજી કારમાં કચ્છ જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં અમદાવાદની હોટલ પરથી રાજકોટના વિક્રમસિંહ હિંમતસિંહ ડાભીને પણ સાથે લીધા હતા અને અબડાસા તાલુકાના રેવા ગામે ગયા હતા. જ્યાં વિક્રમસિંહે જમીન બતાવી હતી અને વેચાણ કરવાની વાત કરી હતી. અને જમીનની 7/12ની નકલ તથા બીજા કાગળ પણ બતાવ્યા હતા. પરત ફરતા સમયે રસ્તામાં સ્વામી દર્શનપ્રિયદાસજીએ આ જમીન પર સ્વામી માધવપ્રિયદાસજી અને તેમની સંસ્થા ગુરૂજી મોટું મંદિર બનાવવા માંગે છે. જો તમારે આ જમીનમાં રોકાણ કરવું હોય તો વિક્રમસિંહને આણંદ બોલાવી આગળ વાતચીત કરીએ તેમ જણાવ્યું હતું.
જીગરકુમારે હા પાડતા બે ત્રણ દિવસ પછી સ્વામી દર્શનપ્રિયદાસજી અને વિક્રમસિંહ જીગરકુમારની ઓફિસ ખાતે ગયા હતા. અને જમીનનો એકરનો ભાવ 8થી 9 લાખ રહ્યો હતો. પરંતુ ચર્ચાના અંતે એક એકરનો ભાવ રૂ 7.11 લાખ નક્કી કરીને 160.47 એકર જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. તેમજ આ જુદા જુદા સર્વેવાળી માલિકીની એટર્ની વિક્રમસિંહ પાસે હોવાની મૌખિક વાત કરી હતી. આ રીતે જમીન વેચાતી આપવાનું કહી સ્વામી સહિતના ભેજાબાજોએ બિલ્ડર પાસેથી 3.22 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ બનાવ અંગે જીગરકુમાર સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકે રાજકોટના વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી અને ચિખોદરાના સ્વામી દર્શન પ્રિય દાસજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
એક એકરનો ભાવ રૂ 11. 43 લાખ નક્કી કરાયો હતો
સુરત ખાતે વિવેક સાગર દાસજી અને સ્વામી દર્શનપ્રિય દાસજીને મળીને રેવા ગામની જમીન રાખવાનું નક્કી કરી એક એકરનો ભાવ રૂ 11.43 લાખ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જીગરકુમારે ભાગીદારો સાથે વાતચીત કર્યા બાદ જમીન વેચાણ આપવાનું નક્કી કરી સ્વામી માધવ પ્રિયદાસજીએ પાંચ લાખ અને એક રૂપિયો ટોકન પેટે પણ આપ્યો હતો. અને ચાર માસમાં લેવડ-દેવડ પુરી કરવાનું નક્કી કરી ગત તારીખ 20-8-2020ના રોજ વિક્રમસિંહ જીગરકુમારની ઓફિસે આવ્યા હતા. અને જમીન વેચાણનું નોટરી લખાણ કરીને રૂ 1.51 કરોડ રોકડા આપ્યા હતા. અને બાકીના રૂ 10-10 લાખના 10 ચેક લખી આપ્યા હતા. ત્યાર બાદ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે જઈને દર્શનપ્રિયદાસજી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજીને મળીને આ જમીન વેચાણ પેટે તેમણે 70 લાખ રૂપિયા આપ્યા હતા. અને બાકીના રૂપિયા બે-ત્રણ દિવસમાં આણંદ આવીને આપી જઈશું તેવી વાત કરી હતી. આણંદના બિલ્ડર જીગરકુમારને જમીનના પૂરતા પૈસા મળ્યા ન હોઈ તેમણે વિક્રમસિંહને ફોન કરી ચેકો નહીં ભરવાનું જણાવ્યું હતું. તેમ છતાં ચેકો ભરીને ચેક રિટર્ન કરાવી રૂ 80 લાખ ભાગીદારો પાસેથી લઈ ગયા હતા. આમ કુલ 3.78 કરોડ ચૂકવી આપ્યા હતા. તેમાંથી 75 લાખ મળ્યા હતા તે પૈકી સર્ટી મંગાવા માટે 19.70 લાખનો ખર્ચ થયો હતો જેથી રૂ 3.22 કરોડની છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે