કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન

એસસી, એસટી અનામતમાં સુપ્રીમ કોર્ટના ભાગલાવાદી નિર્ણયના વિરોધમાં 21મી ઓગસ્ટે દેશના તમામ બહુજન સંગઠનોએ સજ્જડ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન કર્યું છે.

કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન
image credit - Google images

અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની અનામતમાં પેટા વર્ગીકરણને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં બહુજન સંગઠનોએ 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. ભીમ સેનાના સતપાલ તંવરના આ એલાનને દેશના તમામ બહુજન સંગઠનો અને બુદ્ધિજીવીઓએ વધાવી લીધું છે, બહેન કુમારી માયાવતીજીએ પણ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, એસસી, એસટી સમાજ માટે આ કટોકટીનો સમય છે અને સૌ આર યા પારની લડાઈ માટે તૈયાર થઈ જાવ. 

બીજી તરફ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રામદાસ આઠવલે, વંચિત બહુજન અઘાડીના પ્રકાશ આંબેડકર અને લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન સહિતના દિગ્ગજ દલિત નેતાઓએ ખૂલ્લેઆમ સુપ્રીમ કોર્ટના આ ભાગલાવાદી નિર્ણયની ટીકા કરી છે ત્યારે આ મામલે ફરી એકવાર દેશમાં વર્ષ 2018માં થયેલા મહાઆંદોલન જેવો જ માહોલ ઉભો થઈ ચૂક્યો છે. બહુજન સમાજના આ બંધનું એલાન સોશિયલ મીડિયા પર દાવાનળની માફક ફેલાઈ રહ્યું છે અને વધુને વધુ લોકો તેના સમર્થનમાં સામે આવી રહ્યાં છે. બંધના આ એલાનને સેંકડો ભીમ યોદ્ધાઓ અને બહુજન સમાજની આગેવાની હેઠળના સામાજિક-રાજકીય સંગઠનો તરફથી વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું છે.

સર્વોચ્ચ અદાલતનો નિર્ણય દેશભરના બહુજન સમાજના સામાજિક અને રાજકીય સંગઠનોમાં અસંતોષ પેદા કરી રહ્યો છે. તેઓ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અનામતની મૂળ ભાવનાની વિરુદ્ધનો માને છે. તેમનું સ્પષ્ટ રીતે માનવું છે કે, આ ક્વોટા સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી, એસટી વર્ગને અંદરોઅંદર લડાવવાનું કાવતરું છે. વર્તમાન સરકારે ખાનગીકરણ કરીને આમ પણ અનામત જેવું કશું રહેવા દીધું નથી. એવામાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી દલિત, આદિવાસી સમાજનો બોલકો વર્ગ અનામતમાંથી બહાર નીકળી જશે, એ પછી બાકી વધેલા વર્ગને પણ અનામતનો લાભ બંધ કરીને આખી અનામત વ્યવસ્થાને જ ખતમ કરી નાખવાનું આ સુનિયોજિત કાવતરું છે. આ પરિસ્થિતિ દેશના દલિત, આદિવાસી સમાજ માટે કરો યા મરો જેવી છે અને તેના માટે સૌએ એક થઈને લડવું પડશે.

આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ

બંધના એલાનને બહુજન કાર્યકરો અને નાગરિક સમાજ સંગઠનો તરફથી મજબૂત ટેકો મળ્યો છે. ભારતભરના મુખ્ય શહેરો અને નગરોમાં દેખાવો થવાની ધારણા છે. આયોજકોનો હેતુ બંધને લઈને આ ગંભીર મુદ્દા તરફ રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચવાનો છે.

આ નિર્ણયના જવાબમાં બહુજન સમાજનું એક જૂથ સુપ્રીમ કોર્ટ સમક્ષ રિવ્યુ પિટિશન દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં આ ચૂકાદાને રદ કરી દેવાની કે તેમાં ફેરફારની માંગ કરવામાં આવી છે. તેમની દલીલ કરે છે કે આ નિર્ણય ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરે છે.

આ બાબતે સામાજિક કાર્યકર અને ટ્રાઈબલ આર્મીના સ્થાપક હંસરાજ મીણાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "મનુવાદીઓનું કહેવું છે કે, આ રાજુને અનામતનો લાભ મળે તેના માટે એસસી અનામતના ભાગલા પડવા જોઈએ. પણ રાજુનું બજેટ તો ભાજપે ગાય અને ધર્મના કલ્યાણમાં વાપરવા આપી દીધું છે. જેના કારણે રાજુના બાળકો ભણી જ નહીં શકે. પછી એ બાળક ક્યાંથી પહોંચી શકે? તો શું તેનો હક એનએફએસમાંથી તમને મળવા દે? ક્યારેય નહીં. 21 ઓગસ્ટ, ભારત બંધ."

અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "દલિત અને આદિવાસી સમાજ કોઈ નેતા કે પક્ષની પાછળ નથી. તેઓ તેમના હક અને અધિકારોના રક્ષણ માટે અમારી સાથે ઉભો છે. સમાજ આંધળો નથી, તે બધું જોઈ રહ્યો છે. બહેરા અને મૂંગા ન બનો. બંધારણ અને અનામત બચાવવાના નામે મત માંગ્યા છે તો તેમની સાથે ઉભા રહેવાની પ્રામાણિકતા પણ બતાવો."

સાઉથના જાણીતા ફિલ્મ નિર્માતા, નિર્દેશક પા રંજીથે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, "એસસી/એસટી અનામતમાં 'ક્રીમી લેયર' દાખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય અત્યંત ચિંતાજનક છે અને તેની આકરી નિંદા કરું છું. જાતિ એ એક સામાજિક-સાંસ્કૃતિક ઓળખ છે, જે આર્થિક સ્થિતિથી બદલી શકાતી નથી. એસસી,એસટી અનામતમાં 'ક્રીમી લેયર' સામાજિક ન્યાયના હેતુની સકારાત્મક કાર્યવાહીના સારને નબળો પાડે છે. એસસી, એસટીની વસ્તીની તુલનામાં તેમને મળતી અનામત પહેલેથી જ અપુરતી છે, જેના કારણે આ સમાજને દરેક ક્ષેત્રમાં ઓછું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ એસસી-એસટી દ્વારા સહન કરવામાં આવતા પરંપરાગત દમનને સમજવામાં નિષ્ફળ રહે છે, અને તેના કારણે તેમના બહિષ્કારને પ્રોત્સાહન મળે છે. ધ્યાન વસ્તી વિષયક વાસ્તવિકતાઓને ધ્યાને લઈને અનામતના ક્વોટાનું વિસ્તરણ કરવા પર હોવું જોઈએ, નહીં કે નવા ભાગલા ઉભા કરવા પર."

આ આખા મામલાએ બંધારણ બચાવવાની વાતો કરતા રાષ્ટ્રીય પક્ષોના મહોરાં પણ ઉતારી નાખ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આપ, ટીએમસી, આરજેડી, ડીએમકે, શિવસેના, એસપી, સીપીઆઈ સહિતના એકેય પક્ષે આ મામલે સમ ખાવા પુરતું પણ એસસી, એસટી વર્ગની તરફેણમાં મોં ખોલ્યું નથી. 

આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?

એનો અર્થ એ પણ થાય કે આ પક્ષો માત્ર દલિતો, આદિવાસીઓના મતો લેવા માટે જ ચૂંટણીમાં બંધારણ બચાવોની વાતો કરતા હતા. અને હવે જ્યારે ખરેખર એસસી, એસટીના હકો પર ખતરો પેદા થયો છે ત્યારે આ પક્ષો અન્ય વોટબેંક નારાજ ન થઈ જાય તેના માટે મૌન ધારણ કરીને બેસી ગયા છે. આખી ઘટનામાં કોંગ્રેસ અને તેના તેના રાહુલ ગાંધીનું મૌન દલિત, આદિવાસી સમાજને ઘણું બધું સમજાવી ગયું છે. રાહુલે આ મામલે એક શબ્દ નથી કહ્યો, જે તેમની કથની અને કરણીના ફરકને સ્પષ્ટ કરે છે.

દેખીતી રીતે, રાષ્ટ્રીય રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મોટે ભાગે મૌન રહ્યા છે અને તેમની સ્થિતિ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેનાથી વિપરીત બહુજન સમાજ પાર્ટી (BSP) અને વંચિત બહુજન અઘાડી (VBA) જેવા આંબેડકરવાદી પક્ષોએ આ નિર્ણયની સખત નિંદા કરી છે અને ખૂલીને દલિતો, આદિવાસીઓની તરફેણ કરી છે.

બીએસપી સુપ્રીમો બહેન કુમારી માયાવતીજીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જે વાતો લોકો સમક્ષ મૂકી છે તેનાથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે, બીએસપી એકમાત્ર રાજકીય પક્ષ છે જે વોટબેંકની ચિંતા કર્યા વિના આ મામલે ખૂલીને એસસી, એસટી સમાજની તરફેણમાં અડીખમ ઉભો છે.

આ પણ વાંચો: ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

બીજી તરફ વંચિત બહુજન અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે પણ સુપ્રીમ કોર્ટની દલિતો, આદિવાસીઓ પ્રત્યેના તેના વલણની ટીકા કરી હતી.

તેમણે કહ્યું, "ન્યાયતંત્રને સૌથી પહેલા એસસી, એસટીના પ્રતિનિધિત્વની જરૂર છે. કોર્ટ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજની અનામત પર ચુકાદાઓ આપીને જાતે જ પોતાની પીઠ થપથપાવી રહી છે. પરંતુ તે એ ભૂલી જાય છે કે, ન્યાયતંત્રમાં એસસી, એસટી સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી. એસસી, એસટીની સરખામણીમાં કથિત ઉચ્ચ જાતિઓમાં સ્પષ્ટ પછાતપણું છે તેથી એસસી, એસટીની પહેલા જનરલ કેટેગરીની અંદર વર્ગીકરણ વિશે ચર્ચા થવી જોઈએ. પણ તે નથી થતું, આટલો બધો ઢોંગ કેમ?"

પ્રકાશ આંબેડકરે દલિતોને ભાજપ, કોંગ્રેસ જેવા કહેવાતા દલિત તરફી પક્ષોના ચરિત્રને ઓળખી લેવાની પણ વિનંતી કરી છે, જેમણે અનામતમાં ભાગલાના સપ્રીમ કોર્ટના નિર્ણય પર મૌન રહીને તેને આડકતરું સમર્થન આપ્યું છે.

ઈન્ડિયા ગઠબંધનના મોટાભાગના મુખ્ય પક્ષો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), આમ આદમી પાર્ટી (AAP), તૃણમૂલ કોંગ્રેસ (TMC), રાષ્ટ્રીય જનતા દળ (RJD), દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), શિવસેના (UBT), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) , કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

આશ્ચર્યની વાત એ છે કે, સીપીઆઈ(એમ) સિવાય બીજા એકેય પક્ષે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી નથી, હકીકતે અનામતના પેટા વર્ગીકરણ માટે સીપીઆઈનું સમર્થન વિવાદાસ્પદ રહ્યું છે.

બીએસપી જેવા બહુજનવાદી પક્ષ સિવાયના પક્ષોનું સ્ટેન્ડ જે પણ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. હાલ તો ફરી એકવાર એસસી, એસટી સમાજ તેની અનામત બચાવવા માટે આંદોલને ચડવા તૈયાર થયો છે અને આ વખતે તે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ સિસ્ટમને પણ ઝપટમાં લેવાનો છે તેવું જાણવા મળ્યું છે. 

સોશિયલ મીડિયામાં આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે અને તેમાં કોઈ જ લાયકાતની પરીક્ષા પાસ કર્યા વિના માત્ર બાપ-દાદાઓ જજ હોવાને કારણે અને સવર્ણ જાતિના હોવાને કારણે સુપ્રીમ કોર્ટમાં જજ બની જતા લોકો સુધી પણ આંદોલનની આગ પહોંચશે તે નક્કી લાગી રહ્યું છે.

આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Hareshkumar chavda
    Hareshkumar chavda
    Aaj hame pata chal gya hai ki hamari ladai hame akele hi ladni padegi,koy party hamare sath khadi nhi hai a dukh ki baat hai
    4 months ago
  • Vijay Subash Arenkar
    Vijay Subash Arenkar
    Andolan bahu jaruri che jai bhim
    4 months ago
  • Ramesh Muchhadiya
    Ramesh Muchhadiya
    ભારત બંધ....????????
    4 months ago
  • Devendra Engineer
    Devendra Engineer
    First of all, the nation should fulfill the quota of reservation in all system,and abolish the caste system. Afterwards one has right to review the reservation system.
    4 months ago