ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

ગઈકાલે 20મી ડિસેમ્બરે બહુજન મહાનાયક ગાડગે બાબાનો સ્મૃતિ દિવસ હતો. લેખક હિદાયત પરમાર અહીં તેમના શિક્ષણ કાર્યો વિશે વિસ્તારથી વાત કરે છે, જે દરેક બહુજને ગાંઠે બાંધી લેવા જેવા છે.

ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

- હિદાયત પરમાર 

ગાડગે મહારાજ કહેતા હતા કે શિક્ષણ એ ઘણી મોટી વસ્તુ છે. પૈસાની તંગી હોય તો ખાવાના વાસણો વેચી મારો, મહિલાઓ માટે સસ્તા કપડાં ખરીદો, તૂટેલા-ફૂટેલા જર્જરિત મકાનમાં રહી લો, પણ બાળકોને શિક્ષણ આપ્યા વિના રહેવું નહીં. 

વીસમી સદીની સામાજિક સુધારણા ચળવળમાં યોગદાન આપનાર મહાપુરુષોમાં એક મહત્ત્વનું નામ બાબા ગાડગેનું છે. બાબા ગાડગે તરફ બૌદ્ધિકોનું ધ્યાન ન જવાને કારણે તેમનું નામ વધુ પ્રસિદ્ધિમાં ન આવી શક્યું. પરંતુ હવે વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ગયું છે અને બાબા ગાડગે વિશે લખવામાં આવી રહ્યું છે અને સમાજ સુધારણા ચળવળમાં તેમના યોગદાનને રેખાંકિત કરવામાં આવી રહ્યું છે.

સંત ગાડગે બાબા, જેઓ પોતે ભણેલા ન હોવા છતાં, તેમના જીવનકાળમાં ઘણીબધી શાળાઓ ખોલી, જનસેવાના વ્રતને અપનાવીને સમાજમાં અંધશ્રદ્ધા નિવારણના સિદ્ધાંતો પ્રેરિત કરવા માટે અથાક મહેનત કરી અને સ્વચ્છતાને અત્યંત મહત્વ આપ્યું, તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. વંચિતો માટે પ્રેરણા એવા ડો.બાબાસાહેબ તેમને પોતાના માર્ગદર્શક કહેતા હતા.

આમ જોવામાં આવે તો ગાડગે બાબા સંત કબીર અને રૈદાસની પરંપરામાં આવે છે. તેમના ઉપદેશોને જોતા એવું લાગે છે કે તેઓ કબીર અને રૈદાસથી ખૂબ પ્રભાવિત હતા. આ એક યોગાનુયોગ છે કે સંત રૈદાસ અને ગાડગે બાબાની જન્મજયંતિ એક જ મહિનામાં આવે છે. ગાડગે બાબાનો જન્મ ૨૩ ફેબ્રુઆરી, ૧૮૭૬ના રોજ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેગાંવ ગામ(અંજન ગામ સુરજી તાલુકો) નામના ગામમાં અસ્પૃશ્ય ગણાતી ધોબી જાતિના ગરીબ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ સખુબાઈ અને પિતાનું નામ ઝીંગરાજી હતું.

બાબા ગાડગેનું પૂરું નામ દેવીદાસ દેબુજી ઝીંગરાજી જાડોકર હતું. ઘરે તેમના માતા-પિતા તેમને પ્રેમથી ‘ડેબુજી’ કહીને બોલાવતા. ડેબુજી હંમેશા પોતાની પાસે માટીના વાસણ જેવું વાસણ રાખતા હતા. આમાં જ તેઓ ખોરાક લેતા અને પાણી પણ પીતા. મહારાષ્ટ્રમાં માટલાના ટુકડાને ગાડગં કહેવામાં આવે છે. આના કારણે જ કેટલાક લોકો તેમને ગાડગે મહારાજ, તો કેટલાક લોકો ગાડગે બાબા કહેવા લાગ્યા અને પછીથી તેઓ સંત ગાડગેના નામથી પ્રખ્યાત થયા.

ગાડગે બાબા ડૉ. આંબેડકરના સમકાલીન હતા અને તેમનાથી પંદર વર્ષ મોટા હતા. વાસ્તવમાં ગાડગે બાબા ઘણા રાજનેતાઓને મળતા રહેતા. પરંતુ તેઓ ડૉ. આંબેડકરના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત હતા. તેનું કારણ એ હતું કે સમાજ સુધારણાનું જે કામ તેઓ પોતાના કીર્તન દ્વારા લોકોને ઉપદેશ આપીને કરતા હતા, તે જ કામ ડો. આંબેડકર રાજકારણ દ્વારા કરી રહ્યા હતા અને ગાડગે બાબાને ખૂબ માન આપતા હતા. તેઓ સમયાંતરે ગાડગે બાબાને મળતા અને સામાજિક સુધારણા સંબંધિત મુદ્દાઓ પર તેમની સલાહ પણ લેતા હતા. ડો.આંબેડકર અને ગાડગે બાબા વચ્ચેના સંબંધો વિશે સમાજશાસ્ત્રી પ્રો. વિવેક કુમાર લખે છે કે "આજના દલિત નેતાઓએ આ બંને પાસેથી શીખવું જોઈએ. ખાસ કરીને યુનિવર્સિટી અને કૉલેજના શિક્ષિત આધુનિક અગ્રણીઓ, જેઓ સામાજિક કાર્યકરો, સમાજ સુધારણા મિશનરીઓ અને દલિત કાર્યકરોને તિરસ્કારની નજરે જુએ છે જેઓ પુસ્તકીય જ્ઞાનથી બહાર છે અને પોતાના પર ગર્વ અનુભવે છે. શું આજના નેતાઓ પાસે બાબા સાહેબ કરતા પણ વધુ ડિગ્રીઓ છે? બાબા સાહેબ આંદોલન અને સામાજિક પરિવર્તન વિશે સંત ગાડગેની સલાહ લેતા હતા. જોકે તેમની પાસે પુસ્તકીયા જ્ઞાન અને શાહી શક્તિ બંને હતી. તેથી, આપણે સમજવું પડશે કે સામાજિક શિક્ષણ અને પુસ્તકીયું શિક્ષણ અલગ છે અને દરેક પાસે બંને નથી. તેથી, આ બે પ્રકારના શિક્ષણ વચ્ચે સમન્વયની જરૂર છે.”

ગાડગે બાબા ડૉ. આંબેડકરથી કેટલી હદે પ્રભાવિત હતા તેની ચર્ચા કરતી વખત સંભવતઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પ્રથમ દલિત અધ્યક્ષ ડૉ. એમ.એલ. શહારેએ તેમની આત્મકથા ‘યાદો કે ઝરોખે’માં લખ્યું છે કે “ગાડગે બાબા ડો. બાબાસાહેબ આંબેડકરના વ્યક્તિત્વ અને કાર્યથી પ્રભાવિત થયા હતા. બાબા સાહેબ અને સંત ગાડગે બાબાએ એકસાથે તેમની તસવીર ક્લીક કરાવી હતી. આજે પણ એ છબીઓ ઘણા ઘરોમાં જોવા મળે છે. સંત ગાડગે બાબાએ તેમની પંઢરપુરની ધર્મશાળા ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટીને હોસ્ટેલ માટે દાનમાં આપી હતી. સંત ગાડગે મહારાજની કીર્તન શૈલી પોતાનામાં અજોડ હતી. તે સંતોની વાતો સંભળાવતા. તેઓ ખાસ કરીને કબીર, સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર વગેરેની કવિતાઓ લોકોને સંભળાવતા. હિંસાનો નિષેધ, દારૂનો નિષેધ, અસ્પૃશ્યતા નિવારણ, પશુબલિપ્રથા વગેરે તેમના કીર્તનોના વિષયો હતા.”

યોગાનુયોગ છે કે ડૉ. આંબેડકરના મહાનિર્વાણના માત્ર ૧૪ દિવસ બાદ ગાડગે બાબાએ પણ ૨૦ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ જનસેવા અને સામાજિક ઉત્થાનનું કામ કરતાં પોતાની આંખો કાયમ માટે બંધ કરી દીધી હતી. તેમના અવસાનના સમાચાર સમગ્ર મહારાષ્ટ્રમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. તેમના હજારો અનુયાયીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની અંતિમ યાત્રામાં ભાગ લીધો. આજે બાબા ગાડગે સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે. જેમાંથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે. બાબાનું જીવન અને કાર્ય માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે પ્રેરણા સ્ત્રોત છે.

ગાડગે બાબાના અવસાન પછી ૧લી મે, ૧૯૮૩ના રોજ મહારાષ્ટ્ર સરકારે નાગપુર યુનિવર્સિટીનું વિભાજન કર્યું અને 'સંત ગાડગે બાબા' અમરાવતી યુનિવર્સિટી, અમરાવતી, મહારાષ્ટ્રની સ્થાપના કરી. ૨૦ ડિસેમ્બર ૧૯૯૮ના રોજ, તેમની ૪૨મી પુણ્યતિથિ નિમિત્તે, ભારત સરકારે તેમના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી. ૨૦૦૧માં, મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું.

વાસ્તવમાં ગાડગે બાબા એક વ્યક્તિ નહીં પરંતુ પોતાનામાં એક સંસ્થા હતા. તેઓ માત્ર એક મહાન સંત જ નહિ પણ એક મહાન સમાજ સુધારક પણ હતા. તેમના સામાજિક સુધારણા સંબંધિત કાર્યને જોઈને ડૉ. આંબેડકરે તેમને જોતિબા ફૂલે પછીના મહાન ત્યાગી અને લોકસેવક ગણાવ્યા હતા. માનવતાની મૂરત બાબાને તેમના ૬૭મા સ્મૃતિ દિવસે આદરણાંજલી.. 

(સાભારઃ રાજ બહાદુર, ફોરવર્ડ પ્રેસ)

આ પણ વાંચો : પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.