જૂનાગઢના કવયિત્રી હેમલતા સોનારા 6 દલિત કવિઓની કવિતાઓ પર સંશોધન કરીને PHD થયા

સામાન્ય રીતે દલિતોની જેમ દલિત સાહિત્યને પણ સંશોધન માટે અસ્પૃશ્ય ગણવામાં આવતું હોય છે. પણ હવે તે માન્યતા તૂટતી જઈ રહી છે. જૂનાગઢની એક કવયિત્રીએ મેળવેલી પીએચડીની ઉપાધિ તેનું તાજું ઉદાહરણ છે.

જૂનાગઢના કવયિત્રી હેમલતા સોનારા 6 દલિત કવિઓની કવિતાઓ પર સંશોધન કરીને PHD થયા

બહુજન સમાજની કવિતાઓ અને બહુજન સાહિત્ય ધીમી પણ મક્કમ ગતિએ કથિત મુખ્યધારાના સાહિત્યને ટક્કર આપી રહ્યું છે. તેનો વધુ એક પુરાવો હાલ ગુજરાત યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. જ્યાં જૂનાગઢના વતની અને કવયિત્રી એવા હેમલતા સોનારાએ છ દિગ્ગજ દલિત કવિઓની કવિતાઓ પર સંશોધન કરીને પીએચડીની ઉપાધિ મેળવી છે.

ગઈકાલે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવન ખાતે હેમલતા સોનારાને તેમના સંશોધન ગ્રંથ ‘ગુજરાતી દલિત કવિતામાં સામાજિક સંદર્ભ ચયનકૃત કવિઓના સંદર્ભમાં’ પર પીએચડીની ઉપાધિ આપવામાં આવી હતી. તેમણે ડો. પારૂલ રંગપરિયાના માર્ગદર્શન હેઠળ આ સંશોધન કર્યું હતું જેમાં તેમણે કુલ 6 દલિત કવિઓ સર્વશ્રી નીરવ પટેલ, ભી.ન. વણકર, કિસન સોસા, નિલેશ કાથડ, દલપત ચૌહાણ અને પથિક પરમારની કવિતાઓમાં પદદલિતોના સામાજિક સંદર્ભનો ઉઘાડ સાહિત્ય વડે રજૂ કર્યો હતો. આ તમામ કવિઓની કવિતાની બહુજન સમાજમાં આગવી ઓળખ છે ત્યારે તેના પર થયેલું સંશોધન આગળ જતા નવી પેઢીના બહુજન કવિઓને માર્ગદર્શકરૂપ નીવડશે.

જૂનાગઢના વતની હેમલતા સોનારા નાનપણથી જ દલિત સાહિત્ય સાથે નિસબત ધરાવે છે અને પોતે પણ ‘ઝાકળ’ ઉપનામથી કવિતાઓ લખે છે. તેમના જીવનમાં પ્રખર આંબેડકરવાદી ડાહ્યાભાઈ સોનારાનું અમૂલ્ય પ્રદાન રહેલું છે. તેમના સામાજિક અને સાહિત્યિક વાતાવરણમાં ઉછેરને કારણે જ તેઓ દલિત કવિતાઓ જેવા અસ્પૃશ્ય મનાતા વિષયને હાથ પર લઈને અહીં સુધી પહોંચી શક્યા છે. તેમની આ સિદ્ધિ બદલ ચોતરફથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

આ પણ વાંચો : પંચમહાલમાં જાતિવાદે મર્યા પછી પણ પીછો ન છોડ્યો, મહિલાની અંતિમવિધિ માટે સ્મશાન ન મળતા ખેતરમાં અંતિમવિધિ કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.