સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?

8 સપ્ટેમ્બરે વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમમાં 30 નિવૃત્ત જજો સામેલ થયા હતા. તેમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો પણ હતા. શા માટે તેઓ આ કાર્યક્રમમાં ગયા તે જાણવા જેવું છે.

સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજો વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં શું કામ ગયા હતા?
image credit - Google images

ગત રવિવારે એક મહત્વની ઘટના બની ગઈ. ઈન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ન્યાયિક સુધારણાને લગતા વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલના આખો દિવસ ચાલેલા એક કાર્યક્રમમાં દેશની વિવિધ હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટના 30 જજો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજોએ પણ હાજરી આપી હતી. આ બે જજો એટલે આદર્શ કુમાર ગોયલ અને હેમંત ગુપ્તા. આ બંને જજોનો ઉલ્લેખ ખાસ એટલા માટે કરવો પડે કેમ કે, બંનેએ જજ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન જે ચૂકાદાઓ આપ્યા છે તે આજે પણ ભૂલાય તેમ નથી.

2018માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થતાં પહેલાં જસ્ટિસ હેમંત ગુપ્તા મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને પટના હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ હતા. 2022 માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા પછી તેમને ઈન્ડિયા ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 2022માં કર્ણાટક હાઈકોર્ટના શાળાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આવા બીજા પણ ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ તેમણે આપ્યા હતા.

આ પણ વાંચોઃ દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું...

બીજા જજ આદર્શ કુમાર ગોયલ 2014માં સુપ્રીમ કોર્ટમાં બઢતી પહેલા ઓરિસ્સા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. આ જજ સાહેબને બહુજન સમાજે ખાસ યાદ રાખવા પડે તેમ છે. કેમ કે, તેઓ એ બેંચમાં સામેલ હતા જેણે વર્ષ 2018માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(અત્યાચાર નિવારણ) અધિનિયમ-1989 (એસસી-એસટી એક્ટ) હેઠળના કેટલાક કેસોમાં આરોપીઓને આગોતરા જામીન આપવાને મંજૂરી આપી હતી. તેમના આ નિર્ણયને વ્યાપક રીતે એસસી-એસટી એક્ટને નબળો પાડવાના સ્વરૂપમાં જોવામાં આવ્યો હતો અને તેનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો. દલિત-આદિવાસી સમાજે રસ્તા પર ઉતરવું પડ્યું હતું અને તેમાં સમાજના અનેક યુવાનોએ શહીદી વહોરવી પડી હતી. ભારે હોબાળો થતા બાદમાં વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે તેને પરત ખેંચી લીધો હતો. 

આ પણ વાંચોઃ હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે

અહીં ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે, વર્ષ 2018માં આ ચૂકાદો આવ્યો તે જ વર્ષે જસ્ટિસ ગોયલ નિવૃત્ત થયા હતા અને એ પછી તરત તેમની નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આવા વિવાદાસ્પદ ચૂકાદાઓ આપનાર જજો જ્યારે વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં હાજરી આપે ત્યારે સ્વાભાવિક રીતે જ તે ચર્ચાનો મુદ્દો બને.

આ મામલે જ્યારે મીડિયા દ્વારા જસ્ટિસ હેમંત ગુપ્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ કાર્યક્રમ દેશના વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હતો અને તેઓ તેમાં વક્તા તરીકે નહોતા. તે એક કાનૂની સંસ્થા છે જે તેની પોતાની પ્રવૃત્તિઓ કરે છે અને એક નાગરિક તરીકે મને કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવા કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવાનો અધિકાર છે.

જ્યારે જસ્ટિસ આદર્શ કુમાર ગોયલનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હોવાનું સ્વીકાર્યું હતું. જો કે તેમના સેક્રેટરીએ આ મામલામાં વધુ જાણકારી માટે VHP લીગલ સેલ સાથે વાત કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ 6 વર્ષના દલિત બાળક પાસે જાતિવાદી શિક્ષિકાએ ટોઈલેટ સાફ કરાવ્યું

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ કાર્યક્રમ VHPના "વિધિ પ્રકોષ્ઠ" અથવા લીગલ સેલ દ્વારા યોજવામાં આવ્યો હતો અને તેમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 30 નિવૃત્ત જજો, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને વિશ્વ હિંદુ પરિષદના(VHP) ના પ્રમુખ આલોક કુમારે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વારાણસી અને મથુરાના મંદિરો પરના કાયદાકીય વિવાદો પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં હાજર જજોએ પોતાના અનુભવોના આધારે સલાહો આપી હતી.

આ ઘટનાક્રમ ખૂબ જ મહત્વનો છે. કેમ કે, મથુરા અને કાશી સંબંધિત અરજીઓ હાલ કોર્ટમાં છે. આ બે કેસોમાં કોર્ટે અત્યાર સુધી જે પણ નિર્દેશો આપ્યા છે, તેનું ન્યાયતંત્રના સંદર્ભમાં અધ્યયન પણ ઘણું રસપ્રદ છે. હવે સુપ્રીમ કોર્ટમાં મથુરા કેસની સુનાવણી થવા જઈ રહી છે અને એ જ સમયગાળામાં વીએચપીનો આ કાર્યક્રમ યોજાય અને તેમાં 30 જેટલા નિવૃત્ત જજો હાજર રહે તે અનેક શંકા-કુશંકાઓ પેદા કરે છે.

આ પણ વાંચોઃ 'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો

ન્યાયતંત્ર અને કાર્યપાલિકા વચ્ચે આટલા ગાઢ સંબંધો અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી. હાલમાં જ પીએ મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના ઘરે ગણપતિ પૂજામાં પહોંચી ગયા હતા, જેણે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. અનેક બૌદ્ધિકોએ સવાલ ઉઠાવ્યો છે કે, ચીફ જસ્ટિસના ઘરે વડાપ્રધાન પહોંચી જઈને પૂજા કરે પછી સીજેઆઈ સરકાર સાથે જોડાયેલા મહત્વના કેસોમાં કોની તરફેણ કરે તે કહેવાની જરૂર ખરી?

શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "જો બંધારણના રક્ષકો આ રીતે રાજકીય નેતાઓને મળે છે તો લોકોના મનમાં શંકા પેદા થાય છે." હવે જ્યારે VHP ના કાર્યક્રમમાં 30 જેટલા નિવૃત્ત જજો પહોંચીને સલાહ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે, દેશના તમામ લઘુમતી વર્ગમાં તેને લઈને ચિંતા જોવા મળે. કારણ કે મોબ લિંચીંગથી લઈને પૂજા સ્થાનોને તોડી પાડવા કે આવા વિવાદોમાં ઢસડવાના સૌથી વધુ કેસોનો સામનો તેઓ કરી રહ્યાં છે. આવી સ્થિતિ વચ્ચે ન્યાયતંત્રના કેટલાક જજોનું જે વલણ સામે આવી રહ્યું છે તે ચિંતાનો વિષય ચોક્કસ છે.

આ પણ વાંચોઃ ભાજપ-RSS ના મનુવાદી ચહેરાને દેશના બહુજનો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.