દલિત હોવાને કારણે 6 વર્ષના બાળક પાસે શિક્ષિકાએ ટોઈલેટ સાફ કરાવ્યું
એક સરકારી શાળામાં બે જાતિવાદી શિક્ષિકાઓ પર એક 6 વર્ષના દલિત બાળક પાસે ટોઈલેટ સાફ કરાવતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
જાતિવાદનું ઝેર આ દેશના કથિત સવર્ણોના લોહીમાં પેસી ગયું છે અને તેના વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. પણ ગઈકાલે જે ઘટના સામે આવી છે તેણે તો માણસાઈને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. મળતી વિગતો મુજબ, એક સરકારી પ્રાથમિક શાળામાં એક જૈન શિક્ષિકાએ 6 વર્ષના એક બાળકને તે દલિત સમાજમાંથી આવતું હોવાથી તેની પાસે ટોઈલેટ સાફ કરાવ્યું હતું. એટલું જ નહીં, આ શિક્ષિકા નાનકડાં બાળકને, જેને હજુ જાતિ-સમાજ વિશે કંઈ સમજણ પણ નથી પડતી તેને માત્ર તેની દલિત જાતિના કારણે નફરત કરતી હતી અને તેને કારણે તેને શાળા છુટ્યાં પછી અંદર બંધ કરી દીધો હતો.
સારી વાત એ રહી કે, તેની માતા તેને શોધતા શોધતા સ્કૂલ સુધી આવી પહોંચી અને ત્યાં તેને શાળામાં તેના દીકરાનો રડતો અવાજ સંભળાયો અને તેને ખ્યાલ આવ્યો કે તેનું બાળક શાળાની અંદર પુરાયેલું છે. એ પછી હોબાળો મચી ગયો, મુખ્ય શિક્ષિકાના પતિએ આવીને શાળાના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે જતું બાળક તેમાંથી બહાર આવી શક્યું હતું. આ મામલે બાળકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મુખ્ય શિક્ષિકા અને ક્લાસ ટીચર સામે કાર્યવાહી કરવામાં આવી છે, મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે બ્લોક એજ્યુકેશન ઓફિસરની આગેવાનીમાં બે સભ્યોની ટીમને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીંના મુઝફ્ફરપુરના જાનસાઠ વિસ્તારની એક સરકારી શાળામાં પહેલા ધોરણના એક નિર્દોષ વિદ્યાર્થી પાસે તે દલિત સમાજનો હોવાથી શાળાની મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈન અને ક્લાસ ટીચર રવિતા રાની કથિત રીતે ટોઈલેટ સાફ કરાવતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ બાળકને શાળાના રૂમમાં બંધ કરીને શિક્ષિકા અને આચાર્ય ઘરે જતા રહ્યા હતા.
આ પણ વાંચો: બાળકોમાં પોષણ મામલે ભારત દુનિયાનો 8મો સૌથી ખરાબ દેશ
ઘટના 6 ઓગસ્ટને મંગળવારની છે. જ્યારે મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈન અને ક્લાસ ટીચર રવિતા રાનીની કથિત બેદરકારીને કારણે બાળક સ્કૂલમાં જ રહી ગયું હતું. એ પછી તેની માતા તેને શોધતી શોધતી શાળાએ પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે તેનું બાળક તો શાળાના રૂમમાં કેદ છે અને રડી રહ્યું છે. તેણે તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી. એ પછી મુખ્ય શિક્ષિકાના પતિએ આવીને રૂમનો દરવાજો ખોલાવ્યો હતો.
આ ઘટનાને લઈને બાળકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, બંને શિક્ષિકા કથિત ઉચ્ચ જાતિની છે અને તે તેમના બાળકને ટોઈલેટ સાફ કરવા મજબૂર કરતી હતી, કેમ કે તે દલિત બાળકોને નફરત કરે છે. તેમની માનસિકતા એવી છે કે, દલિતોના બાળકોએ ભણવું ન જોઈએ અને ટોઈલેટ સાફ કરવું જોઈએ.
બાળકની માતાએ આરોપ લગાવ્યો છે કે આ બંને શિક્ષિકાઓની બેદરકારીને કારણે તેમનું બાળક એક કલાક કરતા વધુ સમય સુધી શાળાના રૂમમાં એકલું બંધ રહ્યું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમનો દીકરો શાળા છુટી જવા પછી પણ ઘરે ન પહોંચ્યો તો તેણે અન્ય બાળકોને પૂછ્યું હતું, પણ તેમણે કશી ખબર ન હોવાનું કહ્યું.
એ પછી તે શાળાએ પહોંચી તો ત્યાં તાળું મારેલું હતું, પણ અંદરથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. એ પછી ગામલોકો અને પરિવારજનોએ મુખ્ય શિક્ષિકાને બોલાવ્યા. બાદમાં રવિતા રાનીના પતિ ચાવી લઈને શાળાએ પહોંચ્યા અને દરવાજો ખોલ્યો. રાનીના પતિએ જણાવ્યું કે કદાચ બાળક શાળામાં સુઈ ગયું હશે. તેમનો આવો જવાબ સાંભળીને બાળકની માતાને લાગી આવ્યું હતું અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદીપકુમારે જણાવ્યું હતું કે, મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ક્લાસ ટીચર રવિતા રાનીની સર્વિસ બુકમાં પ્રતિકૂળ એન્ટ્રી કરવામાં આવી છે. આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બ્લોક એજ્યુકેશન ઓફિસરના નેતૃત્વમાં બે સભ્યોની કમિટી આ મામલાની તપાસ કરશે અને ત્રણ દિવસમાં તેમનો રિપોર્ટ આપશે.
સંદીપકુમારે વધુમાં જણાવ્યું હતું કે, તમામ સરકારી શાળાના શિક્ષકોએ વર્ગખંડ બંધ કરતી વખતે અંદર તપાસ કરવી ફરજિયાત છે કે કોઈ બાળક અંદર રહી તો નથી ગયું ને. બીજી તરફ મુખ્ય શિક્ષિકા સંધ્યા જૈને કહ્યું કે તેમની સાથે અન્યાય થયો છે, કારણ કે આ ઘટના માટે ક્લાસ ટીચર જવાબદાર છે. તેમણે કહ્યું કે, જો બાળક સૂઈ ગયું હોય તો પણ ક્લાસ બંધ કરતા પહેલા તેની તપાસ કરવી જોઈતી હતી. પોલીસ બાળક પાસે ટોઈલેટ સાફ કરાવવાથી લઈને આ તમામ આરોપોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો