દલિત યુવકને ઝાડ પર ઉંધો લટકાવી 12 લોકોએ કલાકો સુધી માર્યો

પડોશમાં રહેતા જાતિવાદી તત્વોનું કાવતરું. દલિત યુવકને બાઇક ચોરીની શંકામાં ઘરે બોલાવી આરોપીઓએ ઝાડ પર ઊંધો લટકાવી કલાકો સુધી નિર્દયતાથી ફટકાર્યો.

દલિત યુવકને ઝાડ પર ઉંધો લટકાવી 12 લોકોએ કલાકો સુધી માર્યો
પ્રતિકાત્મક તસવીર

રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક ક્રૂર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક દલિત યુવકને ઝાડ પરથી ઊંધો લટકાવીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે યુવકના પગ બાંધ્યા પછી તેને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓને કાયદો કે પોલીસનો જરાય ડર નથી તેવું એટલા માટે લાહે કેમ કે તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

બાડમેરના ખારવા ગામની ઘટના

ઘટના બાડમેર જિલ્લાના ગુડામાલાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખારવા ગામની છે. અહીં બાઈક ચોરીની શંકાએ આરોપીઓએ એક દલિત યુવકને તેમના ઘરે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પછી તેને દોરડાથી બાંધીને ઝાડ પર ઊંધો લટકાવી દેવામાં આવ્યો. એ પછી એક ડઝન લોકોએ તેને કલાકો સુધી નિર્દયતાથી માર માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલાની નોંધ લેતા પોલીસે યુવકની શોધ શરૂ કરી અને ઘટનાની પુષ્ટિ કરી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ કેસમાં ભોગ બનનાર દલિત યુવક શ્રવણ કુમારના પિતા ગંગદારામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગંગદારામે જણાવ્યું કે ઇરારામ, ભલારામ, અચલારામ, વેલારામ, હીરારામ, શ્રવણ, ચતરરામ, હીરારામ જટીયાને છેતરીને તેમના પુત્ર શ્રવણ કુમારને તેમના ઘરે બોલાવ્યા અને તેના હાથ-પગ દોરડાથી બાંધીને લીમડાના ઝાડ પરથી ઊંધો લટકાવી દીધો અને તેને માર માર્યો અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો.

આ અપમાનનો એક વીડિયો બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો.

પોલીસે શું કહ્યું?

આ કેસમાં માહિતી આપતાં ડીએસપી સુખારામ વિશ્નોઈએ જણાવ્યું કે આ ઘટના ગુડામાલાની પોલીસ સ્ટેશન વિસ્તારના ખારવા ગામની છે. પીડિત યુવકનું નામ શ્રવણ ગંગદારામ મેઘવાલ છે. તેના પર થયેલા હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શ્રવણના પાડોશમાં રહેતા કલ્બી જાતિના ઇસરરામની બાઈક ચોરી થઈ ગઈ હતી અને તેને શ્રવણ પર શંકા જતા બધાંએ સંપ કરીને તેને ઘરે બોલાવ્યો હતો અને પછી તેને લીમડાના ઝાડ ઉપરથી ઉંધો લટકાવી માર માર્યો હતો. વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ થઈ ગઈ છે. પોલીસે કેસ નોંધીને આ મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ખેતરમાં તારની વાડ કરતા દલિત પરિવાર પર મનોરોગીએ હુમલો કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.