પાટડીમાં ગટર સફાઈમાં બે દલિત યુવકોના મોત, અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ
પાટડીમાં 24 અને 17 વર્ષના બે દલિત યુવકોને કોન્ટ્રાક્ટરે સુરક્ષા સાધનો વિના ગટરની સફાઈ કરવા ઉતાર્યા હતા, બંનેનું ગેસ ગળતર થતા મોત નીપજ્યું હતું.

સુરેન્દ્રનગરના પાટડીમાં ગઈકાલે ગટરની સફાઈ દરમિયાન બે દલિત યુવકોના મોત થયા હતા. આ મામલે આજે અમદાવાદના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાટડીના વેલનાથનગર પાસે ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા 24 વર્ષના જયેશ પાટડીયા અને 17 વર્ષના ચિરાગ પાટડીયાને કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના સફાઈ કરવા માટે ઉતાર્યા હતા. પરિણામે બંને યુવાનો ગટરમાંથી નીકળતા ઝેરી ગેસને કારણે ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હતા.
પોલીસે આ ઘટના અંગે કંપનીના કોન્ટ્રાક્ટર સંજય પટેલની ધરપકડ કરી છે. આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સામાજિક સંગઠનો અને એનજીઓએ સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવા અને તેમના જીવનની સલામતી સુનિશ્ચિત કરવાની માગ કરી છે. અમદાવાદની અંબિકા કોર્પોરેશન કંપનીને પાટડી નગરપાલિકા દ્વારા ગટર સફાઈનું કામ સોંપવામાં આવ્યું હતું. ઘટના બાદ મૃતકોના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી પાંચ માગણીઓ રજૂ કરી હતી. જેમાં પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને આર્થિક સહાયનો સમાવેશ થાય છે. મોડી રાત્રે તંત્રે માગણીઓ સ્વીકારતા પરિવારજનોએ બંને યુવાનોનો મૃતદેહનો સ્વીકાર્યો હતો.
પૂર્વ અને વર્તમાન ધારાસભ્યે શું કહ્યું?
આ મામલે દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, બંને યુવકો પાણીના સંપ અંદર ઉતરીને કામ કરવા જતા ગૂંગળાઈને મોતને ભેટ્યાં હતા. હું સરકાર પાસે માંગણી કરૂ છું કે, મૃતકોને રૂ.10-10 લાખની સહાય કરવામાં આવે અને એમના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે. સરકારે અનેક વખત કહ્યું છે કે, ગુજરાતમાં મેન્યુલ સ્કેવેન્જંગ બંધ થઈ ગયુ છે. પરંતુ એ વાત ખોટી છે.
બીજી તરફ દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારે કહ્યું હતું કે, મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત થઇ છે. તેમણે આ ઘટના અંગે પરિવારજનોને સાંત્વના પાઠવવાની સાથે જરૂરી સહાય આપવાની સાથે આજનો એમનો કાર્યક્રમ રદ કર્યો છે. અને સાથે આ ઘટનામાં દોષિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ હૈયાધારણા આપી છે.
જયેશના 6 મહિના પહેલા લગ્ન થયા હતા, પત્ની સગર્ભા છે
મંગળવારે સવારે કુંડી સાફ કરવા ઉતરેલો 17 વર્ષના ચિરાગ પાટડીયા ગુંગળાઈને બેભાન થઇ જતા એને બચાવવા જતા કુંડીમાં ઉતરેલો 24 વર્ષનો જયેશ પાટડીયા પણ ગુંગળાઈને ઢળી પડ્યો હતો. અને બંને આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પાટડી નગરપાલિકામા સફાઈ કામદાર તરીકે કામ કરતા ભરત પાટડીયાના 24 વર્ષના પુત્ર જયેશ પાટડીયાના તો છ માસ અગાઉ જ લગ્ન થયા હતા. અને એની પત્ની ગર્ભવતી છે. જયેશનું ગેસ ગળતરથી મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બંને મૃતકોના પરિવારજનોની રોકકળ અને આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બંનેને જ્યારે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હાલતમાં જ હતા. જેમાં કેમિકલ રિએક્શન અને પેટ અને ફેફસા સુધી ગટરનું પાણી ઘૂસી જતા બંને મોતને ભેટ્યા હતા. હાલ આ ગટરના પાણીના કેમિકલ એનાલિસિસમાં રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે.
દસાડા અનુસૂચિત જાતિ સમાજ એક્શન મોડમાં
આ ઘટનામાં દસાડા તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પાટડી નાયબ કલેક્ટર પાસે પાંચ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં મૃતકના પરિવારજનોને રૂ. એક-એક કરોડનું વળતર, બંને મૃતકોના પરિવારના એક સભ્યને સફાઈકામ સિવાયની કાયમી નોકરી, ભવિષ્યમાં આવી ઘટના ન બને એની બાહેંધરી અને સલામતી કિટની વ્યવસ્થા કરવી, પાટડી ખાતેનો મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ કરવો અને ચીફ ઓફિસર, સેનેટરી ઓફિસર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર કરવી. જેમાં કલેક્ટર કેયુર સી. સંપટ અને જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવાની સાથે હાલ પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ અને કોન્ટ્રાકટર સંજય વિરુદ્ધ એફઆઈઆર પર કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: 15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ