પતિ દલિત-પત્ની બિનદલિત હોય તો તેમના સંતાનોને અનામત મળે?
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ વિશેષાધિકારનો ઉપયોગ કરીને, બિન-દલિત મહિલા અને એક દલિત પુરુષના લગ્નને રદ કરી દીધાં. જાણો કોર્ટે શું ચૂકાદો આપ્યો.
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 (Article 142 of the Constitution) હેઠળ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને બિન-દલિત મહિલા અને દલિત પુરુષના લગ્ન રદ કરી દીધા છે. સાથે કોર્ટે આદેશ આપ્યો કે મહિલાના બાળકોને અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર મળવું જોઈએ, કારણ કે તેમના પિતા દલિત સમાજના છે. જુહી પોરિયા અને પ્રદીપ પોરિયાના છૂટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બિન-દલિત મહિલા લગ્ન દ્વારા અનુસૂચિત જાતિનું સભ્યપદ મેળવી શકતી નથી, પરંતુ અનુસૂચિત જાતિના વ્યક્તિથી જન્મેલા બાળકો SC પ્રમાણપત્ર મેળવવા માટે હકદાર રહેશે.
મામલો શું હતો?
સુપ્રીમ કોર્ટે પતિને આદેશ આપ્યો કે તેઓ છ મહિનાની અંદર બાળકો માટે એસસી પ્રમાણપત્ર મેળવે અને પીજી સુધીના તેમના શિક્ષણ સંબંધિત તમામ ખર્ચ ઉઠાવે. વધુમાં કોર્ટે પતિને ₹42 લાખની એકસાથે ચુકવણી કરવા અને પત્નીને રાયપુરમાં એક પ્લોટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે, છૂટાછેડા પછી બાળકોનો ઉછેર માતાના ઘરે થશે, પરંતુ તેમને SCનો દરજ્જો મળશે. તેનાથી તેમને સરકારી શિક્ષણ અને નોકરીઓમાં ફાયદો થશે. કોર્ટે પતિ-પત્ની વચ્ચે નોંધાયેલા તમામ કેસો ફગાવી દીધા હતા અને બાળકોને તેમના પિતા સાથે મળવા માટેના નિર્દેશો આપ્યા હતા.
બંધારણની કલમ 142માં શું છે?
બંધારણની કલમ 142 ની જોગવાઈ દેશની સુપ્રીમ કોર્ટને ખાસ સત્તાઓ આપે છે. આ અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને એ સત્તા મળેલી છે કે તે ન્યાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કોઈપણ આદેશ કે દિશા આપી શકે છે, પછી ભલે તે કોઈ કાયદાકીય જોગવાઈમાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવી હોય. તેને સર્વગ્રાહી શક્તિ પણ કહેવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ કોર્ટ કોઈ ચોક્કસ કેસના નિકાલ માટે કરી શકે છે, જેમાં કાયદાકીય મર્યાદાઓની બહાર જઈને પણ ન્યાયનો રસ્તો શોધવાની જરૂર હોય છે.
142 કેવી રીતે કામ કરે છે?
બંધારણીય નિષ્ણાતોના મતે, કલમ 142 હેઠળ, સુપ્રીમ કોર્ટને એવો આદેશ આપવાનો અધિકાર છે, જે કોઈપણ અન્ય કાયદાની બહાર જઈને ન્યાય અને સમજદારીના આધારે હોય. તેનો ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે કોઈપણ પક્ષ પોતાની કાયદાકીય સ્થિતિનો લાભ ન ઉઠાવે અને વાસ્તવિક ન્યાયને રોકવામાં ન આવે. ઉદાહરણ તરીકે, જો કાયદાની નબળાઈને કારણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ન્યાય ન થઈ રહ્યો હોય તો સુપ્રીમ કોર્ટ આ કલમનો ઉપયોગ કરીને ન્યાય આપવાનો આદેશ આપી શકે છે.
ક્યાં ઉપયોગ થાય છે?
વ્યવહારિક રીતે જો કૌટુંબિક વિવાદો કે છૂટાછેડાના કેસોમાં જો કોઈ કાયદાકીય ટેકનિકલ કારણ ન્યાયમાં અવરોધ બને છે, તો સુપ્રીમ કોર્ટ કલમ 142 નો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ન્યાય વ્યવસ્થામાં સુધારા માટે પણ થાય છે. જો કોઈ ચોક્કસ કેસમાં ન્યાય પ્રક્રિયામાં અડચણ પેદા થાય છે, તો કોર્ટ આ કલમ થકી ઉકેલ લાવી શકે છે.
અન્ય ચોક્કસ કેસોમાં, જ્યારે કાયદાનું પાલન કરવું અશક્ય અથવા અત્યંત જટિલ હોય, ત્યારે સુપ્રીમ કોર્ટ આ જોગવાઈનો ઉપયોગ તેના નિર્દેશો અને આદેશો આપવા માટે કરી શકે છે. આ ઉપરાંત, કલમ 142નો ઉપયોગ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભારતીય ન્યાય વ્યવસ્થામાં કોઈપણ પક્ષ ન્યાયથી વંચિત ન રહી જાય, ભલે કાયદામાં કોઈ ખામી કે અસ્પષ્ટતા હોય.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી, આ ભાજપની બિશ્નોઈ ગેંગ છેઃ સંજય રાઉત