દલિત સરપંચને ત્રણ યુવકોએ ગોળી મારી, સરપંચની હાલત ગંભીર
સરપંચ પોતાના પરિવાર સાથે આંગણામાં બેઠા હતા ત્યારે ગામના જ ત્રણ યુવકોએ આવીને ગોળીબાર કર્યો. સરપંચને હોસ્પિટલમાં દાખલ કરાયા, હાલત ગંભીર છે.

દલિત સમાજની વ્યક્તિ ગમે તેવા મોટા હોદ્દા પર પહોંચી જાય તો પણ તેમના પર અત્યાચારો અટકવાનું નામ નથી લેતા. બે દિવસ પહેલા એક દલિત ધારાસભ્યને જાતિવાદી તત્વોએ એક શાળાનું ઉદ્ઘાટન કરતા રોક્યા હતા અને તેમને જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું હતું. હવે અન્ય એક મામલામાં એક દલિત સરપંચ પર ગામના જ કેટલાક યુવકોએ ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ગોળી વાગવાથી દલિત સરપંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુપીના બાંદાના તેંદુરા ગામની ઘટના
મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશ (UP) નો છે. અહીં બાંદા (Banda) ના બિસન્ડા પોલીસ સ્ટેશન વિસ્તારના તેંદુરા ગામ (Tendura village)ના દલિત સરપંચ પર બંદૂકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરપંચ (dalit Pradhan) પર બે ગોળી (shot with a gun) ચલાવવામાં આવી હતી. જેમાંથી એક ગોળી ડાબા હાથમાં અને બીજી પેટમાં વાગી છે. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને મેડિકલ કોલેજ રિફર (referred to the medical college) કરવામાં આવ્યા હતા.
દલિત સરપંચના ઘરે જ ઘટના બની
તેંદુરા ગામના દલિત સરપંચ રામલાલ જયન (Tendura village Pradhan Ramlal Jayan) સાંજે લગભગ 4:30 વાગ્યે તેમના પ્લોટમાં બેઠા હતા. તેમની સાથે પિંકુ ભદૌરિયા, લલ્લુ સિંહ અને પરિવારના ચાર-પાંચ સભ્યો પણ બેઠા હતા. એ દરમિયાન ગામનો એક યુવક ત્યાં આવ્યો હતો. તેની પાછળ થોડા સમય પછી ગામના બીજા બે યુવાનો આવ્યા હતા. પાછળથી આવેલા બે યુવાનોમાંથી પહેલાએ પિસ્તોલ કાઢીને સરપંચ પર ગોળીબાર કર્યો હતો.
એક ગોળી હાથ પર બીજી પેટમાં વાગી
પહેલી ગોળી સરપંચના ડાબા હાથમાં વાગી હતી. નજીક બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલાં જ બીજા યુવકે પોતાની પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો અને તેની ગોળી પેટમાં વાગી હતી. એક પછી એક બે ગોળીબાર થયા બાદ દલિત સરપંચના ઘરે નાસભાગ મચી ગઈ હતી. એ દરમિયાન બંને હુમલાખોરો પિસ્તોલ લહેરાવતા ભાગી ગયા હતા. લોહીથી લથપથ દલિત સરપંચને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.
આ કેસમાં બિસંડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુરેશ કુમાર સૈનીએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે તપાસ અને પૂછપરછ કરવામાં આવી છે. ઘાયલને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે સરપંચના પક્ષ દ્વારા કોઈ ફરિયાદ આપવામાં આવી નહોતી.
સરપંચ સમાજવાદી પાર્ટીના સક્રિય સભ્ય છે
મળતી માહિતી પ્રમાણે ગોળીબારમાં ઘાયલ થયેલા સરપંચ રામલાલ જયન સમાજવાદી પાર્ટીના સક્રિય કાર્યકર છે. તેઓ સપાના કારોબારી સભ્ય (SP executive) પણ છે. સમાજવાદી પાર્ટી દ્વારા પીડીએ જન સંવાદ યાત્રા (PDA Jan Samvad) કાઢવામાં આવી છે. ૨૩મી ફેબ્રુઆરીએ તેંદુરા ગામમાં પીડીએ જાહેર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન કરવાની જવાબદારી સરપંચ રામલાલ જયનની હતી. તેમના દ્વારા પીડીએ જનસંવાદ કાર્યક્રમ માટે મંડપ વગેરે બાંધવાની કામગીરી ચાલી રહી, એ દરમિયાન જ આ હુમલો થયો હતો.
સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ મંડળે સરપંચની મુલાકાત લીધી
આ ઘટના બનતા જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સૂચનાથી 8 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ સરપંચની મુલાકાતે પહોંચ્યું હતું અને આ મામલે જાણકારી મેળવી હતી. સપાના બાંદા જિલ્લા અધ્યક્ષ મધુસૂદન કુશવાહાએ આ મામલે વિસ્તારથી જાણકારી આપી હતી.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
આ ઘટનામાં બિસન્ડા પોલીસ સ્ટેશને અત્યાર સુધીમાં બે આરોપીઓ રાઘવસિંહ અને કુલદીપની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધાં છે. જ્યારે અન્ય એક આરોપી સંદીપ સિંહ હજુ પણ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ મંડળે દલિત સરપંચની મુલાકાત લઈને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને તે અખિલેશ યાદવને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી