ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી

દેશભરમાં કથિત ગૌરક્ષકોનો આતંક ચરમસીમા પર છે ત્યારે ફરીદાબાદમાં એક બ્રાહ્મણ વિદ્યાર્થીને ગૌરક્ષકોએ ગૌતસ્કર સમજી તેની હત્યા કરી દીધી છે.

ફરીદાબાદમાં ગૌરક્ષકોએ વિદ્યાર્થીને ગૌતસ્કર સમજી ગોળી મારી દીધી
image credit - Google images

Faridabad Aryan Mishra Murder: કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી કથિત ગૌરક્ષકોનો આતંક ચરમસીમા પર પહોંચી ગયો છે. ગુજરાતમાં ઉનાકાંડ તેનું સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય. આ સિવાય ખાસ કરીને લઘુમતી સમાજના લોકોને ટાર્ગેટ કરવા માટે સત્તાપક્ષે પ્રેરિત કથિત ગૌરક્ષકોના આતંકની બીજ પણ અનેક ઘટનાઓ આપણી સામે છે. ત્યારે હવે ગૌરક્ષકોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે અને તેમાં લઘુમતી સમાજના લોકોને બદલે એક બ્રાહ્મણ યુવકની ગૌરક્ષકોએ હત્યા કરી નાખી છે.

ઘટના હરિયાણાની છે, જ્યાં ગૌરક્ષકોનો આતંક સામે આવ્યો છે. દિલ્હીની બાજુમાં આવેલા ફરીદાબાદમાં ધોરણ 12માં ભણતા આર્યન મિશ્રાનો ગૌરક્ષકોએ કથિત રીતે પહેલા પીછો કર્યો હતો અને બાદમાં તેને ગૌતસ્કર સમજીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 23 ઓગસ્ટની આ ઘટનામાં પોલીસે ગૌરક્ષક ગેંગના 5 સાગરિતોની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ અનિલ કૌશિક, વરુણ, ક્રિષ્ના, આદેશ અને સૌરભ તરીકે થઈ છે.

મૃતક આર્યન મિશ્રા અને તેના મિત્રો શેન્કી અને હર્ષિતને ગૌતસ્કર સમજીને આરોપીઓએ દિલ્હી-આગ્રા નેશનલ હાઈવે પર ફરિદાબાદમાં ગઢપુરી નજીક લગભગ 30 કિલોમીટર સુધી તેમની કારનો પીછો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૌરક્ષકોને માહિતી મળી હતી કે રેનોલ્ટ ડસ્ટર અને ટોયોટા ફોર્ચ્યુનર કારમાં કેટલાક પશુ તસ્કરો શહેરની રેકી કરી રહ્યાં છે અને પશુઓને ઉપાડી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગેંગરેપના આરોપીઓને જામીન મળતા ભાજપના ધારાસભ્યે કેક કાપી?

પકડાયેલા આરોપીઓ ગૌતસ્કરોને શોધી રહ્યા હતા ત્યારે પટેલ ચોકમાં એક ડસ્ટર કાર જોવા મળી હતી. એ પછી તેમણે કાર ચલાવી રહેલા હર્ષિતને રોકાવા માટે કહ્યું. જો કે, આર્યન અને તેના મિત્રો રોકાયા નહોતા કારણ કે શેન્કીને બીજા કેટલાક લોકો સાથે દુશ્મની હતી તેથી તેમને લાગ્યું કે તેમણે શેન્કીને મારવા માટે ગુંડાઓ મોકલ્યા હશે.

જ્યારે કાર ન રોકાઈ ત્યારે આરોપીઓએ કાર પર ગોળીબાર કર્યો અને એક ગોળી આગળની સીટ પર બેઠેલા આર્યન મિશ્રાના ગળા પાસે વાગી. જ્યારે કાર આખરે રોકાઈ ત્યારે તો ફરીથી તેને ગોળી મારી દેવાઈ. આવું કરતી વખતે ગૌરક્ષકોને કાયદો વ્યવસ્થાની જરા પણ બીક લાગી નહોતી. તેઓ ટ્રેઈન થયેલા આતંકવાદીઓની જેમ ગોળીબાર કરી રહ્યા હતા. પણ જ્યારે તેમણે કારમાં બે મહિલાઓને બેઠેલી જોઈ ત્યારે તેઓ સમજી ગયા કે તેમણે ખોટા યુવકની હત્યા કરી છે અને તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

દરમિયાન આર્યન મિશ્રાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત થઈ ગયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટનામાં જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ ગેરકાયદેસર હતું. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં કથિત ગૌ રક્ષકોનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં ચરખીદાદરીમાં કચરો વીણી રહેલા એક બંગાળી મજૂર સાબીરની ગૌમાંસ ખાવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ નિવેદન આપ્યું હતું કે ગામડાઓમાં ગાયોનું ઘણું સન્માન છે. જો ગ્રામજનોને ખબર પડી જાય તો તેમને રોકવા મુશ્કેલ બની જાય છે. ચરખીદાદીની આ ઘટના પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો

અગાઉ મેવાતમાં પણ આવી ઘટનાઓ બની છે, જ્યારે કથિત ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈને આવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. વલ્લભગઢમાં જુનૈદ નામના યુવકની ચાલતી ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી, પરંતુ આ મામલો ટ્રેનની સીટ વિવાદ સાથે જોડાયેલો હતો. ગુડગાંવના કથિત ગૌરક્ષકોએ રાજસ્થાનથી પશુપાલકોને ઉપાડીને અને ભિવાની પાસે તેમના વાહન સાથે તેમને જીવતા સળગાવી દીધા હતા. કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભાજપશાસિત રાજ્યોમાં આ રીતે કથિત ગૌરક્ષકો કાયદો હાથમાં લઈને ગમે તે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં જરાય ખચકાતા નથી. ગુજરાતમાં પણ ઉનાકાંડ વખતે દુનિયા આખીએ આવા કથિત ગૌરક્ષકોનું ભયાનક સ્વરૂપ નજરે જોયું હતું.

આ પણ વાંચોઃ અનુભવ સિંહાની વેબસિરીઝમાં આતંકવાદીઓના નામ 'ભોલા' અને 'શંકર' ને લઈને વિવાદ થયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.