દલિત યુવતીનું અપહરણ કરી 4 યુવકોએ ગેંગરેપ કર્યો, એકની ધરપકડ
વધુ એક દલિત યુવતી પર બળાત્કાર થયાનું સામે આવ્યું છે. 4 યુવકોએ મળીને યુવતીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ કર્યો હતો. પોલીસે એકની ધરપકડ કરી છે.

Meerut Gangrape: સવર્ણોનું લોહી માત્ર તેમની જાતિની દીકરીઓ પર થતા બળાત્કારમાં જ ઉકળે છે, બાકી દલિત-આદિવાસી સમાજની દીકરીઓ પર દેશમાં અનેક બળાત્કારની ઘટનાઓ બનતી હોવા છતાં તેમનું રૂંવાડું પણ ફરકતું નથી. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં થયેલા બળાત્કારમાં યુવતી સવર્ણ જાતિની હોવાથી રાજકારણીઓ, મીડિયા, કથિત એક્ટિવિસ્ટો, સામાજિક સંગઠનોથી લઈને આખી સવર્ણ લોબી રસ્તા પર ઉતરી આવી છે. આવું જ કંઈક નિર્ભયાકાંડ વખતે પણ થયું હતું.
જો કે કોલકાતાની ઘટના પછીના અત્યાર સુધીના સમયગાળામાં દલિત, આદિવાસી સમાજની બહેન-દીકરીઓ પર રેપ-ગેંગરેપની અનેક ઘટનાઓ બની ચૂકી છે, પણ તેમાં આ સવર્ણ લોબીનું રૂંવાડું પણ ફરકર્યું નથી. તેનાથી ઉલટું ભાજપ-કોંગ્રેસ જેવા પક્ષો જો કોઈ રેપ કેસમાં આરોપીઓ લઘુમતી કોમના હોય તો રાજકીય ફાયદો જોઈને તરત તેમાં કૂદી પડે છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ કનેક્શન સામે આવ્યું છે.
ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં મેરઠમાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. ચારથી વધુ યુવકો પર ગેંગરેપનો આરોપ છે. મામલો મેરઠના ફલાવડા પોલીસ સ્ટેશનના એક ગામનો છે. અહીં એક દલિત યુવતી 29 ઓગસ્ટના રોજ શૌચ કરવા ગઈ હતી, ત્યારે ગામના જ સમીર, રાજા અને એક અજાણ્યા યુવકે તેમના સાગરિતો સાથે મળીને તેનું અપહરણ કર્યું હતું અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. 30 ઓગસ્ટના રોજ, યુવતી ગામથી કેટલાક કિલોમીટર દૂર અન્ય ગામમાં હતાશ હાલતમાં મળી આવી હતી. તેની હાલત જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેને સારવાર માટે મોકલવામાં આવી હતી. જ્યાં તેના પર ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો: લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો
સામૂહિક બળાત્કારના તમામ ગુનેગારો લઘુમતી કોમના હોવાનું પ્રકાશમાં આવતાં જ હિન્દુ સંગઠનોએ ફલાવડા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો હતો. હિન્દુ સંગઠનોએ મોટા આંદોલનની ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, બજરંગ દળના જિલ્લા પ્રમુખ આદેશ ચૌધરીએ ચેતવણી આપી છે કે, જો જલ્દી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મોટો વિરોધ કરવામાં આવશે. તેમણે સવાલ કર્યો કે પોલીસ કેમ બેકફૂટ પર છે.
પોલીસે આ મામલે કેસ દાખલ કરીને ગામના જ સમીર, રાજા અને એક અજાણ્યા યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. SHO ફલાવડા રાજેશ કંબોજનું કહેવું છે કે પોલીસે ગેંગરેપના મુખ્ય આરોપી સમીરની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના આરોપીઓને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. યુવતીના 161 ના નિવેદનો લેવાયા છે જ્યારે 164ના નિવેદન લેવાની તૈયારી ચાલી રહી છે.
હિંદુ સંગઠનોની ચાલાકી સમજો
આ કેસમાં બહુજન સમાજ માટે એક મહત્વની બાબત સમજવા જેવી છે. દેશભરમાં એસસી, એસટી, ઓબીસી સમાજની બહેન-દીકરીઓ પર દરરોજ કોઈને કોઈ જગ્યાએ રેપ થયાના સમાચાર આવે છે. પણ કોઈ હિંદુ સંગઠનો ખાસ કરીને RSS, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની કે ભાજપની કોઈ પાંખના કાર્યકરો તેમની વ્હારે આવતી નથી. કેમ કે, મોટાભાગના કેસોમાં આરોપીઓ કથિત સવર્ણ જાતિના હોય છે અને આ તમામ સંગઠનો તેમના માટે જ કામ કરે છે. કહેવાતા આ હિંદુ સંગઠનો ત્યારે જ આવા કેસોમાં મેદાનમાં ઉતરે છે જ્યારે તેમને રાજકીય લાભ દેખાતો હોય. આ કેસમાં આરોપીઓ લઘુમતી સમાજના હોવાથી હિંદુ સંગઠનો તરત મેદાનમાં આવી ગયા છે અને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ જ કેસમાં જો આરોપી 'સલીમ'ની જગ્યાએ 'શર્માનો દીકરો' હોત તો આ જ હિંદુ સંગઠનો તેનાથી અંતર જાળવીને છુપાઈ ગયા હોત. આવું માત્ર ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા સંગઠનો જ નથી કરતા. કોંગ્રેસ સહિતના પક્ષોમાં બેઠેલા સવર્ણોનું પણ આ જ સ્ટેન્ડ હોય છે. એટલે દલિતોએ પોતાના પ્રશ્નો માટે પોતે જ લડવું પડે છે.
આ પણ વાંચો: ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?